25 December 2024

દાદાજીની વાતો - પ્રેરક સંવાદ

દાદાજીની વાતો - પ્રેરક સંવાદ


રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન

"દાદાજી! રોજ સવારમાં ક્યાં જાઓ છો?" 
"ચાલવા"
"વહેલી સવારે જ કેમ જાઓ છો?"
"હવા શુદ્ધ હોય છે, તાજી હોય છે, એટલે."
"હવા શુદ્ધ-અશુદ્ધ કેવી હોય?"
     ચાલીને આવેલા દાદાજીને ચોથામાં ભણતા રાજૂએ એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી લીધા. 
"અરે, દાદાને શ્વાસ તો લેવા દે." દૂધના બે ગ્લાસ લાવી એક દાદાને અને બીજો રાજુને આપતાં મમ્મીએ કહ્યું.
     દૂધ પીધાં પછી રાજૂએ ફરીથી પોતાના પ્રશ્નોનું પડીકું ખોલ્યું. "દાદા, હવા શુદ્ધ-અશુદ્ધ કેવી હોય?"
     રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિનની ઉજવણી માટે નિબંધ તૈયાર કરતો આઠમા ધોરણનો ચિન્ટુ પણ ત્યાં આવી પહોંચ્યો. ચિન્ટુએ કહ્યું, "હા રાજુ, હવા શુદ્ધ હોય અને અશુદ્ધ પણ હોય. પ્રદૂષિત હવાને અશુદ્ધ હવા કહેવાય." 
"હવાને અશુદ્ધ કઈ રીતે બનાવાય?" નિર્દોષભાવે રાજુએ તરત પૂછ્યું.
દાદા : "કોઈ જાણીજોઈને હવાને અશુદ્ધ નથી બનાવતો.
રસ્તા પર ચાલતા વાહનોથી નીકળતા ધુમાડા હવામાં ભળીને પ્રદૂષિત કરે છે."
ચિન્ટુ: "હા! મિલો, કારખાનાં, ફેક્ટરીઓથી નીકળતા ઝેરી ધુમાડા પણ પ્રદૂષણ ફેલાવે છે. શ્વસનમાં ઝેરી હવા જતા માણસ મૃત્યુ પામે છે."
દાદા : ખરું કહ્યું બેટા! એટલે જ જ્યાં મીલ કે કારખાના હોય એવી જગ્યાથી દૂર રહેવું જોઈએ. કારખાનાં માત્ર હવા પ્રદૂષણ જ નહીં, પરંતુ જમીન પ્રદુષણ અને જળપ્રદૂષણ પણ ફેલાવે છે."
ચિંટુ : "હા દાદાજી 2જી ડિસેમ્બરે અમારી શાળામાં "રાષ્ટ્રીય પ્રદુષણ નિવારણ દિન" ઉજવવામાં આવશે."
રાજુ : "હા, કાલે જ પ્રાર્થના સંમેલનમાં અમારા આચાર્ય સાહેબે નિબંધ લખવાનું, ચિત્ર દોરવાનું કહ્યું છે. એમણે કોઈ દુર્ઘટનાની વાત કરી. એ વાત ફરીથી કહેજે, ભાઈ!
ચિંટુ: "મધ્યપ્રદેશના ભોપાલમાં વર્ષ 1984ના બીજી અને ત્રીજી ડિસેમ્બરના રોજ એક દુર્ઘટના બની હતી. ત્યાં એક ફેક્ટરીમાંથી ઝેરી વાયુ બહાર નીકળી હતી. જેના લીધે સમગ્ર રહેવાસી વિસ્તારના હજારો લોકો મરી ગયા હતા. અને હજારો લોકો અપંગ થઈ ગયા હતા."
દાદા : "ત્યાંનું વાતાવરણ ઝેરી થવાથી આજે લગભગ ચાર દાયકા પછી પણ સંતાનો ખોડખાપણ વાળા જન્મે છે. હવે સમજ્યો રાજુ? હવા શુદ્વ હોવી ખૂબ જરૂરી છે."
રાજુ : "હા દાદાજી! એના માટે શું કરવું જોઈએ?"
દાદા : "પ્રદૂષણ થતો અટકાવવો જોઈએ. ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ અટકાવવુ જોઇએ. તો એના માટે શું કરી શકાય? કહે જો ચિંટુ!"
ચિંટુ: બને ત્યાં સુધી વાહનોનો ઉપયોગ ટાળવો જોઇએ. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. નદી કે તળાવ, સરોવરમાં કચરો નાખવો જોઈએ નહિં. હવા શુદ્ધ રાખવા માટે વધુને વધુ વૃક્ષો વાવવા જોઇએ." 
દાદા : "હા બેટા! બરાબર સમજયો."
રાજૂ: "(જોરથી) હું પણ સમજી ગયો...."

બાલસૃષ્ટિ ડિસેમ્બર 2020 માં પ્રકાશિત
©️પલ્લવી ગુપ્તા🌷

No comments: