31 August 2023

'બિન માંગે મોતી મિલે, માંગે મિલે ના ભીખ।।' (ગાગર માં સાગર)

 બિન માંગે મોતી મિલે, માંગે મિલે ના ભીખ।।


શબ્દાર્થ

માગ્યા વગર શ્રેષ્ઠ વસ્તુ મેળવી શકાય છે. માગ્યા પછી તો ભીખ પણ નથી મળતી.

ગૂઢાર્થ


રૂપક અલંકારની આ પંક્તિ માનવીય વલણની સચોટ અભિવ્યક્તિ છે.

અકબરના દરબારના નવરત્નોમાંના એક શ્રી રહીમદાસજી મધ્યકાલીન નીતિવિષયક મહાન કવિ હતાં. એમણે જીવનના આદર્શ મૂલ્યોને પોતાના દુહામાં પ્રગટ કર્યા છે.

'ગાગરમાં સાગર' જેવી ગૂઢતા ધરાવતી આ પંક્તિ વ્યક્તિના સ્વાભિમાનની ગરિમાને સુંદર રીતે પ્રસ્તુત કરે છે.
ઉપરોક્ત પંક્તિમાં કવિ કહે છે કે વ્યક્તિ જ્યાં સુધી કંઈ માગવા નથી જતી, એની મહત્તા જળવાઈ રહે છે. લોકો વચ્ચે સ્વમાની વ્યક્તિ તરીકે ઓળખાય છે.

અનુકૂળ હો કે પ્રતિકૂળ આપબળથી ઝઝૂમતી વ્યક્તિ આત્મનિર્ભર બને છે. સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે સ્થાપિત થાય છે. લોકો એવી વ્યક્તિના કામ કાજે સદૈવ તત્પર રહે છે. એ આશ્વાસ્ત રહે છે કે એવી વ્યક્તિ માટે કંઇક કરીએ તો એમને એમના કર્યાનું વળતર અવશ્ય મળશે.

આત્મનિર્ભર વ્યક્તિને સમાજમાં ગરિમામય છવિ તથા આદરરુપી ભેટ મળે છે. એ વ્યક્તિ અન્ય માટે ઉદાહરણરૂપ-પ્રેરણારૂપ બની રહે છે.

જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિએ કોઈની સમક્ષ હાથ લંબાવનારની પ્રતિષ્ઠા જોખમાય છે. સહાનુભૂતિની નજર ક્યારેક તિરસ્કારમાં ફેરવાય છે.

શરૂઆતમાં તો હાથ લંબાવનારને સહાય મળી રહે છે પણ જો આ ઘટના પુનરાવર્તિત થાય તો લોકો એને એની કુટેવ અથવા એનું દુર્ભાગ્ય માની એનાથી દૂર ભાગે છે. પછી તો કોઈ સામાન્ય સહકાર મેળવવો પણ કઠિન થઈ જાય છે.

કહેવાય છે ને "अपना हाथ, जगन्नाथ।" અને "पराधीन सपनेहु सुख नाही।"

અર્થાત્, આત્મનિર્ભરતા જીવનને આદરના અને સ્વમાનના મોતીથી શણગારે છે. જ્યારે યાચના જીવનને તિરસ્કાર સિવાય કંઈ નથી આપતી, ભીખ પણ નહી.
       ઉપરાંત, "One gets what they deserve." મહેનત કરનારને એનું પરિણામ મળી ને જ રહે છે. તેથી માંગવા કરતા મહેનત અને પ્રયત્ન અને મેહનતથી કમાવી લેવું શ્રેષ્ઠ છે.

       ખરું જ કહે છે શ્રી કબીરદાસજી, "मांगन से मरण भला II"
        
--------

"સમણું" જૂન-સપ્ટેમ્બર 2020માં પ્રકાશિત સુભાષિત વિસ્તાર

©️ પલ્લવી ગુપ્તા 🌷

29 August 2023

આવ્યો રક્ષાબંધન તહેવાર

બાળગીત:

આવ્યો રક્ષાબંધન તહેવાર


બહેની મારી બહુ રૂપાળી
બાંધશે વ્હાલી આજે રાખી,
ઝટપટ થઇ જાઉં તૈયાર
આવ્યો રક્ષાબંધન તહેવાર.
કંકુ-ચોખાથી થાળ સજાવી,
આરતી કાજે દીવો પ્રગટાવી,
ભાવતી મને મીઠાઈ બનાવી,
બાંધશે વ્હાલી આજે રાખી,
ઝટપટ થઇ જાઉં તૈયાર
આવ્યો રક્ષાબંધન તહેવાર.
હું પણ એનો વીરો વ્હાલો,
ગમતી તેને ભેટ લાવ્યો,
કંપાસ, બંગડી, કલર, ઢીંગલી,
બાંધશે વ્હાલી આજે રાખી,
ઝટપટ થઇ જાઉં તૈયાર
આવ્યો રક્ષાબંધન તહેવાર.



ટમટમ તારલિયા ઓગસ્ટ ૨૦૨૧ માં પ્રકાશિત મારું બાળગીત
©️ પલ્લવી ગુપ્તા 🌷