Showing posts with label Prose. Show all posts
Showing posts with label Prose. Show all posts

25 December 2024

દાદાજીની વાતો - પ્રેરક સંવાદ

દાદાજીની વાતો - પ્રેરક સંવાદ


રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન

"દાદાજી! રોજ સવારમાં ક્યાં જાઓ છો?" 
"ચાલવા"
"વહેલી સવારે જ કેમ જાઓ છો?"
"હવા શુદ્ધ હોય છે, તાજી હોય છે, એટલે."
"હવા શુદ્ધ-અશુદ્ધ કેવી હોય?"
     ચાલીને આવેલા દાદાજીને ચોથામાં ભણતા રાજૂએ એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી લીધા. 
"અરે, દાદાને શ્વાસ તો લેવા દે." દૂધના બે ગ્લાસ લાવી એક દાદાને અને બીજો રાજુને આપતાં મમ્મીએ કહ્યું.
     દૂધ પીધાં પછી રાજૂએ ફરીથી પોતાના પ્રશ્નોનું પડીકું ખોલ્યું. "દાદા, હવા શુદ્ધ-અશુદ્ધ કેવી હોય?"
     રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિનની ઉજવણી માટે નિબંધ તૈયાર કરતો આઠમા ધોરણનો ચિન્ટુ પણ ત્યાં આવી પહોંચ્યો. ચિન્ટુએ કહ્યું, "હા રાજુ, હવા શુદ્ધ હોય અને અશુદ્ધ પણ હોય. પ્રદૂષિત હવાને અશુદ્ધ હવા કહેવાય." 
"હવાને અશુદ્ધ કઈ રીતે બનાવાય?" નિર્દોષભાવે રાજુએ તરત પૂછ્યું.
દાદા : "કોઈ જાણીજોઈને હવાને અશુદ્ધ નથી બનાવતો.
રસ્તા પર ચાલતા વાહનોથી નીકળતા ધુમાડા હવામાં ભળીને પ્રદૂષિત કરે છે."
ચિન્ટુ: "હા! મિલો, કારખાનાં, ફેક્ટરીઓથી નીકળતા ઝેરી ધુમાડા પણ પ્રદૂષણ ફેલાવે છે. શ્વસનમાં ઝેરી હવા જતા માણસ મૃત્યુ પામે છે."
દાદા : ખરું કહ્યું બેટા! એટલે જ જ્યાં મીલ કે કારખાના હોય એવી જગ્યાથી દૂર રહેવું જોઈએ. કારખાનાં માત્ર હવા પ્રદૂષણ જ નહીં, પરંતુ જમીન પ્રદુષણ અને જળપ્રદૂષણ પણ ફેલાવે છે."
ચિંટુ : "હા દાદાજી 2જી ડિસેમ્બરે અમારી શાળામાં "રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિન" ઉજવવામાં આવશે."
રાજુ : "હા, કાલે જ પ્રાર્થના સંમેલનમાં અમારા આચાર્ય સાહેબે નિબંધ લખવાનું, ચિત્ર દોરવાનું કહ્યું છે. એમણે કોઈ દુર્ઘટનાની વાત કરી. એ વાત ફરીથી કહેજે, ભાઈ!
ચિંટુ: "મધ્યપ્રદેશના ભોપાલમાં વર્ષ 1984ના બીજી અને ત્રીજી ડિસેમ્બરના રોજ એક દુર્ઘટના બની હતી. ત્યાં એક ફેક્ટરીમાંથી ઝેરી વાયુ બહાર નીકળી હતી. જેના લીધે સમગ્ર રહેવાસી વિસ્તારના હજારો લોકો મરી ગયા હતા. અને હજારો લોકો અપંગ થઈ ગયા હતા."
દાદા : "ત્યાંનું વાતાવરણ ઝેરી થવાથી આજે લગભગ ચાર દાયકા પછી પણ સંતાનો ખોડખાપણ વાળા જન્મે છે. હવે સમજ્યો રાજુ? હવા શુદ્વ હોવી ખૂબ જરૂરી છે."
રાજુ : "હા દાદાજી! એના માટે શું કરવું જોઈએ?"
દાદા : "પ્રદૂષણ થતો અટકાવવો જોઈએ. ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ અટકાવવુ જોઇએ. તો એના માટે શું કરી શકાય? કહે જો ચિંટુ!"
ચિંટુ: બને ત્યાં સુધી વાહનોનો ઉપયોગ ટાળવો જોઇએ. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. નદી કે તળાવ, સરોવરમાં કચરો નાખવો જોઈએ નહિં. હવા શુદ્ધ રાખવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જોઇએ." 
દાદા : "હા બેટા! બરાબર સમજયો."
રાજૂ: "(જોરથી) હું પણ સમજી ગયો...."

બાલસૃષ્ટિ ડિસેમ્બર 2020 માં પ્રકાશિત
©️પલ્લવી ગુપ્તા🌷

24 December 2024

શ્રી ભગવદ્ગીતાગ્રંથ - અધ્યાય 1

શ્રી ભગવદ્ગીતાગ્રંથ - માનવધર્મ ગ્રંથ

     


        વર્ષારંભે, પ્રથમ જાન્યુઆરી ૨૦૨૪ના દિન મને એક અમૂલ્ય ભેટ પ્રાપ્ત થઈ હતી – શ્રીમદ્ ભગવદ્ગીતાગ્રંથ. દર વર્ષે જન્મદિને પરિજનો, મિત્રો અને શિષ્યવૃંદ અનેકવિધ ઉપહારો આપતા હોય છે, પરંતુ આ ગ્રંથ મળતાં જ મારા હૃદયમાં એક અનુપમ ઉર્જાનો અનુભવ થયો હતો. ભેંટ આપનારને હું અંત:કરણથી આભારી છું.
 
        મારા ગ્રેટ પપ્પા દરેક વસ્તુને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી નિહાળે છે અને મારા વ્હાલા મમ્મીની કૃષ્ણભક્તિનો ઝણકાર ઘરમાં સવાર-સાંજ પ્રવાહિત રહે છે.

        વિચારોના આ બંને મક્કમ અને વિશાળ ફલક વચ્ચે હું.
        પુરુષાર્થ અને પરમાર્થના સ્પષ્ટ ખ્યાલો વચ્ચે હું.

        આથી મને નિયતિ અને કર્મ, બંનેને સમજવાની, વિશ્લેષણ કરવાની તથા પોતાના નિષ્કર્ષને અભિવ્યક્ત કરવાની અનોખી તક મળતી રહે છે જેના માટે હું મારા માતા-પિતાને આભારી છું. 

        અલબત્ત 'શ્રી ભગવદ્ગીતાગ્રંથ' મળતાની સાથે-સાથે જીવનના રહસ્યો, માનવધર્મની ગૂઢ વાતો અને કર્મના તત્ત્વોને સમજવાનો માર્ગ પ્રશસ્ત થયો. જોકે એક જ વાંચનમાં આ ગ્રંથના ગહન અર્થને આત્મસાત કરી લેવું, તે મારી કલ્પના બહારની વાત છે. છતાંય ગીતાગ્રંથમાં એક વખત ડૂબકી લગાવવાની તક મળી ખરી. 


        'શ્રી ભગવદ્‌ગીતા' એ એક માત્ર એવો અનોખો ગ્રંથ છે જે ધાર્મિક ગ્રંથ હોવા છતાં કર્મયોગના માર્ગનું વર્ણન કરે છે. જેમાં કોઈ દેવતાની ઉપાસનાની રીતો નથી, જેમાં દેવતાના ક્રોધિત થવાથી જીવનચક્ર પર પડતી મુશ્કેલીનો ભય નથી, જેમાં દેવતાને પ્રસન્ન કરવા માટેના વિવિધ પૂજા-અર્ચનાની ચર્ચા નથી, પરંતુ નિસ્વાર્થ ભાવે અને નિશ્ચિંત થઈને ફક્ત કામ કરવાની વાત છે. આ એક એવો અદ્વિતીય ધાર્મિક ગ્રંથ છે જે મુખ્યત્વે 'કર્મગ્રંથ' છે,જ્યાં મનુષ્યનું કર્તવ્ય જ તેનું મુખ્ય ધર્મ છે.

        અઢાર અધ્યાયોમાં વણાયેલ આ ગ્રંથમાં માનવવર્તનની જટિલ પ્રકૃતિ તથા બદલાતી જતી પરિસ્થિતિઓમાં બદલાતા જતા માનવીય અભિગમનું વિશ્લેષણ છે. તેના વ્યક્તિગત અને સાર્વત્રિક કર્તવ્યોની વિભાવનાની સમજૂતી છે. આ ગ્રંથ બ્રહ્માંડના કણેકણમાં વ્યાપ્ત તે અનન્ય ઉર્જાના સંચારની વાસ્તવિકતાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવે છે. 

અધ્યાય 1

        ધૃતરાષ્ટ્ર, કે જે જાણે છે તે સત્યની સાથે નથી, જે જાણે છે કે તેના પુત્રોએ પાંડુ પુત્રો સાથે અક્ષમ્ય અન્યાય કરેલું છે, જે જાણે છે કે અયોગ્ય કાર્ય કરનારને ઈશ્વરીય સહકાર મળતો નથી તે યુદ્ધના એક-એક દ્રશ્યને નિહાળવા વ્યાકુળ છે. તે સંભવિત પરિણામથી વાકેફ છે અને છતાંય પોતાના પુત્રોના વિજયની પ્રાર્થના કરે છે. સ્વયં ખોટું કરીને પણ ખોટા પરિણામોથી બચી જવાની આ મહેચ્છા માનવવૃત્તિની એક વિકૃતિ જ છે. અધર્મના બીજ વાવીને ધર્મનું ફળ મેળવવાની આશા રાખવી એ માનવ મનનો એક મોટો વિરોધાભાસ છે. ઘણીવાર એવું બને છે. વ્યક્તિ સ્વયંને ગમતું કાર્ય કરી લે છે ભલે ને તે કરવું અનુચિત જ કેમ ન હોય. પછી દુષ્પરિણામોથી ભયભીત રહે છે. મનોમન પ્રાર્થના કર્યા કરે છે કે તેના પર કોઈ સંકટ ન‌ આવી જાય. તેના સ્વજનો કોઈ હાનિથી પ્રભાવિત ન થઈ જાય. વ્યક્તિના થોડા લાભ માટે પોતે જ પોતાના કપટમાં ફસાઈ જાય છે. ધૃતરાષ્ટ્ર પોતાના સંતાનોના પ્રેમમાં અંધ થઈ તેમણે કરેલા પાપકૃત્યો સતત અવગણતો રહ્યો. પરિણામે તેણે જાતે જ પોતાના સંતાનોની મૃત્યુ જોવાની નિયતિ ઘડી નાખી. 

    બીજી તરફ દુર્યોધન છે, જેને યોગ્ય-અયોગ્ય વચ્ચેના વિવેકનો પરિચય જાણે મળ્યો જ નથી. પોતે જીવનભર સતત અનિષ્ટ કાર્યો કરતો રહ્યો છે. વડીલોના સમજાવવા ઉપરાંત પણ કુદરતના ન્યાયને સમજવા તૈયાર નથી. તે યુદ્ધમાં ગુરુ દ્રોણ પાસે જઈ તેની સેનામાં સામેલ શસ્ત્રોથી સજ્જ, યુદ્ધવિદ્યામાં પારંગત, અપરાજિત વીરોને જોઈ પોતે સર્વશક્તિમાન થયાના ભ્રમમાં હરખાય છે. 
દુર્યોધન કહે છે, 
                        "अस्माकं तु विशिष्ट...। 
                           नायक मम् सैन्य...।।" (અધ્યાય ૧ શ્લોક ૭)

        એક તરફ અર્જુન છે. તેની દ્વિધાનું વર્ણન કરતા આ અધ્યાયનું નામ છે 'अर्जुनविषादयोग'

        અર્જુનને એવો કોઈ ભય નથી કે તે પરાજિત થઈ જશે, કે તેને મૃત્યુનો પણ ડર નથી. તે જાણે છે કે તેણે અને તેના ભાઈઓએ કૌરવો સાથે ક્યારેય અન્યાય નથી કર્યો, કોઈ પણ અપકૃત્ય આદર્યુ નથી. તેથી તેને સજા ભોગવવાનો ભય નથી. અર્જુન જાણે છે કે તે અને તેનો પરિવાર હંમેશા ન્યાય માટે લડતું રહ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન ભોગવેલ દુઃખો માટે તેઓ જવાબદાર નથી. છતાં અસીમ દુઃખોથી પસાર થઈને આજે યુદ્ધની તે ક્ષણ રચાઈ છે જ્યાં તમામ અત્યાચારોનું પ્રતિશોધ લેવાની તક મળી છે. અર્જુન જાણે છે કે તે સત્યના પથને વળગી રહ્યો છે. તેથી જ તેનું માર્ગદર્શન શ્રીકૃષ્ણ કરી રહ્યા છે. તે યુદ્ધમાં વિજયના પરિણામની સંભાવનાથી આશ્વસ્ત પણ છે. છતાંય પોતાનું કર્તવ્ય નિભાવવાની મુખ્ય ક્ષણ આવે છે અર્થાત્ યુદ્ધારંભની ઘડીએ જ સ્વજનોને જોઈને પીછેહટ કરે છે. તે દ્રોપદીનું ચીરહરણ, ચૌદ વર્ષનું આખા પરિવારનું વનવાસ, લાક્ષાગૃહનું મૃત્યુચક્ર, જન્મ પછીથી સતત મળેલી ઉપેક્ષા, પક્ષપાત, અપમાન દુષ્ટ પિતરાઈ ભાઈઓના ષડયંત્રો, બધું જ ભૂલી જઈ કુટુંબીજનોના મોહજાળને વશ થઈ યુદ્ધ કરવાની ના પાડે છે. 

        અર્જુનની આ અવસ્થા વ્યક્તિમાં રહેલ 'to be or not to be' ની વૃત્તિને વ્યાખ્યાયિત કરે છે. તેની દ્વિધા દર્શાવે છે કે ઘણીવાર આપણે યોગ્ય માર્ગ હોવા છતાં પણ શંકામાં પડીએ છીએ. ચિત્ર સ્પષ્ટ હોવા છતાં વ્યક્તિ ઘણીવાર અનિચ્છનીય પરિણામોથી બચવા હકીકતથી દૂર ભાગે છે. પોતાના કર્તવ્યથી દૂર ભાગે છે. સ્વજનોની હાની કોને સ્વીકાર હોય? પરંતુ અન્યાય સામે શસ્ત્રો મૂકી દેવા, ચૂપકીદી રાખવી, ખુદની હાની થવા દેવી તે કઈ રીતે ઉચિત કહેવાય?

    વ્યક્તિને ઘણીવાર સ્વયંની સાથે પણ સંઘર્ષ કરવો પડે છે. જ્યારે કોઈ મનગમતી-પણ-કુટેવ જીવનને હાનિકારક સાબિત થાય ત્યારે સ્વયંની સાથે યુદ્ધ કરી ખોટી આદતોના મોહજાળમાંથી મુક્ત થવું એ પ્રથમ કર્તવ્ય બની જાય છે.

(ક્રમશઃ)
©️પલ્લવી ગુપ્તા 🌷