શ્રી ફૂલચંદ ગુપ્તા
[લેખક: શ્રી ફૂલચંદ ગુપ્તા;
પ્રકાશક:
ફૂલચંદ ગુપ્તા, હિંમતનગર, સાબરકાંઠા;
પ્રથમ
આવૃત્તિ: 2008;
પૃષ્ઠ: 48; મૂલ્ય: ₹30]
ગાંધીજી- એક વૈચારિક ક્રાંતિકારી
ત્રિભાષી લેખન દ્વારા પોતાના આધુનિક અભિગમનો ડંકો વગાડનાર શ્રી ફુલચંદ ગુપ્તાનું નામ દેશ-વિદેશમાં વાંચકો વચ્ચે ગૌરવપૂર્ણ રીતે વખણાય છે. સમકાલીન પ્રગતિશીલ કવિ, સાહિત્યકાર શ્રી ફુલચંદ ગુપ્તા જનસામાન્યમાં નવી ચેતનાનો પ્રસાર કરવા સતત પ્રયત્નશીલ રહે છે. તેમની કલમથી જીવનનો કોઈ પણ વિષય વિમુખ રહ્યો નથી, એ માનવીય સૌમ્ય સંવેદનાઓ હોય કે પછી અસંવેદનશીલતા, નૈસર્ગિક ભવ્યતા હોય કે સાંપ્રદાયિક સંઘર્ષ, એક સ્ત્રીની અકથિત પીડા હોય કે ખેડૂત, મજૂર-વર્ગની વેદના, દરેક ચિત્રમાં માર્મિક-સટિક રંગ પૂરી જાણે છે. હિન્દી ભાષામાં રચિત એમના લાંબા કાવ્યો 'હે રામ!', 'દીનુ ઔર કૌવે' તથા 'આર્ય નાયક રામ' સમાજની સમકાલીન સમસ્યાઓ પર ગંભીર ચિંતનને વાચા આપતી માઈલસ્ટોન રચનાઓ છે.
શ્રી
ફૂલચંદ ગુપ્તાની ચિંતન પુસ્તિકા "ગાંધી અંતરમન" ગાંધી અને એમની વિચારધારાની
વિશિષ્ટ અભિવ્યક્તિ છે. દુનિયાનો કદાચ કોઈ વ્યક્તિ હશે જે 'ગાંધી' નામથી
અપરિચિત હશે. ગાંધી અને તેમના કાર્યો વિશે અકલ્પનીય પ્રમાણમાં લખાયું, વંચાયું તથા ચર્ચાયું છે.
ગાંધીજીના સત્યના પ્રયોગો થી ભાગ્યેજ કોઈ સાક્ષર વ્યક્તિ અજ્ઞાન હશે. અહીં લેખક શ્રી
ફૂલચંદ ગુપ્તા ગાંધીજીના તમામ કાર્યો
પાછળની એમની વિચારધારા અને એમના
સ્વતંત્ર અભિગમનું સ્પષ્ટ ચિત્રણ કર્યું છે. ગાંધીજીએ પોતાના સત્યના પ્રયોગો
દરમિયાન ખેડેલ વૈચારિક યાત્રાની અહીં સટિક અભિવ્યક્તિ છે, જે આ ચિંતન-લેખને ઐતિહાસિક પુસ્તિકાનું ગૌરવ
અપાવે છે.
શ્રી
ફુલચંદ ગુપ્તા ગાંધીજીને 'મહાસંત મોહનદાસ' કહે છે. "ગાંધી
અંતરમન"ની પ્રસ્તાવનામાં લેખક કહે છે,
"મહાત્મા ગાંધી મૂળભૂત રીતે આધ્યાત્મિક સંત હતા. અધ્યાત્મિકતા
અને સત્યની શક્તિમાંથી જ એમને રાજનીતિમાં જઇ દેશની સેવા કરવાની પ્રેરણા મળી.
ગાંધીજીની આસ્થા મનુષ્યની આત્મશક્તિના પરમ વિકાસમાં હતી. અન્યાય અને અત્યાચારનો
વિરોધ તો પ્રત્યેક યુગમાં થતો હોય છે પરંતુ ગાંધીજીએ સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગ અને અસહકાર
જેવાં બ્રહ્માસ્ત્રો આપી સમસ્ત માનવજાતિ પર ઉપકાર કર્યો છે, જેને માટે ઈતિહાસ એમનો ૠણી
રહેશે. ગાંધીજીના જીવનદર્શનનાં કેટલાંક મહત્વનાં પાસાં પર પ્રકાશ પાડી, માનવજાતિ વતી એમનો આભાર
માનવાનો આ એક નમ્ર પ્રયત્ન છે." અહિંસા, સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગ અને અસહકાર
જેવા બ્રહ્માસ્ત્રો આપનાર, ભારત દેશના રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધી વૈચારિક ક્રાંતિકારી હતા. ગુલામીના જડબેસલાક બંધનોમાં કુંઠાતી
ભારતીય પ્રજાને લોહીલુહાણ આંદોલન વચ્ચે અહિંસાનો પાઠ ભણાવનાર ગાંધીજી કર્તવ્યનિષ્ઠ
કર્મયોગી હતા.
કર્મયોગી
વ્યક્તિત્વ
ગાંધીજીએ
અન્યત્ર પણ કહ્યું છે- "મારા પ્રયોગો વિશે હું કોઈ સંપૂર્ણતાનો દાવો નથી
કરતો. જે રીતે વૈજ્ઞાનિક પોતાના પ્રયોગો નિયમપૂર્વક, વિચાર
કરીને ખુબ જ સુક્ષ્મતા અને સાવચેતીથી કરે છે પણ એ પ્રયોગો પછી મળતાં પરિણામોને જ
તે અંતિમ સત્ય નથી માનતો. એ જ રીતે મારા પ્રયોગો વિશે મારાં વિચારો છે. મેં ખૂબ જ
આત્મનિરીક્ષણ કર્યું છે. દરેક ભાવને તપાસ્યો છે, એનું
વિશ્લેષણ કર્યું છે. પણ મારા આ પ્રયોગોથી નિસ્પન્ન થયેલું પરિણામ બધાં માટે અંતિમ
છે, એવો દાવો હું કદી કરવા માગતો
નથી. હા, એક દાવો અવશ્ય કરી શકું એમ
છું કે મારી નજરમાં આ જ સત્ય છે અને મને અત્યારે અંતિમ લાગે છે."
પોતાના
પારદર્શી આચરણ થકી જનમાનસ પર સત્યતાનો દીવો પ્રગટાવનાર ગાંધીજીએ અહિંસાને જ મુખ્ય
શસ્ત્ર ગણાવ્યું છે.
મહાત્મા
ગાંધી અહિંસાને મનુષ્યનો પ્રાકૃતિક ગુણ માનતા હતા. એમને વિશ્વાસ હતો કે મનુષ્ય
સ્વભાવે અહિંસાપ્રિય પ્રાણી છે. આદિકાળનો નરભક્ષી મનુષ્ય આજે સભ્ય અને સુસંસ્કૃત
માનવ બની ગયો છે. આ સત્ય જ મનુષ્યની અહિંસાત્મક પ્રવૃતિઓનું સર્વોત્તમ પ્રમાણ છે.
જ્યારે પણ કોઈ કારણે કોઈ વ્યક્તિ હિંસા કરવા માટે પ્રેરાય છે ત્યારે અનેક લોકો
તેને એમ કરતી રોકવા ઉભા થઈ જાય છે, આ ઘટના
માનવીની કુદરતી અહિંસક વૃત્તિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.
ગાંધીજી જાણતા હતા કે અહિંસાના પાયા ઉપર જ એક સુવ્યવસ્થિત સમાજની સ્થાપના તથા માનવજાતિની પ્રગતિ સંભવે છે.
અહિંસા દ્વારા સત્યાગ્રહ ચલાવવાનો અર્થ કોઈપણ રીતે પ્રભાવ પાડીને, દબાણ કે આર્થિક, મનોવૈજ્ઞાનિક, રાજનૈતિક, નૈતિક કે બીજી કોઇપણ રીતે બળપ્રયોગ નથી. અહિંસા પોતાના પ્રતિદ્વંદ્વીના હ્રદયપરિવર્તનની અપીલ છે. આમાં તો વિરોધીને પોતાની સચ્ચાઈથી પ્રભાવિત કરીને પોતાની વાત માનવા કે પોતાની સાથે સંમત કરવા બાધ્ય કરવાનો હોય છે.
સત્ય અને
ન્યાયપ્રાપ્તિની દિશામાં ગાંધીજીએ રાજનૈતિક વિચારધારાનું પણ આધ્યાત્મિકરણ કર્યું
છે.
"રાજનીતિનો આધાર ધર્મ (અત્રે 'ધર્મ' અર્થાત્ 'માનવીય ધર્મ') હોવો જોઈએ." એવો આગ્રહ ગાંધીજીનો હતો. રાજનીતિને છળ-કપટ, ખેંચતાણ તથા હિંસાના અધઃપતન માંથી ઉઠાવી નિશ્વાર્થ લોકસેવા અને નૈતિકતાના ઊર્ધ્વ સ્તર સુધી લઈ ગયા. તેમણે કહ્યું કે, "આજે હું રાજનીતિમાં ભાગ લઉં છું. તેનો એક માત્ર ઉદ્દેશ એ જ છે કે આજે રાજનીતિએ આપણને અજગરના ભરડામાં લઈ લીધા છે. ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ આપણે તેની ચુંગાલમાંથી છૂટી શકે એમ નથી અને એટલે જ હું આ અજગર સાથે દ્વંદ્વયુદ્ધ કરવા માંગું છું અને માટે જ મારે રાજનીતિમાં ધર્મને લાવવો છે!
તેમણે
કહ્યું કે, "નીતિશૂન્ય
રાજનીતિ સર્વથા ત્યાજ્ય છે. રાજનીતિ તો લાખો પદ-દલિતોના જીવનને સુંદર બનાવવા
માનવીય ગુણોને વિકસાવવા, તેમને સ્વતંત્રતા, બંધુત્વ તથા આધ્યાત્મિક
ઊંડાણ અને સામાજિક સમાનતા વિશે તાલીમ આપવાનો સતત પ્રયાસ છે.
ગાંધીજીએ રાજનીતિના આધ્યાત્મીકરણના સિદ્ધાંતનું માત્ર પ્રતિપાદન જ નથી કર્યું પરંતુ પોતાના લાંબા રાજનૈતિક જીવન દરમિયાન તેનો સફળ પ્રયોગ પણ કરી દેખાડ્યો છે. આઝાદીની ચળવળમાં ગાંધીજીની આત્મશક્તિ, સત્યાગ્રહ, બહિષ્કાર, સવિનય કાનૂનભંગ જેવા વ્યવહારિક આંદોલનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
એક સંત રાજનીતિજ્ઞ લેખે ગાંધીજી હંમેશા ઇચ્છતા હતા કે રાજનીતિમાંથી વિગ્રહ, અલગતાવાદ, વિદ્રોહ અને વિનાશક પ્રવૃત્તિઓનો અંત આવે તથા સદ્ભાવ અને સહયોગ જેવા તત્વો તેમાં સમાવેશ પામે.
ગાંધીજીએ માત્ર વૈશ્વિક અને રાજનૈતિક ફલક ઉપર પોતાના વિચારો નથી આપ્યા પરંતુ વર્ણવ્યવસ્થા, જાતિ-વ્યવસ્થા, અસ્પૃશ્યતા નિવારણ, સાંપ્રદાયિક એકતા, સ્ત્રી ઉદ્ધાર દારૂબંધી અને બુનિયાદી શિક્ષણ જેવી નાનામાં નાની બાબત ઉપર પણ નવીન દ્રષ્ટિકોણ સાથે પોતાના વિચારોની અમૂલ્ય ભેંટ આપી છે.
તેમણે
ભૌતિકતામાં ડૂબેલા માનવસમાજને આધ્યાત્મનો પ્રકાશ આપવાનું કાર્ય કર્યું. માનવજીવનને
સદાચાર, અહિંસા અને નૈતિકતાનું
શિક્ષણ આપ્યું. સત્ય, અહિંસા અને પ્રેમ જેવા
માનવીય ગુણોના વિકાસમાં જ માનવમનના કલ્યાણનો માર્ગ શોધી કાઢ્યો. રાજનીતિને તેમણે
આધ્યાત્મિક ભણી વાળી.
ગાંધીજીની
સમક્ષ સમાજની દીર્ઘકાલીન સમસ્યાઓ હતી. ગાંધીજીએ આ સમસ્યાઓ વિશે ઊંડાણથી ચિંતન
કર્યું. મનુષ્યની આધ્યાત્મિક ચેતનાના વિકાસ, મનુષ્યની
ગરીમા અને સ્વતંત્રતા તથા નૈતિક શક્તિને પ્રોત્સાહિત કરવા માનવીય ગુણોની સ્થાપના
પર ભાર મૂક્યો. સાથે જ શોષણ અને અત્યાચાર સામે લડવા સત્યાગ્રહ, સવિનય અવજ્ઞા, અહિંસાત્મક અને લોકતાંત્રિક
શસ્ત્રો માનવજાતિના હાથમાં આપ્યા. ગાંધીજી પોતે મૂડીવાદી કેન્દ્રિત અર્થવ્યવસ્થાના
વિરોધી હતા. એને સ્થાને તેઓ આત્મનિર્ભર ગ્રામ્ય અર્થવ્યવસ્થા, સહકારિતા તથા કુટીર ઉદ્યોગ
ની સ્થાપના કરવા માગતા હતા.
મહાન સંત
મોહનદાસ ગાંધી વીસમી સદીના એક યુગ પુરુષ હતા. સંસારને તેમણે અનેક ભેંટો આપી છે.
વ્યક્તિની ગરિમા અને આધ્યાત્મિક શક્તિને વધારવા માટે તથા સમગ્ર માનવજાતિના
કલ્યાણાર્થે સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સામાજિક સમાનતા, માનવતાવાદી ધર્મ તથા
રાજનીતિના આધ્યાત્મિક વલણ જેવા મહાન વિચારો તેમણે આપ્યા. આમ, સદીઓ સુધી માનવજાતિ ગાંધીજી
પાસેથી પ્રેરણા અને પ્રકાશ પ્રાપ્ત કરતી રહેશે.
લેખન : પલ્લવી ગુપ્તા
પુસ્તક
સમીક્ષા: ગાંધી અંતરમન
સંપર્ક:
9408932943
9 comments:
સુંદર છણાવટ સાથે આલેખન...
પૂજ્ય બાપુના વ્યક્તિત્વને અલગ અલગ દૃષ્ટિકોણ થી જોવાની ગુપ્ત અને સૂક્ષ્મ દૃષ્ટિ ગુપ્તા સાહેબ જ આપી શકે.
અને એ ઉપર સમીક્ષા લખવાનું સાહસ એમની પુત્રી તરીકે તમે જ કરી શકો, જોકે એક પુત્રી તરીકે નહિ પણ એક તટસ્થ સમીક્ષક તરીકે તમે એને પૂરતો ન્યાય પણ આપ્યો છે.
ગુપ્તા સાહેબના લેખન કાર્યના પ્રદાનને ત્રિભાષી વાચકો હંમેશા યાદ રાખશે.
Thank you very much for such a great feedback.
મેં સમીક્ષા વાંચી અને તે ખૂબ સુંદર છણાવટ સાથે લખાઈ છે. આમેય મોરના ઈંડા ચીતરવા ન પડે તે ન્યાયે તારા લેખન કાર્યમાં કોઈ જ પ્રશ્ન ન હોય. અભિનંદન 👌🏻👌🏻👌🏻
Very very hard working.very very good blog.I am happy for unik work and your new abhigam. very good develope your personality.
ખૂબ સરસ. સમીક્ષા લેખન ની છણાવટ ખરેખર હૃદય સ્પર્શી બની રહી. અભિનંદન બેન શ્રી.
good one👌
Nice article
Keep it up
વાંચીને ભાવક વાચક અને વિવેચકને આનંદ થાય તેવી સુંદર સમીક્ષા
ખૂબ સુંદર આંકલન.. ગાંધી અને ગાંધી વિચાર ધારા સમકાલીન યુગમાં એટલી જ ઉજાગર અને જીવનપ્રેરક છે જે આજના વર્તમાનમાં નવી દિશા સૂચક છે. ખૂબ જ પ્રેરણાત્મક લેખન. ખૂબ ખૂબ અભિનંદન..
Post a Comment