16 May 2021

રેતી... છીપલાં અને મોતી

ગુજરાતના બ્રહ્મશિક્ષકની સાફલ્યગાથા

રેતી... છીપલાં અને મોતી (આત્મકથા)

શ્રી મોતીભાઈ મ. પટેલ

[ પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપનીઅમદાવાદ

પ્રથમ આવૃત્તિ: 2017;

પૃષ્ઠ: 312; 

મૂલ્ય: 300 rs]




પુસ્તક પરિશીલન: પલ્લવી ગુપ્તા

        'રેતી... છીપલાં અને મોતી: શિક્ષણૠષિની ભાવયાત્રા' શ્રી મોતીભાઇ મ. પટેલની આત્મકથા છે. પુસ્તકમાં મુખ્ય સાત પ્રકરણ છે, જેમાં પ્રથમ છ પ્રકરણમાં તેમના જન્મથી ઓગસ્ટ 2017 સુધીની એમની સ્મરણકથા છે. અંતિમ પ્રકરણ તેમના સાહિત્યકાર, મિત્રો, શિષ્યો અને ચાહકોના પ્રતિભાવને સમર્પિત છે, જેમાં શ્રી ભદ્રાયુ વછરાજાની, શ્રી વિનેશ અંતાણી, શ્રી મણિલાલ હ. પટેલ, શ્રી ઈશુભાઈ ગઢવી, શ્રી હરેશ ધોળકિયા, શ્રી કેશુભાઈ દેસાઈ, શ્રી જયેન્દ્ર ત્રિવેદીના મૂલ્યવાન પ્રતિભાવો અંકિત છે.

વ્યક્તિ પોતાના કર્મો થકી જ પૂજાય છે. સ્વનો વિકાસ અને સાથો સાથ સમાજ માટે કંઈક કરી ગુજરવાના મનસૂબા સાથે કરેલાં પુરુષાર્થ લોકોના હૃદયમાં ફોરમ બનીને મલકાય છે. શ્રી મોતીભાઈ મ. પટેલનું જીવનકવન આખા ગુજરાતમાં પણ કંઈક એવી જ સુવાસ પ્રસરાવે છે કે આ મસ્તક આપોઆપ આ શિક્ષણઋષિને વંદન કરવા નમી જાય છે.

તો ચાલો! એમની સ્મરણયાત્રા પર એક ઝાંખી કરીએ.

એક અલ્લડ બાળપણ
        
        અરવલ્લીની ગિરિકંદરાઓના સાનિધ્યમાં મેઘરજ તાલુકાના એક નાનકડા ગામમાં 16-5-1937ના દિવસે શ્રી મનોરભાઈ તથા નાથીબહેનને ત્યાં શ્રી મોતીભાઇ પટેલનો જન્મ થયો.
મહેનતુ ખેડૂત પિતા અને સમૃદ્ધ મોસાળની વારસાઈ વચ્ચે ખૂબ સુંદર લાડકોડ વાળું બાળપણ મળ્યું. ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો. સગા સોમાકાકા જ એ શાળાના આચાર્ય હતા. તેથી પ્રાથમિક શિક્ષણ ખૂબ સારું થયું. સોમાકાકાથી સુંદર અક્ષર અને ભણવાની શૈલી વરદાન સ્વરૂપે મળી. છઠ્ઠા ધોરણમાં કોઈક પી.ટી.સી. કોલેજની બહેન દ્વારા નકશો ભરવાનો અને ભૂગોળ ભણવાનો પ્રસંગ નાના મોતીના બાળમાનસ પર અસર કરી ગયો કે જીવનને એક શિક્ષક થવાનું ઉદ્દેશ્ય મળી ગયો.
પ્રાથમિક શિક્ષણ ઉપરાંત બાળપણની નિર્દોષ લીલાઓનો ભરપૂર સમૃદ્ધ સમયકાળ હતો એ. રાત્રે મિત્રો સહિત ફાનસ ફરતે ગોળાકાર બેસી વાંચવું, પછી 5 કિલોમીટર દૂર ભવાયા રમવા આવે એ જોવા ત્યાં પહોંચી જવું અને પછી તરગાળાઓનાં જોયેલાં નાટકો તૈયાર કરી શેરીમાં ફરી ભજવવું, આમ અભિનયની તાલીમ પણ મળી.
કારતકમાં શામળાજીના મેળામાં વાપરવાના 50 પૈસા જેવી માતબર રકમ લઇ મિત્રો સહિત 30 કિલોમીટર ચાલીને જવું; કંટાળુ હનુમાનના મેળામાં ચુપકેથી નવવધુઓને જોવું; હોળીના તહેવાર પર લાકડાં છાણાં ચોરી લાવી હોળી પ્રગટાવી; અને પછી તે સળગતા અંગારા પર ચાલવાનો પ્રયોગો, એવા હોળી, દિવાળી, શિવરાત્રી, શનીવાર એકટાણું જેવા તહેવારો પર કરેલી ઉજવણી અને ઉજવણીની ક્ષણોમાં બાળપણ રંગાયું હતું.
પ્રાથમિક શાળાની સાથે જાણે બાળલીલાઓ પર પણ વિરામ લાગ્યો. પિતાના આગ્રહથી ખેતી કામમાં જોડાયા. ઉનાળામાં એક દિવસ મામાનું ઘર ચાળવા ભેગા થયેલા ત્યારે મામાને કેટલીક વાતો તરુણવયના મોતીના જીવનને એક નવી દિશા માટે પરિબળ બની. "પિતાજીની વારસાઇની થોડી જમીનમાં ચાર ભાઈઓ પૈકી તારું કુટુંબ શે જીવશે? મોતી, નળીયાની લાઈનની જેમ તારી જીવનની લાઈન પણ સીધી જ રાખજે", મામાની આ શિખામણે મોતીને જીવનની જવાબદારીઓ માટે સજાગ કર્યોે પછી શરૂ થઈ જીવનમાં સંઘર્ષ યાત્રા.

શિક્ષક થવાની ખેવના
        મામાની શિખામણથી પુરુષાર્થ માટે તત્પર મોતીભાઈ 'સિદ્ધાર્થ' નવલકથાના સિદ્ધાર્થની જેમ ઘર છોડીને નીકળી પડ્યા, સાથે હતું તો માત્ર એક બગલથેલો જેમાં બે જોડ કપડાં અને ફકત 20 રૂપિયા. ઈસરીથી મેશ્વો નદી વટાવી શામળાજી પછી હિંમતનગર પદયાત્રા કરી પહોંચી ગયા. રાત્રે હિમ્મત હાઇસ્કુલની ઓસરીમાં આરામ કરી બીજા દિવસે સવારે જાહેર શૌચાલયમાં તૈયાર થઈ નીકળી પડ્યા કામ શોધવા. શહેરની ઘણી દુકાનોમાં નોકરી માટે રખડ્યા. હિંમતનગરથી ઇડર રેલવેની દુકાનોમાં તપાસ કરી. એક કરિયાણાની દુકાનમાં નોકરી મળી. પરંતુ બપોરે જમતી વખતે શેઠાણીએ અસ્પૃશ્ય હોય, તેમ પીરસ્યું. સ્વમાન ઘવાયું, આત્મા ઉકળી ઉઠ્યો. જમ્યા વગર ચાલતા થયા. "ક્યાં જવું?" એ વિમાસણ વચ્ચે નક્કી કર્યું અને કડિયાદરા પી.ટી.સી. કોલેજની પ્રાથમિક શાળા, કે જ્યાં હવે સોમાકાકા આચાર્ય હતાં, ચાલતા પહોંચી ગયા.
કાકા પાસે પહોંચી કહ્યું, "કાકા,ઘેર કોઈ ખાસ કામ ન હતું એટલે તમારી પાસે આવ્યો છું." "ભલે રહે." કહી કાકાએ વધાવી લીધો. પછી કાકા સાથે જ ત્યાં રોકાયા. પાડોશમાં દરજીની દુકાન હતી. ત્યાં ગાજ-બટન કરતાં, સંચો ચલાવતાં એમ સીવણનું કૌશલ્ય શીખી ગયા. ચોમાસામાં એક સપ્તાહના વેકેશનમાં કાકા સાથે ઘરે ઈસરી પાછા આવ્યા. ત્યારે કાકાને ખબર પડી કે મોતી તો કોઈને કહ્યા વિના ચાલી નીકળ્યો હતો. કાકાએ ઠપકો આપ્યો. પછી એમની સાથે જવાને બદલે ગામમાં જ ઘઉં દળવાની ઘંટીએ છએક માસ કામ કર્યું. ના ફાવ્યું. ખેતી કામે ફરી ગૂંથાયા. પરંતુ મન અને નસીબ તો શિક્ષક થવાને ઝંખતું હતું.

વનશિક્ષકથી શિક્ષણઋષિની સાફલ્યગાથા

પ્રાથમિક વનશિક્ષક
હજી અઢાર વર્ષની ઉંમર નહોતી એટલે સરકારી પ્રાથમિક શિક્ષકની નોકરી મળવી અશક્ય હતી. ગામથી ત્રણ કિ.મી દૂર નવાગામના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા ચાલતી હતી. ત્યાંના આચાર્યશ્રી હીરાભાઈ પગીને શાળાંત પરીક્ષા આપવા સાત માસની રજાની જરૂર હોઈ એક પ્રોક્સિ શિક્ષકની જરૂર હતી. સર્વોદય આશ્રમ-શામળાજીના સંચાલક શ્રી નરસિંહભાઈ, કે જેઓ આ શાળા ચલાવતા હતા, તેમને મળી આ નોકરી મેળવી. બસ, જીવનપથ પર એક નવી દિશાએ શ્રી મોતીભાઈ પટેલને આહ્વાન આપ્યો.
આ નવાગામ પ્રાથમિક શાળા ત્રણ-ચાર ગામ વચ્ચેની 1 થી 4 ધોરણની ગ્રાન્ટેડ શાળા હતી. અહીં બાળકોને અધ્યાપન કરાવતાં કરાવતાં શ્રી મોતીભાઈ પોતે પણ રેંટિયો કાતતાં શીખી ગયા. શ્રી મોતીભાઈનું શિક્ષકત્વ પ્રગટ થવા લાગ્યું. વર્ષાન્તે સરકારી સ્કૂલ ઇન્સપેક્ટર દ્વારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ ખૂબ જ ઉત્તમ આવતા નૃસિંહભાઇએ શાબાશી આપી. નવાગામ ભડવચમાં બદલી કરી. ત્યાં ડુંગર ઉપર એક ઝૂંપડીમાં શાળા ચલાવવાની હતી. ગામમાંથી પાંચેક બાળકને લાવી કક્કો લખવાનું આપી, બીજા બાળકોને લેવા જાય ત્યાં તો પહેલા પાંચ જતા રહે. તેમ છતાં બે-ત્રણ માસમાં ચાલીશ જેટલા વિદ્યાર્થી શાળામાં દાખલ કરી ભણતરમાં એવા પાક્કા કર્યાં કે નિરિક્ષણ અર્થે આવેલ સરકારી સ્કુલ ઇન્સ્પેક્ટર રાજી રાજી થઈ ગયો. પરિણામે શામળાજી આદિવાસી સેવા સમિતિને સરકારી ગ્રાન્ટ પૂરી મળી.
નવા વર્ષે રાજસ્થાન-ગુજરાતની સરહદે વાઘપુર-ગોધાવાડા પ્રાથમિક શાળામાં બદલી થઈ. એ સ્વયં આચાર્ય, શિક્ષક, પ્યુન બધી જવાબદારી એમના જ કાંધે હતી.
પછીના વર્ષે એમને કાયમી શિક્ષક કરવા માટે શ્રી નૃસિંહભાઇએ વલ્લભ વિદ્યાલય-બોચાસણમાં ત્રણ માસના નવશિક્ષક તાલીમ વર્ગમાં મોકલ્યા, જ્યાં તેમને શ્રી રવિશંકર મહારાજનું સાનિધ્ય મળ્યું. ત્રણ માસના અંતે તકલી, રેંટિયો પર કાંતણની ગતિના આધારે ગુણ ઉપરાંત કાંતણવિદ્યા, શિક્ષણના સિદ્ધાંતો, ભાષા, નિબંધ પરીક્ષામાં પ્રથમ આવી શ્રેષ્ઠ પરિણામની એમની યાત્રા શરૂ થઈ.
તાલીમ પછી પુનઃ સર્વોદય યોજનાની આંબાબાર પ્રાથમિક શાળા, ભિલોડામાં ટીચર તરીકે નોકરી મળી. ભિલોડા, વિજયનગર ના શિક્ષકો દર મહિને પગાર લેવા શામળાજી આશ્રમમાં રૂબરૂ થતાં. ગાંધીવિચારના વ્યાખ્યાનો થકી શિવાભાઈ ગો. પટેલ, દિલખુશ દિવાનજી, બબલભાઈ મહેતા, જુગતરામ દવે, શ્રી નવલભાઈ શાહ જેવા વિદ્વાન લોકોના વિચારોથી બૌદ્ધિક સધ્ધરતા અવી. એ વખતે ખાદી પહેરવાની શરૂઆત થઇ જે આજે પણ એંસી વર્ષની ઉંમરે પણ ટકી રહી છે.
સર્વોદય યોજનાના શિક્ષકોને પી.ટી.સી. તાલીમ માટે સ્વરાજ્ય આશ્રમ વેડછી મોકલતા. ત્યાં શ્રી ચીમનભાઈ પટેલ, શ્રી ભીખુભાઈ વ્યાસ, શ્રી હર્ષકાંત વોરા જેવા વિદ્વાન શિક્ષકોની સાથોસાથ શ્રી જુગતરામ દવે તથા શ્રી બબલભાઈ મહેતાના સંપર્કમાં આવ્યા. શ્રી બબલભાઇ મહેતાએ આ કશબી યુવાન હૈયામાં વાંચનનો શોખ પ્રગટાવ્યો. એમની સલાહથી શ્રી મોતીભાઈએ મનુભાઈ પંચોળી ની 'દીપનિર્વાણ' નવલકથાથી વાંચનની શરૂઆત કરી. અને પછી તો શું! મનુભાઈ પંચોળીની તમામ નવલકથાઓ, પન્નાલાલ પટેલનું સંપૂર્ણ સાહિત્ય, આત્મકથા, જીવનકથા, નિબંધો, પ્રવાસો, કાવ્યસંગ્રહો ઉપરાંત ગુલશન નંદાથી પ્રમચંદ સુધીના અનેક લેખકોને વાંચી આત્મસાત્ કરી લીધું.
પરીક્ષાઓમાં હંમેશા અવ્વલ નંબર આવનાર શ્રી મોતીભાઈ 'પ્રાથમિક શિક્ષક નું પ્રમાણપત્ર' પરીક્ષામાં સમગ્ર મુંબઈ રાજ્યમાં પ્રથમ આવ્યા. બધી જ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવવું એ એમનો સ્વભાવ થઈ ગયો હતો. તાલીમ બાદ 1977માં પુનઃ સરવોદય આશ્રમમાં હાજર થયાં. સમયાંતરે શામળાજી શાળામાં આચાર્ય થયાં, પરંતુ સ્નાતક ન હોવાને કારણે પગાર થોડો ઓછો મળતો. નોકરી છોડી સ્નાતક માટે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
નોકરી વગર આગળ ભણવું પડકારજનક હતું જ. પરંતુ આ મહેનતુ ખેડુતપુત્રે છાપા વહેંચી તથા લહીયાગીરી જેવા કાર્યો કરીને અભ્યાસ પૂર્ણ કર્યો. ઉત્તમ પરિણામ મેળવી ૧૯૬૨માં સ્નાતક પૂર્ણ કર્યું. પછી રાજપીપળામાં જી.બી.ટી.સી કર્યું.

ઉચ્ચ અધ્યયન અને અધ્યાપન

અને અહીંથી એક વનશિક્ષકની અધ્યાપક તરીકેની યાત્રા શરૂ થઈ. અમદાવાદની સી.એન.વિદ્યાલય માં પીટીસી તથા જીબીટીસીભાં અધ્યાપક તરીકેની નિમાયા. ત્યાં નોકરીની સાથે એમ.એડનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો.
એ કાળ દરમિયાન ઈસરીમાં જ 'શ્રી પ્રકાશ વિનયમંદિર' નામે માધ્યમિક શાળા શરૂ કરી. પોતે માધ્યમિક શિક્ષણ ના લઈ શક્યાનો વિષાદ દૂર કર્યો.
પ્રથમ વખત એવું બન્યું કે સી.એન.વિદ્યાલયમાંથી કોઈ રાજીનામું આપે. આદર્શવાદી શ્રી મોતીભાઇ પટેલ પોતાના બે સહકર્મીઓ સાથે રાજીનામું આપી, જૂન 1967 માં 'આદર્શ વનવાસી વિદ્યાવિહાર ડોડીસરા'માં આચાર્ય તરીકે જોડાયા. સંપૂર્ણ ધગશ અને નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થી કેંદ્રિત શિક્ષણકાર્ય દરમિયાન તેમની લેખન અભિવ્યક્તિ વિકસાવવા શાળાનું પોતાનું મુખપત્ર 'વનફૂલ' શરૂ કર્યું.
શિક્ષણના દીવાદાંડી સમાન શ્રી મોતીભાઈ શનિવારે શાળા છૂટયા બાદ શનિ-રવિ મોડાસા કૉલેજમાં એમ.એ. ગુજરાતીના વર્ગો શરૂ કર્યા.
મોડાસામાં જાણીતા બાળ સાહિત્યકાર શ્રી રમણભાઈ સોનીના સંપર્કમાં આવ્યા.શ્રી રમણભાઈ સોની કે જેમણે 1 થી 100 સુધીની સંખ્યા અંગે સંશોધન કર્યું હતું. વળી આગળ ચાલીને એ સંશોધનને કશમે એવોર્ડ પણ પ્રાપ્ત થયો, જેમાં મુખ્ય ભૂમિકા શ્રી મોતીભાઇની હતી.

સ્વયં શિલ્પી, શિક્ષણઋષિ

ડોડીસરાના કાર્યકાળ દરમિયાન ઇસરીથી ભિલોડા સુધી પાંચ માધ્યમિક શાળાઓ શરૂ કરી. પછી કોઈ અણબનાવે ડોડીસરા છોડવાનું નક્કી કર્યું, ત્યાં તો ખંભાતના બી. એડ. કૉલેજમાં અધ્યાપકની પદવી રાહ જોઈ બેઠી હતી.
15 જૂન 1970માં ખંભાતની શ્રીમતી બી.સી.જે કોલેજ ઓફ એજ્યુકેશન માં હાજર થયા. અનુસ્નાતક શિક્ષક થયા. 'તુલનાત્મક શિક્ષણ'ની નૂતન ધારા શરૂ કરી. શૈક્ષણિક સામયિક 'નૂતન-શિક્ષણ'ના તંત્રી ડૉ. ગુણવત્તા શાહથી મૈત્રી થઈ જેનો ડંકો શિક્શણજગતમાં આજે પણ વાગે છે. ઉત્સાહ અને નિષ્ઠા ભરેલી પ્રવૃત્તિઓ સાથે કેટલાક વર્ષો પસાર થતા હતાં, ત્યાં તો દ્વારકા બી.એડ.કોલેજ એમને બોલાવતી હતી.
દ્વારકામાં કારકિર્દીની 15 વર્ષની લાંબી યાત્રા ખેડી. એ લાંબી યાત્રાને શ્રી મોતીભાઈ સોનેરી વર્ષો તરીકે સંબોધે છે. 15 વર્ષના દીર્ઘ સમયકાળ દરમિયાન ડોક્ટર ગુણવંત શાહ સાથે મૈત્રી ગાઢ થઈ. અનેક કાર્યશિબિરો, યોજનાઓ, પ્રવૃત્તિઓ થકી અધ્યાપન ક્ષેત્રે શ્રી મોતીભાઈની નામના સતત વધતી રહી છે. મોતીભાઈ પટેલ કહે છે,"હું મારા વતનમાં માત્ર 13 વર્ષ રહ્યો છું. તેને બદલે દ્વારિકામાં 15 વર્ષ રહ્યો.15 વર્ષમાં મેં વ્યક્તિગત ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત કરી. શૈક્ષણિક, આધ્યાત્મિક અને સાહિત્યનું સુંદર વાતાવરણ અમે મિત્રોએ સર્જ્યું.(પૃ.126)
દ્વારકા પ્રત્યે આટલું મમત્વ છતાં 1988માં દ્વારકા પશ્ચિમ તરફ મૂકીને ઉપડ્યા સુરેન્દ્રનગર.
શિક્ષણ જગતમાં શ્રી મોતીભાઇ પટેલ નો એક્કો જમાવનાર આ કાળ ખૂબ જ ફળદ્રુપ સાબિત થયો. માનવમંદિરમાં આવેલી 'મૈત્રી વિદ્યાપીઠ મહિલા બી.એડ કોલેજ'માં આચાર્ય બન્યા. એમની અંદર બેઠેલો આચાર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. એમ.એડ.ના વર્ગો શરૂ કર્યાં. બહેનો માટે છાત્રાલય શરૂ કરી. ઉપરાંત, કોલેજની બહેનો તથા અધ્યાપકો માટે ખાદીનો ગણવેશ નક્કી કરી ગણવેશ ધરાવતી ગુજરાતની પ્રથમ બી.એડ. કોલેજ બની. પી.એચ.ડી.ના ગાઈડ બન્યા. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના તત્કાલીન વડા ડૉ. ગુણવંત શાહ સાથે વિચારમેળો શરૂ કર્યો. વિચારમેળાની કુલ 25 સફળ શિબિરોના આયોજન થકી શિક્ષણ સહિત સાહિત્ય ક્ષેત્રે પણ નામના મેળવી. વિદ્વાન મિત્રો બન્યા. આ શિબિરોમાં શ્રી કેશુભાઈ દેસાઈ, શ્રી યશવંત શુક્લ, શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક', શ્રી પુરૂષોત્તમ માવલંકર, શ્રી ભદ્રાયુ વછરાજાની જેવા સર્જકોએ ભાગ લીધો છે.
અહીં તાલીમી શિક્ષણના પાયારૂપ એક મોટું કાર્ય આરંભ કર્યું અને એ હતું એમ.એડ.ના વર્ગોનું નવું સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય અનેક કામગીરી કરતાં રહ્યાં, જેમકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાફ એકેડેમિકમાં તજજ્ઞ સેવાઓ; માધ્યમિક શિક્ષણબોર્ડ શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે ત્રણ વર્ષની સેવા; પુનઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહીવટ તથા સિન્ડીકેટ સભ્ય તરીકે; સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિભાગના ડીન તરીકે; અને.... અને..... અને..... શિક્ષણ અને વહીવટ ક્ષેત્રે અનેકો અનેક કામગીરી કરી છે, જેને શબ્દોમાં બાંધવું અશક્ય પૂરવાર થાય છે.

        આ શિક્ષણૠષિ કે જેમની પ્રવૃત્તિઓને વાચા આપતાં જીહવા થાકી જાય, લખવા બેસતાં શબ્દો ખૂટી જાય, એમની ષષ્ટિપૂર્તિ કાર્યક્રમની ભવ્યતાા પણ ટંકારવી જ રહી.

ષષ્ઠિપૂર્તિ કાર્યક્રમ

16-5-1997ના રોજ 60 વર્ષ પુરા થતાં આદરણીય, મિત્ર, માર્ગદર્શક અને ફિલોસોફર એવા ડૉ. શાસ્ત્રી જયેન્દ્રભાઈ દવેના અધ્યક્ષ સ્થાને ષષ્ટિપૂર્તિ કાર્યક્રમ નક્કી થયું. જયંતીભાઈએ કહ્યું, "મારી તો કોઈ ઉજવશે નહીં, પણ તારી તો આખું ગુજરાત ઉજવશે."(પૃ. 147) કાર્યક્રમમાં 500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાહિત્યપ્રેમીઓ, અધ્યાપકો, ચાહકો, ડોક્ટર ઉપસ્થિત હતા. જમણવાર પછી 4 કલાકનો કાર્યક્રમ યોજાયો. શ્રી જયેન્દ્રભાઈના અધ્યક્ષપદે "મોતીભાઈ: વ્યક્તિ અને વિચાર" 156 પૃષ્ઠનું પુસ્તક છપાયું. ષષ્ટિપૂર્તિ સન્માન માટે વિદ્યાર્થીઓ દ્વારા 2 લાખ 60 હજારની રકમ એકઠી થઇ. જેમાં 40 હજાર રૂપિયા પરત ઉમેરી શ્રી મોતીભાઈએ ત્રણ લાખ રૂપિયા 'મોતીભાઈ મ. પટેલ શિક્ષણ વિસ્તરણ ટ્રસ્ટ' ને અર્પણ કર્યાં. જેના દ્વારા સુરેન્દ્રનગરમાં વિવિધ વ્યાખ્યાનો, કાર્યક્રમો યોજાય છે. વળી, વ્યાજમાંથી પુસ્તકો ખરીદી વાચકોને અપાય છે.


શિક્ષણ અને સાહિત્યનું સંગમબિંદુ

ડોડીસરાથી 'વનફુલ' નામની સામયિક પ્રકાશિત થતી. 1976માં દ્વારકાથી 'પારેવડું' શરૂ કર્યું. નામ શ્રી ઈશ્વર પરમાર દ્વારા સૂચિત હતું. પછીથી 'પારેવડુ'માં 'સટરપટર' નામની કોલમ શરુ કરી. ધીમે ધીમે 'પારેવડું' કોલેજનું મુખપત્ર મટીને સાહિત્ય, શિક્ષણ અને કલાજગતનું સામયિક બની ગયું. અને હવે તે 'શમણું'નામે પ્રકાશિત થાય છે. ઉચ્ચ કક્ષાનું લેખનવર્ગ ધરાવતું 'શમણું'ને 42 વર્ષ પુરા થયા છે જેની ગુણવત્તા દિવસેને દિવસે વધતી જાય છે.
ઉપરાંત 'શિક્ષણના પ્રવાહો' નામની કોલમ સંદેશમાં દર મંગળવારે ચાર વર્ષ સુધી પ્રગટ થઈ. જેના સંકલનથી ત્રણ પુસ્તિકાઓ બની, 1.શિક્ષણના પ્રવાહો, 2.કેળવણી નો કોયડો અને 3. વિદ્યાની વ્યથાકથા.
ગુજરાતની પૂર્વ પટ્ટીમાં વનવાસીઓ વચ્ચે શિક્ષણનું કાર્ય કરતા અને સૌરાષ્ટ્ર-ગુજરાતના 20 ૠષી સમાન વ્યક્તિઓના જીવન વિશેની પુસ્તક 'કેળવણીના રાષ્ટ્રીય ઋષિઓ' પ્રકાશિત થઈ જે આજે બેસ્ટસેલર બની છે.
એટલું જ નહીં, 'જીવનશિક્ષણ',' નૂતન શિક્ષણ', 'ઘરશાળા' જેવી રાજ્ય કક્ષાની શૈક્ષણિક સામયિક માં એમના લેખ વખતોવખત પ્રકાશિત થતાં રહ્યાં છે.
એમણે શિક્ષણશાસ્ત્ર, મનોવિજ્ઞાન, શાળાસંચાલન જેવાં તમામ પદ્ધતિશાસ્ત્રના અનેક પુસ્તકો લખ્યાં છે. પીટીસી અને બી.એડ. ના પાઠ્યપુસ્તકો લખ્યાં.
તેમણે સ્વતંત્ર રીતે 11 પુસ્તકો, ડૉ. જયેન્દ્ર શાસ્ત્રી સાથે 8 તથા ડો. રવીન્દ્ર અંધારિયા સાથે 7 એમ કુલ 26 પુસ્તકોમાં લેખન કાર્ય કર્યું છે.


એક વિરલ વ્યક્તિત્વ: બ્રહ્મશિક્ષક

અરવલ્લીની ગિરિકંદરાઓની વચ્ચે નાનકડા ગામ ઈસરીના એક સામાન્ય ખેડૂતપુત્રે ગુજરાતના દરેક ખૂણે પોતાનું નામ ગજવ્યું છે. પ્રાથમિક શાળાથી અનુસ્નાતક તાલીમી કોલેજો સુધી, રાજસ્થાન બોર્ડરના વાઘપુરથી દ્વારીકા સુધી, અરવલ્લીથી સુરેન્દ્રનગર સુધી, આખા ગુજરાતમાં છવાયેલ કબીરવડ છે. સંપૂર્ણ જીવન શિક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ, વહીવટી જવાબદારીઓમાં વિતાવ્યા ઉપરાંત એમનું વ્યક્તિત્વ દર્પણની જેમ સ્વચ્છ, નિર્દોષ છે. કેટકેટલી સંસ્થાના સ્થાપક-ટ્રસ્ટી, કેટકેટલાના જીવનના ઉદ્ધાર-પ્રોત્સાહક પરિબળ હોવા છતાં સ્વભાવે બાળક જેટલા જ સરળ છે. રત્તિ જેટલું પણ અહમનો છટકાવ નથી.
પુસ્તકના સાતમા પ્રકરણમાં પૃષ્ઠ 183 થી 296 સુધી લેખકના સાહિત્યકાર મિત્રો, શિષ્યો અને ચાહકોના પ્રતિભાવ છે.
    શ્રી વિનય અંતાણી એમને 'મોતીભાઇ-એક ગૃહસ્થ વણઝારો' કહે છે.
    શ્રી ભરત જોશી એમને 'હકારાત્મક ઉર્જાનું પાવર હાઉસ'
    ડો. દક્ષેશ ઠાકર એમને 'શિક્ષણ પ્રહરી મોતીભાઈ', મણિલાલ હ.પટેલ 'શિક્ષકોના આદર્શ શિક્ષક મોતીભાઈ', હરેશ ધોળકિયા એમને 'પ્રસન્નમૂર્તિ વ્યક્તિત્વ' કહે છે. જ્યારે ડૉ. કેશુભાઈ દેસાઈ 'કૂણા કાળજાનો માનવી' તરીકે સંબોધે છે. જયેન્દ્ર ત્રિવેદી કહે છે 'એક રજકણ રત્ન બનીને શોભે'. એમના શિષ્યો એમને 'મિત્ર, માર્ગદર્શક અને ગુરુવર' તરીકે સંબોધે છે.

શ્રી મોતીભાઈ મ. પટેલ એક પારસમણિ છે એ જે જે સ્થળ જે જે વ્યક્તિ ના સંપર્કમાં આવે સુવર્ણ બનીને ઝળહળે.
કવિએ સાચું જ કહ્યું છે-
                        खुले पंख तेरे, गगन अब तेरा है।
                        खिली इक कली तो, चमन अब तेरा है।।
                                         --- फूलचंद गुप्ता
--------------------------------------------
( સમણું જૂન-સપ્ટેમ્બર '20 અંકમાં પ્રકાશિત ) ©️---પલ્લવી ગુપ્તા

11 April 2021

ગઝલ : "હે, મહાદેવ શંભુ!"

 














         હે, મહાદેવ શંભુ!

હે, મહાદેવ! શંભુ! જગન્નાથ છો;
ઝેર પીને અમર, વિશ્વવિખ્યાત છો.
શીશગંગા ધરી, રાખ પાવન કરી;
હે,જટાધર! કણેકણ તમે વ્યાપ્ત છો.
દેહ અર્પણ કરી માત, પૂજે ઉમા
પ્રાર્થના સિદ્ધ ઉત્તમ, ઉમાનાથ છો!
ડાક ડમરૂં વગાડો, ને ઝૂમે ધરા;
નાચ તાંડવ, કઠિન નૃત્ય સમ્રાટ છો.
સર્પમાળા, અલંકાર , ને ભસ્મ છે;
મૃગધર! હે, બલીવર્દ ને સાથ છો.
ખોલ ત્રિનેત્ર, પાતાળ ધ્રૂજે ગગન,
દુષ્ટ ભાગે ડરી; સત્ય સંગાથ છો.
અર્ધનારેશ્વરમ્ ! હે, શિવં શંકરમ્,
ભવ્ય ભૂતેશ્વરં! ઈશ ભવનાથ છો.

©️---પલ્લવી ગુપ્તા

પ્રિયજન

સર્જકની દરેક કૃતિ પોતાની આગવી નિયતિ લઈને જન્મે છે.
                                                                                                 ---શ્રી વીનેશ અંતાણી

 પ્રિયજન (નવલકથા) 

 શ્રી વીનેશ અંતાણી

[ પ્રકાશક: આર. આર. શેઠ એન્ડ કંપનીઅમદાવાદ

પ્રથમ આવૃત્તિ: 1980;

પૃષ્ઠ: 148; 

મૂલ્ય: 160]



પુસ્તક પરિશીલન: પલ્લવી ગુપ્તા

પ્રિયજન
કથા: પ્રેમની, પ્રેમની અનંતયાત્રાની.
    
શ્રી વીનેશ અંતાણી સંવેદનાઓના લેખક છે. એમની કલમમાંથી ઉતરેલી સંવેદનાઓ હૃદયને માત્ર સ્પર્શતી જ નથી, પરંતુ હૃદયમાં વસી જાય છે. વાચક દીર્ઘકાલ સુધી એ સંવેદનાઓથી પ્રભાવિત રહે છે. લઘુકથાથી શરૂ થયેલી એમની લેખનયાત્રા આજે નિબંધ અને નવલકથાની ટોચ પર પહોંચી છે. વિશ્વ સાહિત્યની અનેક ઉત્કૃષ્ટ કૃતિઓનો એમણે કરેલો ગુજરાતી ભાવાનુવાદ ભાષા વૈવિધ્યના એમના જ્ઞાન તથા ભાવાભિવ્યક્તિમાં એમની નિપૂર્ણતાના દર્શન કરાવે છે.
    
ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક વિશેષ વિક્રમ, એક જ અઠવાડિયામાં લખાયેલી તથા બીજા જ વર્ષે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત બે નવલકથાઓમાંની એક નવલકથા એટલે પ્રિયજન . શ્રી વીનેશ અંતાણી કહે છે કે, “સર્જકની દરેક કૃતિ પોતાની આગવી નિયતિ લઈને જન્મે છે.જણાવતા ગૌરવાનંદ થાય છે કે 1980 થી 2020 સુધી આ પુસ્તક 18 વખત પુનર્મુદ્રિત થયું છે.
    
પ્રિયજન નવલકથા જ્યારે મોતી દાદા અર્થાત્ મોતીભાઇ મ. પટેલ શ્રીએ મને મોકલી, કહ્યું, “આ પુસ્તકની આવૃત્તિ જુઓ. આ પુસ્તક જેટલી વખત છપાયું છે, મેં નવલકથા એટલી વખત વાંચી છે. ઉંમરની વધતી જતી પરિપક્વતાની સાથે-સાથે દરેક વખત આ નવલકથાનો એક વિશેષ અનુભવ થતો રહ્યો છે. એ તું વાંચીશ, પછી જ કંડારી શકીશ.
    
પ્રિયજન નું વાંચન એક રોમાંચક યાત્રા છે. 148 પાનાંનું આ પુસ્તક હાથમાં લીધા પછી લાગ્યું કે એક જ બેઠકમાં પૂરું થઈ જશે. પરંતુ વાંચન જેમ જેમ આગળ વધતું, નવલકથાની સંવેદનાઓ મને વારંવાર એના એ જ બિંદુ પર પાછી ખેંચી લાવતી. હું એ અનુભૂતિઓમાં રોકાયેલી રહેતી. ચારુ અને નિકેત, ચારુ-દિવાકર, નિકેત-ઉમા, એમના સંતાનો જાણે પાનાંમાંથી બહાર ઉપસી નજર સમક્ષ તાદૃશ્ય પોતાની પાત્રતા ભજવતા રહ્યા હોય. આ પાત્રોની સમજદારી, લાગણીઓ પર તેમનો અંકુશ તથા અભિવ્યક્તિની પરિપક્વતા પાને-પાને રોકી લેતા. મારા ખુદના વિચારો સાથે એમની અભિવ્યક્તિની તુલના કરવા માટે હું વિવશ થઈ જતી. અલગ-અલગ કાલખંડોને લેખકે જે કલાત્મકતાથી એકસૂત્રતામાં પરોવી રાખી છે, વાચકને નવલકથા માટે ચુંબકીય આકર્ષણ અનુભવાય છે જે અંતિમ પંક્તિ સુધી જકડી રાખે છે.
    
પ્રિયજન એક અદ્ભુત પ્રણયકથા છે. સામાન્યતઃ, પ્રેમકથાઓમાં પ્રેમને મળતી પીડા કે વેદનાની કથા હોય છે અથવા પ્રેમના લીધે દાંપત્ય જીવનમાં અથવા દાંપત્યનાં લીધે પ્રેમના દમનની કથા હોય છે. પરંતુ પ્રિયજન પોતાની સંપૂર્ણતા, પોતાના સંતુષ્ટ અભિગમનાં લીધે એક ઐતિહાસિક નવલકથા બની જાય છે. અહીં કોઈ રિબાતું નથી. નથી પ્રેમને કોઈ છળ, ઈર્ષ્યા, દ્વેષ કે ષડયંત્રનો સામનો કરવો પડ્યો કે ના તો વાસ્તવિક દંપતીને કોઈપણ દુર્ગુણ સ્પર્શી ગયો. આ એક એવી વિશેષ કથા છે જે સંપૂર્ણતામાંથી જન્મ લે છે.શ્રી વીનેશ અંતાણીએ પ્રિયજનમાં માનવીના એ અભિગમને પ્રસ્તુત કર્યું છે કે સંઘર્ષ માત્ર અપૂર્ણતા કે અસંતોષમાંજ નથી, ક્યારેક બે પૂર્ણતા વચ્ચે પણ સંઘર્ષનો ઝબકારો થતો રહે છે.
    
શબ્દે શબ્દે સંવેદનાઓનું મોજું લઈ આવતી આ નવલકથા, પ્રતીક અને કલ્પન વડે ભાવ ઉપસાવવાનું અલંકૃત વલણ ધરાવે છે. કથામાં મુખ્ય ત્રણ પાત્રો છે; ચારુ, નિકેત અને દરિયો. સંપૂર્ણ કથા દરિયાના સાંનિધ્યમાં રચાઈ છે. દરિયો પ્રેમનો શાનદાર પ્રતીક છે. નજરની સમક્ષ દરિયો હોય તો નજરની સીમા ટૂંકી પડે, એ જ રીતે પ્રેમીને પ્રેમ બહારની દુનિયા દેખાતી નથી. દરિયાના સહવાસનું પ્રત્યેક ક્ષણ અવિસ્મરણીય હોય છે, એમ એક પ્રેમીનું તમામ સુખ પ્રેમાધીન બની રહે છે. નવલકથાની શરૂઆત દરિયાથી થાય છે. પ્રથમ દૃશ્ય જ સંપૂર્ણ કથાને રૂપાત્મક ઉઘાડ આપે છે.
     “
ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી.
     
એ દરિયો નિકેતને ખૂબ ગમતો. બારીમાંથી દેખાતું દરિયાનું દૃશ્ય અહીંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવાકરે આંગણમાં વાવેલું સરુનું વૃક્ષ વચ્ચે આવે છે અને દરિયો બે ભાગમાં વહેંચાઈ જાય છે. દરિયાના અને મનના તે વિભાગ પડી શકે? ચારુએ વિચાર્યું.” (પૃ. 1)
    
સૂક્ષ્મતાથી જોઈએ તો લેખકે અહીં જ વાર્તાનો કેન્દ્રસ્થ સંવેદન મૂકી દીધો છે. દરિયો એ પ્રેમ છે, ચારુ અને નિકેતની સંવેદના છે. જીવનની આથમતી અવસ્થાએ પહોંચેલી ચારુ નિરાંતની ક્ષણે બેસીને બારીની બહાર જ્યારે દરિયો જુએ છે, દિવાકરે વાવેલાં સરુનાં વૃક્ષના લીધે બે ભાગ પડતા દેખાય છે. દરિયાના મોજાં કરતાં પણ વ્યાપક સંવેદનાઓ ધરાવતાં એના મનની અંદર જુએ છે. ત્યાં પણ બે ભાગ પડી ગયેલા છે. ચારુ વહેંચાયેલી છે, મધુર પ્રેમની સુવાસિત ક્ષણો તથા સ્નેહથી પ્રફુલ્લિત એના ગૃહસ્થ જીવનની સ્મૃતિઓ વચ્ચે.
    
દરિયા ઉપરાંત નવલકથાના બે મુખ્ય પાત્રો છે ચારુ, જેનો પતિ ગુજરી ગયો છે, સંતાનો પોત-પોતાની દુનિયામાં ગોઠવાઈ ગયા છે અને હવે એકલી એના પિતાના બંગલામાં રોકાઈ છે, નિકેત, જે નિવૃત્તિ બાદ, જીવનની ભાગદોડથી થોડો વિરામ લઈ, પત્નીથી રજા લઇ એકાંત અને નિરાંતની શોધમાં પાછો એ જ પ્રદેશમાં આવ્યો છે જ્યાં એના જીવનની મધુર સ્મૃતિઓ સંકળાયેલી છે. પોતાનું યૌવન વિતાવી જીવનની આગલી અવસ્થાના સરહદે ઉભેલા બે પ્રેમીઓ, જે સંપૂર્ણ નવલકથાનો ભાર પોતાના ખભે ઊંચકીને ચાલે છે, તરુણકાળના ટૂંકા સહવાસ પછી વિખૂટા પડી ગયા હતા. નવલકથાના પ્રથમ પ્રકરણમાં બંને આકસ્મિક એ જ પ્રદેશમાં ફરીથી મળે છે જ્યાં એમનો પ્રેમ પાંગર્યો હતો. હોટેલમાં રોકાયેલા નિકેતને ચારુ પોતાના બંગલામાં આવવાનું કહે છે. નિકેત પોતાનો સામાન લઈ આવી જાય છે. દરિયા કિનારે આવેલો એ બંગલો, એ બારી, બારીની બહારનું દૃશ્ય, રસ્તો, મંદિર એમનાં પ્રેમના સનાતન સાક્ષી છે.
     
નવલકથા દરમિયાન બંને એકબીજાને પોતાના જીવનની, જીવનસાથીની અનેક સ્મૃતિઓ વહેંચે છે. ચારુના જીવનમાં દિવાકર અને નિકેતના જીવનમાં ઉમાએ જીવનસાથી તરીકે સ્થાન મેળવ્યું. બંને દંપતી સુખી, સમૃદ્ધ અને સફળ જીવન વ્યતીત કરે છે. ચારેય પાત્રો આંખમાં અમી રાખી ઉષ્માથી પોતાનું ઘર બનાવે છે. જ્યારે જ્યારે એ બન્ને પોતાના ગૃહસ્થ જીવનના સંસ્મરણો વાગોળતા હોય, એક અતૃપ્ત અભિવ્યક્તિ તેમની વાતોને અલ્પવિરામ આપતી. કંઈક અધુરૂં છુટી જતું. સત્ય છે કે એક સંપૂર્ણ' સફળ દામ્પત્ય એમને મળ્યો. સમર્પિત જીવનસાથી મળ્યા. પરંતુ સુખની તમામ ક્ષણોમાં પણ બન્નેએ પોતાના હર્યાભર્યા મનની અંદર એક ખૂણામાં ખાલીપો અનુભવતા રહ્યા છે. સફળતાની ચળકતી ક્ષણોમાં પણ એકબીજાની અનુપસ્થિતિ એમને સાલતી રહી છે.
    
પ્રિયજન મનની અંદર અને બહારની સંઘર્ષયાત્રા છે. ચારુ અને નિકેત ભૂતકાળના પ્રેમ-સુખ અને વર્તમાનના દંપતી-સુખ વચ્ચે સતત સંઘર્ષ અનુભવે છે.
    
સંઘર્ષ: પૂર્ણ પ્રેમ મેળવ્યાનો
    
સંઘર્ષ: એક તરફ અવિરત પ્રેમ અને એક વિરહનો
    
સંઘર્ષ: બે પૂર્ણતા વચ્ચેનો
    
રેલના પાટાની જેમ જીવન આગળને આગળ વધતું જાય છે. મન ક્યારેક આ પાટા પર તો ક્યારેક બીજા પાટા પર આંટા મારે છે. આ અસ્થિરતા સંવેદનાઓને વિચલિત રાખે છે. મનનું આ વિચલન નવલકથાનું કુરુક્ષેત્ર છે.
    
આંતરમનની ગહેરાઇઓનું સચોટ આલેખન કરતી આ નવલકથાનું મુખ્ય સંઘર્ષ ત્યાં એમના સંવાદોમાં આકાર લે છે. બંને પ્રેમીઓને એક યુગ પછી મળ્યા છે. તેમના સુખમય જીવનનું દર્પણ બતાવી રહ્યા છે. અને જેમને વિતાવેલી પ્રેમની તમામ મધુર ક્ષણો હજી તાજી યાદ છે, એ આજે પણ ફરીથી પ્રેમનો એકરાર ઝંખે છે. એકબીજાથી દૂર રહીને પણ સતત એકબીજાની સાથે જીવતા રહ્યા. જીવનસાથીના અવિરત, નિખાલસ મળતાં સ્નેહના ધોધ વચ્ચે પણ એકબીજાને ભૂલી બેવફાઈ નથી કરી. હૃદયમાં જીવંત રાખી સતત પ્રેમ નિભાવતા રહ્યા. અપેક્ષા અને અભિવ્યક્તિ વચ્ચે મજબૂત પરંતુ પાતળી સીમારેખા છે, જેને દૂર કરી દેવાનો સંઘર્ષ સતત ચાલતો રહે છે. પરંતુ આ યુદ્ધથી બંને સ્વયં અજાણ છે. વાચક એમની આ વિહ્વળતા અનુભવી શકે છે.
    
જેમ-જેમ કથા આગળ વધે છે, અનેક પ્રશ્નો ઉકેલાતા જાય છે તથા નવા પ્રશ્નો ઉદભવતા રહે છે. અંત તરફ પ્રયાણ કરતા કેટલાક સંવાદો ચારુ અને નિકેતની અપેક્ષાની સાથે-સાથે વાચકને પણ સંતોષ આપે છે.
i)
ચારુ : તને કશું જ નહીં થાય. ને મરવું હોય તો ઉમાના ખોળામાં મરજે. મારી પાસે તો  ખાવું જ પડશે. બધા પુરુષો એવા!……. દિવસ આખો ડિસ્ટ્રીક્ટમાં ભટકી ભટકીને શરીર ખલાસ કરી નાખ્યું હોય તોપણ રાત્રે ફ્રૂટ ના ખાવ, બરાબર જમો પણ નહીં, સિગારેટ ફૂંકયા કરવાની અને-” (પૃ.120)

ii) નિકેત : તું કોની વાત કરે છે, ચારુ? ખવરાવે છે મને ધમકાવે છે દીવાકરને?” (પૃ.120)

iii) જિંદગીના એક વિસ્તારને પાર કરી લીધા પછી ફરીથી ભૂતકાળના પ્રિયપાત્રને અકસ્માતે મળ્યું હતું. જાણે અંદરબહારની ચાલેલી રમત હવે પ્રત્યક્ષ રમાતી હતી. (પૃ.123)
iv)
ચારુ : જિંદગી આખી દિવાકર સાથે જીવી તો પણ અંદર નિકેત પણ જીવ્યો. અત્યારે નિકેત સામે બેઠો છે તો અંદર દિવાકર પણ સતત જીવાય છે.
v)
નિકેત: એવું જ કંઈક. જ્યારે જ્યારે તું મને યાદ આવી છે ત્યારે કોઇપણ જાતના મહોરા કે આવરણ વિના મેં એ ક્ષણને ભરપૂર રીતે સંવેદી છે-એ વાતની કબૂલાત કરું છું.” (પૃ.125)
     
નવલકથાનું અંતિમ દૃશ્ય પણ પ્રતિકાત્મક છે. ચારુને મળવા એનો પુત્ર આવવાનો છે ત્યારે નિકેતની હાજરી કોઈ ગેરસમજ ઉભી ન કરે એટલે એ ત્યાંથી વિદાય લેવાનો નિર્ણય લે છે. એ જ સંધ્યાએ જે ટ્રેનથી પુત્ર આવશે એ જ ટ્રેનથી નિકેતને જવાનું છે. એક સુખ નું આગમન અને એકની વિદાય. ચારુનું અંતિમ વાક્ય તમામ અપેક્ષાઓ પૂરી કરે છે.
     “
તું જાય છે ને, નિકેત, એટલે અંદર એવું લાગે છે કે જાણે દીવાકર આજે બીજીવાર મૃત્યુ પામી રહ્યા છે.” (પૃ.148)
     
પ્રિયજનનો વિરહ મૃત્યુની ગહનતા સાથે જોડે છે. તે નિરાશા તરફ ન ધકેલાય તેથી પુત્રનું આગમન લેખકે સચોટ રીતે દર્શાવી અંતને પકડી રાખી વાંચક વર્ગને સહજતાથી રોકી રાખ્યા છે.
     
પ્રિયજન નવલકથા વાંચીને પ્રિયજનશબ્દની ગરિમા સમજાય છે.

                               -----------------------------------------

સંપર્ક :9408932943