09 March 2024

તો પછી શીદ ને? (લઘુકથા)


તો પછી શીદ ને?

લઘુકથા

        મોન્ટુની પેન નહોતી મળતી. બૂમો પાડવા લાગ્યો, "મમ્મી... મને પેન જોઈએ. મારી મળતી નથી.!"
        મમ્મીએ રસોડામાંથી સાદ પાડ્યો. "મીરાં! મોન્ટુની પેન તે લીધી છે કે? તરત આપી દે."
        અગાસીમાં કચરો વાળવાનું પડતું મૂકી મીરાં અંદર આવી, કહ્યું, "ના મમ્મી! મેં જોઈ પણ નથી."
        એને વળતો જવાબ મળ્યો, "હમણાં ઘરની સાફ સફાઈ તું જ કરતી હતી ને! આમતેમ ક્યાંક મૂકી દીધી હશે. ચાલ શોધી આપ ભાઈને."
        બોલતા બોલતા મમ્મીની નજર ડસ્ટબીન તરફ પડી, "લે અહીં પડી છે ને!" તરત રોટલી વણવાનું છોડી, રસોડામાંથી બહાર આવી, ડસ્ટબીન પાસેથી પેન ઉપાડીને મોન્ટુના હાથમાં આપી.
    "અરે હા! મેં જ ફેંકી હતી, બહુ હલકી ચાલે છે, મીરાં! તારી પેન આપજે મને લખવા!"
         એ તરત ગભરાઈ ગઈ. ડરતાં ડરતા કહ્યું,
 "ના ના મમ્મી! હું મારી પેન નહીં આપું. મારી પાસે એક પણ પેન નહોતી. બહેનપણીએ મને લખવા આપી છે."
         મોન્ટુએ દાદાગીરીથી કહ્યું, "મમ્મી! હું તો એ જ પેન વડે લખીશ."
         માતાની કરડી નજર વાંચી લેતા મીરાં કરગરવા લાગી, "પપ્પાને કહેશે તો લાવી જ આપશે ને નવી પેનો!”
-------------------------------


સમન્વિત માર્ચ'૨૪ માં પ્રકાશિત
©️ પલ્લવી ગુપ્તા 🌷