અનુભૂતિ
લઘુકથા : અનુભૂતિ
સૌમ્યા રોજ કરતા આજે થોડી વહેલી જાગી ગઈ. સવારના પહોરમાં આસમાનમાંથી ઠંડક ઊતરીને ફૂલને ભીંજવે છે ને, બિલકુલ એ જ સમયે.
પણ હજી ઉઠવું નહોતું. પથારીમાં પડ્યા પડ્યા આંખો બંધ રાખી શ્વાસમાં એક નવી તાજગી તે અનુભવવા લાગી. સુરભી ફેફસાં સુધી પહોંચી હૃદયને પ્રફુલ્લિત કરવા લાગી. નસેનસમાં નવી ચેતનાનો સંચાર અનુભવાયો. તેના રોમેરોમથી જાણે કોઈ પ્રકાશ નીકળીને ચારેબાજુ ફેલાઈ ગયો.
પરોઢના પક્ષીઓનો કલબલાટ આજે કંઈક વધુ સુરીલો લાગી રહ્યો. એક મધુર ટહુકાના સાદથી આંખો ખૂલી જ ગઈ.
આ સુરભિને, આ ઓજને પોતાના બાહુપાશમાં સમાવી લેવા હતા. એક કળી પોતાની તમામ પાંખડીઓ એકસાથે ફેલાવીને ફૂલ બની જાય છે, હવે એમ તે પથારીમાંથી નીચે ઊતરી. અંગો મરોડ્યા. ખુદને આલિંગન કરવાની તીવ્ર ઝંખના તેને દર્પણ સુધી ખેંચીને લઈ ગઈ. દર્પણની સામે સંપૂર્ણ સૌંદર્ય આવીને ઊભું રહી ગયું.
તે પોતાના જ મોહિની ચહેરાને વશ થઈ ગઈ. પોતાના પ્રતિબિંબની સાથે નજર મિલાવી ઊભી રહી. પછી? પછી એની નજર નાક પર પડી. ત્યાંથી સરકીને હોઠ પર પડી. જાણે નજરથી સ્વયંને પી રહી હોય. હોઠ એક મધુર સંવેદનથી સ્પંદિત થયા. નજર કાન પર, વાળ પર પછી ચહેરની ફરતે વાળની કિનારી પર ફરી ગઈ. આવી સુંદર કલાકૃતિ આજ સુધી ક્યારેય નહોતી જોઈ. પછી નજર, નજરને ફરીથી મળી.
પોતાની જાતને જાણે બાહુપાશમાં વીંટાળી લીધી હોય અને એ સાથે જ તેણે પોતાના યૌવનના આગમનની નવી અનુભૂતિ કરી. ઉમંગ અને તરંગ પરાકાષ્ટાએ પહોંચ્યા. એક માદક સ્મિત સાથે તેણે સ્વયંને કહ્યું, "યુ આર ધી બેસ્ટ."
સૂર્ય કિરણની લાલીમા માણવા એ બારીએ આવી પહોંચી. ઝાડ પર લીલા રંગની અનેક ભાત જોઈ તેણે હાથ પર બાંધેલો રૂમાલ ખોલી ફેંક્યો જે જન્મથી પડેલા સફેદ ડાઘને કાયમ ઢાંકી રાખતો હતો.
શબદ દીપોત્સવી વિશેષાંક 2024 માં પ્રકાશિત લઘુકથા
©️ પલ્લવી ગુપ્તા 🌷
No comments:
Post a Comment