વાર્તા
ઉષ્મા
ઉછળતી-કૂદતી ફરીથી કેલેન્ડર પાસે પહોંચી. આખું કેલેન્ડર ચિતરેલું હતું. "ટ્વેન્ટી ડેઝ ટુ ગો...", "થર્ટીન ડેઝ ટુ ગો...", "ટેન ડેઝ ટુ ગો...", ઘરના બધા એની ઉત્સુકતા માણી રહ્યા હતા. આખા દિવસનું એનું ફુદકવું વાતાવરણને તરંગિત કરી દેતું. કેલેન્ડરમાં લખતી હતી "સેવન ડેઝ ટુ ગો..." અને તો પણ આંગળીના વેઢે વારંવાર ગણ્યા કરતી. બધા જાણતા હતા કે શેની તાલાવેલી છે. મમ્મી કિચનમાં હતાં. એને ભાવતું બનાવતાં હતાં.
"મમ્મી, શું બનાવે છે?"
"રુમઝુમનું ફેવરેટ! શીરો!"
"વા..વ"
"હં....બોલો બોલો!"
એનો ઉત્સાહ વધી ગયો. ગેલમાં આવી. આજે ઘણી બધી વાતો ફિક્સ કરી લેવી હતી.
"મમ્મી, હવે તો મારો બર્થ ડે આવશે! હવે મને નવી-નવી ગીફ્ટ મળશે!"
"હા દીકુ...આવતા અઠવાડિયે જ, 22મી તારીખે."
"મમ્મી, તું મને શું ગિફ્ટ આપીશ?"
"શું જોઈએ મારી ઢીંગલીને?"
"ફ્રોક, પિંક કલરનું!"
"લે... ફરીથી ફ્રોક?"
"હાસ્તો મમ્મી! ફ્રિલવાળું ફ્રોક!"
બે વર્ષ પહેલાં સુધી માત્ર ફુગ્ગાની માંગ થતી. હવે વિવિધતા જોવા મળતી. પરંતુ ફરીથી એક નવું ફ્રોક? મમ્મીને થયું કે કદાચ ગિફટ બદલાય, એ આશયથી પડકારજનક એક પ્રશ્ન એની સામે મૂક્યો.
"અને કબાટમાં જે ઢગલા બંધ કપડાં છે, એનું શું કરીશું?"
"ગયા વરસના છે ને, મમ્મી."
"હા બેટા! પણ છે તો બધા નવાં જ!"
મમ્મી આ વખતે સરળતાથી કેમ માનતાં નહોતાં? એણે મક્કમતાથી કહ્યું,
"મને એક ફ્રોક જોઈએ. પિંક કલરનું. ફ્રીલવાળું. જુના બધા કપડાં મને હવે ફિટ પડે છે ."
"હં...લૉકડાઉનમાં તો બધાને કપડાં ફિટ પડવા લાગ્યાં. હું એને દરજી પાસેથી તારા માપના કરાવી લાવીશ." મમ્મી તો મમ્મી છે. દીકરીની ચતુરાઈની પરીક્ષા પણ કરવી પડે ને...
"ના મમ્મી! એ બધા કપડાં તું કાકીને આપી દે. ગરિમા માટે. એ મારા બર્થ ડે પર આવશે ને. જોને! મને તો એક જ ફ્રોક મળશે. એને તો કેટલા બધા ડ્રેસ ગિફ્ટ મળી જશે. નવા જ છે ને બધાં."
સટીક જવાબ સાંભળી મમ્મી હસ્યા, "હં... વેરી બ્રિલિયન્ટ હં.....લાવી આપીશ, બસ બેટા?"
મમ્મી પાસે ગિફ્ટ ફિક્સ કરાવી તેર વરસની રૂમઝુમ કબાટ ખોલી પોતાની મિલકત તપાસવા લાગી. ટોપી, હેન્કરચીફ, બેલ્ટ, ગોગલ્સ, મેચીંગપર્સ, કોઈ પણ વેરિંગ એસેસરીની કવૉન્ટિટી અને કવોલિટીમાં બાંધછોડ કરાય એમ નહોતું. આફટર ઓલ, બર્થ ડે આવવાનો હતો. કોની પાસેથી શું ગિફટ લેવું એનું સરવૈયું કાઢવું ખૂબ જ અગત્યનું હતું. નાના ભાઈ પાસેથી મેચીંગપર્સ, કાકી પાસેથી હીલ વાળા ન્યુ સેંડલ અને ગરિમા પાસેથી મેચીંગ બ્રેસલેટ.
'બર્થ ડે' જાણે દુનિયાનો સૌથી સુંદર દિવસ હતો. કયાંય કોઈ ઉણપ ન થવી જોઇએ. સ્કૂલમાં કઈ ચોકલેટ વહેંચવી? ઘરમાં શું શું બનાવવું? કેવા ડિઝાઈન અને ફ્લેવરની કેક લાવવી? વિગેરે વિગેરે. મમ્મી સાથે તમામ ચર્ચાઓ થઈ ગઈ. હવે આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી પપ્પાના આવવાની. હિંચકામાં બેઠી. ભાઈ સાથે રમતી તો કયારેક ગેટ સુધી આંટો મારી આવતી. "પપ્પા કેમ નથી આવ્યા હજી? કયારે આવશે માય ડિયર પપ્પા?"
સાંજ પડતાં પપ્પા ઘરે આવ્યા. ફુદકતી રુમઝુમ એમની પાસે પહોંચી.
"પપ્પા, પપ્પા, આવતા અઠવાડિયે શું છે?"
"અં....મારી પરીનું બર્થ ડે!"
"તમને તો બધું યાદ રહે છે. મને વિન્ટર લોન્ગ કોટ લાવી આપશો ને?"
"હા બેટા, લાવી આપીશ."
"એમ નહિ. ગયા વર્ષે પણ એમ જ કહ્યું હતું. આજ સુધી નથી લાવ્યા."
"આ વખતે પાકું."
"પ્રોમિસ?" હાથ લંબાવી પપ્પાને કહ્યું.
"પ્રોમિસ! હેપ્પી?" એના હાથ પર સંમતિની મહોર લગાવતા પપ્પાએ કહ્યું.
"હેપ્પી હેપ્પી પપ્પા." તાળી વગાડતી ઉછળવા લાગી.
"હવે મને ફ્રેશ થવા દો. હમણાં જ આવ્યો છું ને."
"ઓકે પપ્પા!" કહી ગોળ-ગોળ ફરવા લાગી.
ગિફ્ટ સેટિંગની સફળતા ઉજવવા લાયક હતી. ખુશખુશાલ રૂમઝુમ સાયકલ લઈને બહાર આંટો મારવા નીકળી. સોસાયટી માંથી બહાર નીકળી, રોડ પર પહોંચી. અચાનક એનો લોન્ગ સ્કર્ટ સાયકલની ચેનમાં ભરાયો. એ પડી ગઈ. પણ પડી તો ણએવી કે એનો સ્કાર્ફ રોડની કિનારે આવેલ કાંટાળા ઝાડવામાં ફસાયો. એ જમીન પર પડી અને કપડાં ઝાડવામાં ફસાયા. એને વાગ્યું હતું. ઉઠવું મુશ્કેલ હતું. રડમસ થઇ આમતેમ જોવા લાગી.
સડકના કિનારે ખુલ્લા મેદાનમાં ઝુપડીઓ હતી. કેટલાક છોકરાઓ ત્યાં પતંગ ચગાવતા હતા. તેમાંનો એક છોકરો અર્ધનગ્ન અવસ્થામાં પતંગ ચગાવતો ચગાવતો ક્યારેક એની સામે તો ક્યારેક પોતાની પતંગ તરફ જોઈ રહ્યો હતો.
વેદના અસહ્ય થવા લાગી. રૂમઝૂમ હવે જોરથી રડવામાં હતી કે એ છોકરો એક હાથમાં પતંગ સાચવતો એની પાસે પહોંચ્યો. હાથ આગળ ધર્યો. કહ્યું, "ઉઠો મેડમ!" પરંતુ હાથ લંબાવી એના હાથને ઝાલવું એને અશક્ય લાગ્યું. પકડી ન શકી. રડવા લાગી. કમરથી ઉતરી-ઉતરી જતી, ઠેકઠેકાણેથી ફાટેલુ પેન્ટ પહેરેલો, કાળો મેશ લગભગ અગિયાર વર્ષના એ છોકરાએ, જે રામજાણે કેટલા દિવસથી નહાવ્યો નહિ હોય, એક હાથમાં પતંગ સાચવતા ફરીથી બુમ પાડી, "મેડમ, ઉઠો! મારી પતંગ કપાઈ જશે હમણાં. પૂરા પાંચ દિવસની લૂંટ પછી એક ચગાવવા મળી છે. કપાઈ જશે જો ના સાચવી તો."
એક નજર પતંગ તરફ એક રુમઝુમ તરફ. એક હાથ પતંગની દોરી તરફ એક રુમઝુમ તરફ. તે બંને વચ્ચે છોકરો મોટા ધર્મસંકટમાં ફસાયો.
રુમઝુમ હવે રડવા લાગી. છોકરાનું હૃદય પીગળ્યું. એણે કઠોરતાથી પતંગની દોર છોડી દીધી. બંને હાથ વડે એને સાચવીને ઊભી કરી. એ ઊભી થઈ પણ ધીમે ધીમે રડવાનું ચાલુ રાખ્યું. સ્કાર્ફ ઝાડવામાં ફસાયેલો હતો. એના ફેવરીટ સ્કાર્ફમાં કાણા પડી ગયેલા જોઈ જોરથી રડવાનું શરૂ કર્યું. પણ હવે ફાટેલો સ્કાર્ફ શું કામનો? સ્કાર્ફને છોડી પેહેરેલાં કપડાં પર ચોંટેલી ધૂળ ખંખેરવા લાગી. સ્કર્ટ પર એના હાથનો ડાઘ દેખાયો. રડવાનું ભૂલી એના પર જ ત્રાટકી, "આ શું કરી નાખ્યું? નવા નકોર સ્કર્ટ પર ગંદા હાથનો કાળો ડાઘ કેમ પાડ્યો? ફેંકી દઇશ હવે. નહીં પહેરું આ સ્કર્ટ."
છોકરાને રુમઝુમનો તર્ક ના સમજાયો. પણ અંતિમ વાક્યને અનુસરી એણે કહ્યું, "તો મને આપી દેજો, મેડમ! ગળામાં ભરાવી લઈશ. એમેય આ કકડતી ઠંડી મારી જ નાખશે." બંને એકબીજાની વાતનો મર્મ સમજવા અસમર્થ હતા. એની વાત સાંભળી-ના સાંભળી રુમઝુમે સાયકલ ઊભી કરી. ગવંડર પકડી ઘર તરફ ચાલતી થઈ. છોકરો પણ આકાશ તરફ નજર કરી ત્યાંથી દોડ્યો. એને ઠોકર લાગી. એ પડ્યો. તરત ઊભો થઈ ગયો. નજર આકાશ તરફ રાખી, ફરી દોડવા લાગ્યો. જાણે પડવા અને પડીને ઊભા થવાની ક્રિયા એના માટે શૂન્ય અર્થ ધરાવતી હતી.
રડમસ રુમઝુમ ઘરે પહોંચી. મમ્મી રસોઈઘરમાંથી બહાર આવ્યા. સાયકલને એક બાજુ ઊભી કરી. એને રડવાનું કારણ પૂછતા-પંપાળતા અંદર લઇ આવ્યા. જે કંઈ થયું હતું, મમ્મીને વિગતવાર કહી દીધું.
ઘટનાનું વર્ણન કરતી વખતે તેણે અનુભવ્યું કે લાગેલા ડાઘને લઈને હવે એ છોકરા પર ગુસ્સે નથી. છોકરાનો પક્ષ લઈ મમ્મીને બધી વાત કહેતી હતી. પોતાની લાગણીમાં આવેલા આ અંતરથી એ થોડી અચંબિત હતી. ક્રોધ અને દર્દ બાષ્પ બની ગયા હતાં.
પછી એ કપડા બદલવા અંદર રૂમમાં ગઈ. કોણી અને ઢીંચણ પર લાગેલા ઘાવને જોઈ, એને છોકરાએ લંબાવેલ હાથ યાદ આવ્યો. એનો માટી વાળો, ગંદા-લાંબા નખ વાળો, કાળા રંગનો હાથ. એની નજર સ્કર્ટ તરફ ગઈ. કાળો ડાઘ જોઈ છોકરાની વાત યાદ આવી. એની ખુલ્લી કાળી કાયા યાદ આવી..
બીજા દિવસે જીન્સ ટોપ પહેરી સાયકલ પર સવાર થઈ ફરી એ જ રોડ ઉપર નીકળી પડી. મેદાનમાં ઘણા છોકરાઓ રમતા હતા. અર્ધનગ્ન. કાળા. ગંદા. જાણે કાળી માટીથી નહાતા હોય! વાળ ભૂરા. જાણે તેલના બદલે માટી નાખતા હોય. એક જ અવસ્થાના તમામ છોકરાઓ વચ્ચે પણ એ છોકરાને દૂરથી ઓળખી ગઈ. અચાનક ત્યાં એક પતંગ ઊડતી ઉપરથી કપાઈને નીચે આવી. બધા જ છોકરાઓ એ એક પતંગને લૂંટવા એકબીજાને બાઝી પડ્યા. ઝગડા વચ્ચે છોકરો નીચે પડી ગયો. એને નીચે પડેલો જોઈ રુમઝુમની લાગણીઓ ઘવાઈ. ત્યાં જઈ એને પોતાનો હાથ દઈ ઊભો કરવા ઈચ્છતી હતી. પણ એ ગંદા લોકો વચ્ચે જવાય ક્યાંથી? એ જ ક્ષણે એ ઘર તરફ પાછી વળી. આજે એ શાંત હતી. બન્ને દિવસના દૃશ્યો નજર સામે ફર્યા કરતાં.
ત્રીજા દિવસે સાંજે વળી પાછું એ જ રોડ. આ વખતે મેદાનમાં રમતા છોકરાઓમાંથી કેટલાંક શર્ટમાં હતા. રુમઝુમે ધ્યાનથી જોયું તો એ શર્ટ, ટી શર્ટ સોસાયટીના એના ફ્રેન્ડઝના જુના કપડાં હતાં. એક-બે શર્ટ તો એના ભાઈના જ હતાં. કદાચ ફાટેલાં પણ હતાં.
ચોથા દિવસે ફરી એ જ દિશા. સાંજનો સમય હતો. ફાટેલી સાડીમાં એક કાળી સ્ત્રી માથા પર શાકનું ટોપલું લઈ ઝુંપડી તરફ પહોંચી. ટોળામાંના ચાર-પાંચ છોકરાઓ દોડીને એને ભેંટી પડયા. સ્ત્રીએ ટોપલું નીચે મૂક્યું. શાક ઉપર ઢાંકેલો કાપડ એક છોકરાના હાથમાં આપ્યો. એણે તરત પહેરી લીધો. એ એક જુનો, ઘસાયેલો ટી-શર્ટ હતો. ટોપલીમાંથી એક-બે પેકેટ કાઢી બે નાના છોકરાઓના હાથ પર મૂક્યાં અને સ્ત્રી ઝૂંપડીની અંદર જતી રહી. મોટા છોકરાઓ એ બે નાના છોકરાઓ તરફ તાકી રહ્યા. થોડી વાર સુધી કંઈજ ના મળતાં, ફરીથી ટોળામાં ભેગા થઈ રમવા લાગ્યા.
રુમઝુમ ઘરે આવી. હવે એનો મસ્તીખોર ચહેરો ગંભીર રહેતો. એ હિંચકા પર બેઠી. એને યાદ આવ્યું. પેલી સ્ત્રી તો એ જ હતી જે રોજ એના સોસાયટીમાં શાક વેચવા આવે છે. હાં, ઘણીવાર એક બે છોકરાઓ પણ સાથે હોય છે. એને પહેલી વાર સમજાયું કે "એ છોકરાઓ કોઈ બીજા ગ્રહના પરજીવી નથી, કે જેને જોવા પણ ના ગમે. એ છોકરાઓ પણ એના જેવા જ માણસો છે. બસ, એમના હાથ-પગ કાળા હોય છે. બસ, એમના શરીર પર કપડાં નથી હોતાં. પણ ઠંડી તો એમને પણ લાગતી જ હશે. ઉનાળામાં ગરમી પણ લાગતી હશે. ખાવાનું જલ્દી નહિ મળતું હોય. એમના ઘરની દિવાલો, દરવાજા રંગ વગરના હોય છે. એ કયાં જમીન પર ઊંઘતા હશે?" એવા અનેકાનેક પ્રશ્નો એનું મન જકડી રાખતા. "જે દિવસે એ પડી, એને ઉઠાવવા પેલો છોકરો આવ્યો. એણે પોતાની પતંગ છોડી દીધી. જે દિવસે તે પડ્યો, પોતે ત્યાં, એને ઉઠાવવા કેમ ના ગઈ? આ કેવું તફાવત?" એ જેટલું વિચાર્યા કરતી, એનું હૃદય વધુ ને વધુ દ્રવિત થતું.
રુમઝુમના બર્થ ડેનો ઉત્સાહ હવે ગાયબ થઈ ગયો હતો. એની કિલકારીઓ ખોવાઈ ગઈ હતી. એને ફરીથી આનંદના મૂડમાં લાવવા મમ્મી જાતજાતની વાતો કરતી. "બનાવેલ લીસ્ટમાંથી આ ગિફટ મળશે, આ કદાચ નહિ મળે!" એમ એને બોલાવવા મથ્યા કરતી. હજી ત્રણ દિવસ બાકી હતાં. રુમઝુમ કહ્યું,
"મમ્મી, મને આ વખતે કોઈ ગિફટ ના જોઈએ."
"અરે કેમ? શું થયું મારી દીકુને?"
"બસ મમ્મી! એમ જ મારે બર્થ ડે નથી ઉજવવો!"
"તો કેક કોણ ખાશે બેટા? ચોકલેટનું શું કરીશું? મસ્ત મસ્ત વાનગી બનશે એ કોણ ખાશે?"
મમ્મીની એક પણ વાત આજે એને ગમતી નહોતી. ધોધમાર પ્રશ્નોથી કંટાળી એણે કહ્યું,
"તમારે જે કરવું હોય કરો, મારે કંઈ જ ના જોઈએ હવે!"
દીકરીની નિરાશા મમ્મીને પીડવા લાગી. આ વળી શું થયું. વાત પપ્પા સુધી પહોંચી. કારણના મૂળ સુધી પહોંચવા, શોધખોળ શરુ થઈ. મમ્મીને થોડો થોડો ખ્યાલ આવવા લાગ્યો. વાતની ડોર પકડાઈ. ઝડપથી બધું જ સ્પષ્ટ થઈ ગયું.
બર્થ ડે આવ્યો. રુમઝુમ નહોતી ઈચ્છતી, તો કંઈ જ ના કર્યું. સાદગીથી બર્થ ડે ઉજવાયો.
પણ મમ્મી-પપ્પાએ એના માટે એક સુંદર ભેટ વિચારી રાખી હતી. બીજા જ દિવસે, બર્થ ડે સેલીબ્રેશન કેંસલ થવાથી બચેલા પૈસા રુમઝુમને ગણાવ્યા. એ પૈસા અને રુમઝુમને કપડાંની દુકાનમાં લઈ જઈ નવાં પેન્ટ-શર્ટસ લીધાં. કેટલાંક સ્વેટર લીધા. થોડી પતંગો લીધી અને પહોંચી ગયા રોડના કિનારે આવેલા મેદાનમાં.
...
તરફ વાર્તા સંગ્રહમાં સમાવિષ્ટ મારી વાર્તા ઉષ્મા
©️પલ્લવી ગુપ્તા🌷