કૃશ્નાયન
કૃષ્ણાયન (નવલકથા )
કાજલ ઓઝા વૈદ્ય
પ્રકાર :
પ્રથમ આવૃત્તિ: 2010
વિક્રયઃ 12000+ નકલો
કિંમતઃ ₹284
કૃષ્ણાયન
કથા - મનોવલણો, સંવેદનાઓ, અકથ્યની અનુભૂતીની
કૃષ્ણ- દ્રોપદીની
કૃષ્ણ- રુક્મણીની
કૃષ્ણ- રાધાની
અપેક્ષા- સમર્પણની
બંધન અને મુક્તિની
પ્રેમ કરવાની અને નિષ્ઠાથી નિભાવવાની છે.
ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવો સાક્ષર વ્યક્તિ હશે જે કાજલ ઓઝા વૈદ્યના નામથી અપરિચીત હશે. પત્રકારત્વ, સાહિત્ય, વક્તવ્યમાં હરણફાળ યોગદાન આપનાર કાજલ વૈદ્ય, અનેક અખબારના નિયમિત કોલમ દ્વારા સામાન્ય લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. સ્ત્રી હોય કે પુરૂષ, એમની કલમ દરેકના હૃદયને સ્પર્શી તમામ સંવેદનાઓને યથાવત રીતે કાગળ પર ઉપસાવી દે છે. વ્યક્તિ કદાચ ખુદની દ્વિધાને ના પણ સમજી શકતી હોય, પરંતુ કાજલ વૈદ્યના શબ્દોને વાંચી, જાણે "એ જ તો મારે કહેવું હતું", ચેહરા પર તરત એ સાંત્વના દેખાઇ આવે છે.
વાચક જ્યારે 'કૃષ્ણાયન'ની પહેલી પંક્તિ વાંચે છે એ જ ક્ષણે એક ઉત્કંઠા જન્મે છે કે અંતિમ પંક્તિ સુધી પહોંચતા એ કઈ ભાવુક યાત્રામાંથી પસાર થવાનો છે. જેમ જેમ વાંચન આગળ વધે છે, તેમ-તેમ વાચકના સ્વયંના પ્રશ્નો, ઉત્કંઠાઓ વધતી જાય છે. વાંચનનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચે છે. વાચક સ્વયંને કૃષ્ણના મનની અંદર અનુભવે છે. દ્રોપદીની પીડાની સ્વાનુભૂતિ કરે છે. એનો તેજ, એની વિદ્વતા અને એના જેવી નિષ્ઠા ખુદમાં પણ ઝંખે છે. દ્રોપદીના નિર્ણયો, આવેગો એની સંતુલિત અભિવ્યક્તિ, એનું આત્મગૌરવ પાઠક પોતાના વ્યક્તિત્વમાં ઇચ્છે છે. રાધાના સ્વાભિમાનમાં ખુદને પ્રતિબિંબિત કરે છે. ગાંધારીના શાપમાં માતાની વ્યાકુળતા, તો સત્યભામામાં પોતાના પતિને સૌંદર્ય દ્વારા જકડી રાખવાની પત્નીની અભિલાષા સ્પષ્ટ થાય છે. રુકમણીના સમર્પણમાં દરેક પત્ની પોતાની આત્મીયતા અનુભવે છે.
'કૃષ્ણાયન' વાંચન દરમિયાન દરેક પાત્ર સાથે એવો તાદાત્મ્ય સધાય છે કે, "હું એ જ પાત્ર વચ્ચે એમની સંવેદનાઓ સાથે જીવું છું" એવી પ્રતીતિ થાય છે.
અહીં દ્રોપદી, રાધા, અને કૃષ્ણના મનોવલણોની થોડી ઝલક રજૂ કરું છું.
દ્રૌપદી અને કૃષ્ણ
દ્રોપદી તર્ક અને સંવેદનાઓનો સંપૂર્ણ સમન્વય છે. લેખિકાએ જાણે પોતાના વલણ સાથે ખુદ પ્રગટ થયા છે.
રાધાની પ્રીતિ અને મીરાંની ભક્તિ સાથે કૃષ્ણની લીલાઓ તો સૌ જાણે છે. પરંતુ એક એવું પાત્ર કે જેણે ખરેખર કૃષ્ણને મેળવી લીધો હોય, કૃષ્ણના વ્યક્તિત્વને મેળવી લીધો હોય, એ છે દ્રોપદી. એને કૃષ્ણની સખાવતમાં જીવન પથદર્શક, ગુરૂ, મિત્ર, હિતેચ્છુ મળ્યાં છે. એ વાતથી એ સજ્ઞાન છે એટલે જ સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી કૃષ્ણને અનુસરે છે.
મહાભારતની કથા જાણે કૃષ્ણે જોયેલી દ્રોપદીની યાત્રા છે. પાંચ પતિઓને સંપૂર્ણ સમર્પિત, પતિવ્રતા દ્રોપદીની નિષ્ઠા, સેવા અને પત્નીધર્મમાં ક્યારેય ઓટ આવતી નથી. બલ્કે પાંચેય પાંડવોના જીવનનું કેન્દ્ર, જીવનનો આધાર છે યાજ્ઞસેની. પાંચેય ભાઈઓને એક સૂત્રમાં પરોવી રાખનાર માળા છે, પાંચાલી. એને કૃષ્ણનું બૌદ્ધિક સાહચર્ય આજીવન મળ્યું છે. સ્વયંવર, પાંચ પાંડવોની સ્વીકૃતિ, ઇન્દ્રપ્રસ્થ-નિર્માણ, દ્યુતસભામાં અપમાન, કુરુક્ષેત્ર, હસ્તિનાપુરની પ્રાપ્તિ, પુત્ર-પ્રિયજનોની ખોટ; આનંદ અને વેદના દરેક પ્રસંગે દ્રૌપદીના પ્રશ્નોના ઉકેલ માટે કૃષ્ણ સતત ઉપસ્થિત રહ્યા છે. એ જ્યારે કૃષ્ણને પૂછે છે કે દ્યુતસભા નું અપમાન એ રોકી શકતા હતા તો કેમ ના રોક્યું. કૃષ્ણ કહે છે "ગાંધારી જેવી સતી સ્ત્રીના અધર્મી પુત્રોનો નાશ થાય એ શાપ આપવા માટે તમારું એટલું તપવું જરૂરી હતું".
પોતાના સ્વયંવરની ક્ષણોથી જ કૃષ્ણને ઝંખતી દ્રોપદી જીવનભરના સાહચર્ય ઉપરાંત કૃષ્ણ દેહના અંતિમ ક્ષણોમાં વ્યક્ત થાય છે. પરંતુ એમણે કૃષ્ણને પોતાની ઝંખના કરતાં વધુ મેળવ્યું છે. પ્રેમ અને દામ્પત્ય કરતાં વધુ વિશિષ્ઠ સંબંધ છે: સખાવત. કૃષ્ણને તેમના જીવનકાળ દરમિયાન સૌથી વધારે કોઈએ મેળવ્યો હોય તો એ દ્રોપદી છે.
એમની અવ્યક્ત અભિલાષા ને વાચા આપવા, સંશયોથી મુક્ત કરવા દેહમુક્તિના અંતિમ ક્ષણોમાં પણ કૃષ્ણ પ્રભાસક્ષેત્રમાં એમની પ્રતીક્ષા કરતા રહ્યા. અંતે દ્રોપદીના કથન ।।त्वदियमस्ति गोविन्द तुभ्यमेव समर्पयते।। થી કૃષ્ણનું મન બંધનમુક્ત થાય છે.
રાધા અને કૃષ્ણ
રાધા એક માત્ર એવું પાત્ર છે કે જે, કૃષ્ણની ગોકુળમાં ઉપસ્થિતિ સિવાય, કૃષ્ણ પાસેથી કાંઈ જ મેળવવાની કામના નથી. નવલકથાના તમામ સ્ત્રી પાત્રો દ્રોપદી, રુકમણી, સત્યભામા કૃષ્ણ પાસેથી પ્રેમ માંગે છે, જ્યારે કૃષ્ણ રાધાથી પ્રેમ માંગે છે. રાધાને પોતાની આત્મા, પોતાનું અસ્તિત્વ ગણાવે છે. બધા કૃષ્ણને મનાવે છે, કૃષ્ણ રાધા ને મનાવે છે. દરેક પાત્ર કૃષ્ણને કેન્દ્રિત છે, જ્યારે કૃષ્ણ રાધા ને કહે છે, "જો તારી પાસે જ રહેત તો તારી પૂર્ણતામાં રાચતો રહેત, કંશુ શોધવા, કશું પામવાનો પ્રયાસ જ ન કર્યો હોત મેં, મારા સઘળાં કાર્યો તારી આસ-પાસ જ ગુંથાયેલા રહેત, રાધે."(પૃ.194)
કૃષ્ણ રાધા ને કહે છે, "મને પૂર્ણપુરુષોત્તમ કહીને માથે બેસાડ્યો આ વિશ્વે. પરંતુ તુંં સંપૂર્ણ સ્ત્રી છે, જેણે મને પૂર્ણપુરુષોત્તમ બનવા સુધી પહોંચાડ્યો." ગીતામાં કૃષ્ણ કહે છે કે એ કણકણમાં વ્યાપ્ત છે જ્યારે રાધા ને કહે છે, "મારી અંદર જે કંઈ પણ સ્ત્રૈણ છે, જે કંઈ નાજુક છે, એ બધું જ તું છે. મારી અંદર જે કંઈ આધારભૂત છે. બધું જ તું છે, રાધા."
કૃષ્ણે વિશ્વને પોતાના ચમત્કારો, લીલાઓથી અચંભિત રાખ્યા છે. વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. જ્યારે મુક્તિના સમયે રાધા પાસેથી કૃષ્ણ સ્વયં સ્વયંને માંગે છે. "હું તો મારું સમગ્ર હોવું તારી પાસે મુકીને નીકળી ગયો, રાધે. આજે આ ક્ષણે હું શોધી રહ્યો છું એ કૃષ્ણને...મને પાછો આપ, મારો એ કૃષ્ણ." (પૃ.193)
કૃષ્ણના જીવન દરમિયાન દરેક પાત્ર, એ સુદામા હોય, ભીષ્મ હોય, વિદુર હોય, કુંતી, વસુદેવ, યશોદા, રુકમણી, પાંડવો, દ્રોપદી, કર્ણ હોય કે પછી શેષનાગ અવતરિત સ્વયં બલરામ હોય, દરેકે કૃષ્ણ પાસેથી પોતાના પ્રશ્નોના ઉત્તરો માંગ્યા છે. એક રાધાએ કયારેય કંઈ નથી માંગ્યું. કૃષ્ણ માંગે છે રાધાને, જવાની અનુમતિ. એકવાર ગોકુળથી જવાની અને હવે દેહધર્મથી મુક્તિની અનુમતિ.
દ્રોપદી અને રુકમણીએ મુક્તિ મેળવવા અને બંધનમુક્ત કરવા સદેહે આવવું પડયું જયારે રાધા અને કૃષ્ણનો સંવાદ માનસિકસ્તરે જ થાય છે.
દરેક પાત્રને તારણહાર દેખાતા કૃષ્ણ રાધા ને કહે છે, "આ આખુંય ચણતર મારી અંદર વસ્તી રાધાના સારતત્વો પર ચણાયું છે. તું યથાર્થ છે મારો. તું નિષ્કર્ષ છે મારા સમગ્ર જીવનનો. તું વૈશ્વિક રુપ છે જેણે મને આજ સુધી અસ્પૃશ્ય, અકબંધ, પરિશુદ્ધ જાળવી રાખ્યો છે.(પૃ.194)
એકમાત્ર રાધા છે, જયારે કૃષ્ણ પૂછે છે કે "તું સુખી છે ને?" એ અન્ય પાત્રોની જેમ પોતાની વિવશતા, વ્યાકુળતા, વેદનાને વાગોળતી નથી. પ્રત્યુત્તર આપે છે,"કા'ના, કોણ જાણે કેમ પણ મને સુખી હોવાનો અભિશાપ છે. હું કોઈ પણ સ્થિતિમાં મારું સુખ શોધી લઉં છું. "
કૃષ્ણ જ્યારે મુક્તિની અનુમતિ માંગે છે ત્યારે રાધા પોતાના અસ્તિત્વના પ્રશ્નો કર્યા વગર ખૂબ સ્વમાનભેર ઉચ્ચારે છે. "કા'ના જા... અને હવે પાછો નહીં આવતો. મારામાં બંધાયેલું તારું મન મુક્ત કરું છું. કારણકે બાંધવું મારો સ્વભાવ નથી. મેં તો ત્યારે નહોતો બાંધ્યો તને.... તો હવે શા માટે? જા કા'ના...ચાલી જા!"(પૃ.199) આ શબ્દો સાથે જ એ આત્મા કૃષ્ણ અને રાધા બંને થી મુક્ત થઈ જાય છે.
કૃષ્ણ અને કૃષ્ણ
કાજલ ઓઝા વૈદ્ય 'કૃષ્ણાયન' શીર્ષક સાથે ઉપશિર્ષક લખે છે, "માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત".
ખુદ ઈશ્વર પણ નિયતિની આગળ કટિબદ્ધ છે. જે થવાનું છે એ લૌલિક રીતે થશે જ. ઈશ્વર જો મનુષ્ય અવતાર ધારણ કરે તો એને પણ વિશ્વની તમામ માનવીય સંવેદનાઓ, પીડાઓ, વ્યથાઓથી પસાર થવું જ પડે છે.
પૂર્વે વિદિત રીતે પીપળાના ઝાડ નીચે મુક્તિની પ્રતીક્ષા કરતાં કૃષ્ણને પણ જીવનથી જોડાયેલા તમામ હૃદય પાસેથી મુક્તિ માંગવી પડી. સર્વેથી મુક્તિ માંગી સર્વેને સ્વયંથી મુક્ત કર્યા સિવાય દેહધર્મના કર્તવ્યોથી મુક્ત ના થઇ શક્યા.
બધાના મનમાં પ્રશ્ન ઉપજાવનાર કૃષ્ણ પોતે. અને પ્રશ્નોના તારણહાર કૃષ્ણ પોતે જ. ગાંધારી, કુંતી, દ્રોપદી, રુકમણી, સત્યભામા કયાંય માત્ર પ્રેમી, પતિ કે પુત્ર તરીકે પ્રગટ થયા જ નથી. એ દરેક પાત્ર સાથે સંપૂર્ણ વ્યક્તિત્વ તરીકે જ પ્રગટ થયા છે.
એટલે નવલકથાના શબ્દે શબ્દથી પસાર થવું જ રહ્યું. કાજલ ઓઝા વૈદ્યના વર્ણન મુગ્ધ કરી દે છે. પુસ્તક પૂર્ણ થયા પછી પણ વાચક પાત્રો અને પ્રસંગોના વિશ્વમાંથી મુક્ત થતો નથી. એ જ વિશ્વમાં તરંગિત રહે છે.
લેખન : પલ્લવી ગુપ્તા
સંપર્ક: 9408932943