"સરપંચની ચૂંટણી "
ઓઘડ અને જીવીની અદ્ભુત, રસપ્રદ જીવનકથા "છપ્પન ઈંચ',
આ એક અભૂતપૂર્વ ગ્રંથમાં મારું સ્ક્રિપ્ટેડ એક એપીસોડ
.
ઓઘડનાં નવાં નવાં લગન થયાં.
ઓઘડ કસાયેલ શરીરવાળો ખરો,પણ..! મજૂરી કરીને કસાયેલું શરીર.બાકી ભૂખ તો ભરડો લઈ જ ગઈ હતી.
કલુમા એક સાંધે ત્યાં તેર તૂટે આવી પરિસ્થિતિ હતી. જોકે માજી જીવના જબરાં , એમનાં આંગણેથી લગભગ કોઈ ભૂખ્યો ના જાય.એ ઘરમાં હોય ત્યાં સુધી ચિંતા ના કરે.
'હજાર હાથવાળો દેવાં વાળો છે.બે હાથવાળો લય લયને કેટલું લેશે..!??
માણસને ખાવાં માટે એક જ મોઢું છે.ખાય ખાયને માણસ કેટલું ખાશે..!??'
આવી રખાવટને હિસાબે કલુમાની ચોતરફ વાહવાહી થાતી.
અને એટલે જ ઓઘડને જીવી જેવી સ્વરૂપવાન છોકરી મળી હતી.
નવાં નવાં દિવસોમાં જીવી પાણીછેડે માંથે ગોળી હાંડો.અને કેડમાં ગાગર ભરીને ગામમાં નીકળે.
માથા પરનાં હાંડામાથી ક્યારેક.., ક્યારેક પાણી છલકાતું હોય.એ પાણીનાં ટીપાં સંગેમરમર જેવી જીવીના ગાલ ઉપર પડે.જાણે ગુલાબની પાંખડી ઉપર ઝાકળ ઝાકળ.
આમ જીવીનુ સોંદર્ય ચોતરફ છલકાઈ ઊઠે.
આવું પાણી નીતરતું રૂપ અને વસંતની જેમ મધમધતા જીવીના યૌવનથી ગામના પુરુષો આકર્ષિત થતાં .
એને ટીકી ટીકીને જોયાં કરતાં.
જીવીથી આ વાત અજાણી નહોતી.પણ..! જીવીને એવું કાંઈક કરવું હતું કે સોંદર્યમાં સુગંધ ભળે.અને રૂપ બોજારૂપ નહીં પણ પૂજારૂપ લાગે. આનો સીધેસીધો ફાયદો બધી જ મહિલાઓને મળે.ગામને મળે.
આના માટે બે બાબત સૌથી પહેલાં જોઈએ.
'એક તો શિક્ષણ,અને બીજા સંસ્કાર.'
બાળકો માટે બાલ વાટીકા અને મોટેરાંઓ માટે પ્રૌઢ શિક્ષણ શરું કર્યા.યુવાનો માટે એમની જે આવડત હતી, એમનાં કૌશલ્ય વર્ધક કામો શરું થયાં .
ધીમે ધીમે કામ આગળ વધવાં લાગ્યું.
હવે એની સાક્ષરતા અને આત્મનિર્ભરતાથી ગામના અન્ય લોકો પણ પ્રભાવિત થવા લાગ્યા.
આખા દિવસના કામકાજ ઉપરાંત જીવીને સાંજે જે સમય મળતો એમાં તે પોતે પણ.., અભ્યાસ કરવાં બેસી જતી.
એ જોઈ ગામની અન્ય સ્ત્રીઓમાં પણ શિક્ષણ પ્રત્યે સભાનતા આવી. ધીમે ધીમે જીવી પાસે સ્ત્રીઓ અને બાળકો ભણવા માટે તો કયારેક સીવણ શીખવા માટે આવવા લાગ્યા. આ વાત ફોરમ ની જેમ ગામના ખૂણે ખૂણે પહોંચી.
મનમાં કંઈક વિચારી જીવી શાળાના આચાર્યને મળવા ગઈ. એ સાંજે બંને ઓઘડને મળવા આવ્યા.
આચાર્ય: "ચ્યમ ઓઘડ! જીવી શું કરેશ?"
ઓઘડ: "ઈ તો રાણી થઈશ! મારો ભવ સુધરી ગ્યોશ!"
આચાર્યએ ઓઘડને અને શીલાએ જીવી ને કંઈક સુઝાવ આપ્યો. કાળી મજૂરીના સંઘર્ષ પછી સાક્ષરતાએ જેને પુનર્જીવિત કરી એ જીવી જીવનમાં હવે આગળ વધવા સતત મક્કમ હતી.
હવે એમના આંગણમાં સવારના પહોરમાં આંગણવાડી અને બપોરે સીવણના વર્ગો ચાલવા લાગ્યા. ગામમાં શિક્ષણ અને ચેતનાનો નવો સંચાર થયો. એ તો રાત્રે પણ ઠરતી નહોતી. એને વાંચનનો એવો શોખ વળગ્યો કે તમામ ધોરણની બધી ચોપડીઓ વાંચી ગઈ. શીલાએ એક પછી એક એના કોલેજની પુસ્તકો લાવી આપી. જીવીએ એ પુસ્તકોનો અર્ક પણ પી લીધો.
ઓઘડ ઘરની અને ગામની સ્થિતિ પરિસ્થિતિમાં આવેલ સુધારાથી હતપ્રભ હતો. જે તીવ્રતાથી જીવીએ વિકાસ તરફ કૂચ કરી હતી એ સંપૂર્ણ ગ્રામજનો માટે આદર્શપાત્ર બની હતી.
હવે ગામ આખાની બહેન દીકરીઓ રાત -વરત પણ બિંદાસ હરી -ફરી શકતી હતી.કોઈની કામી નજર એમને ખટકતી નહોંતી.
જીવીએ સંપૂર્ણ સમર્પણ ગામ માટે ન્યોછાવર કર્યું હતું.પ્રેમઅને જીવન બન્ને સાર્થક છે.આવો ગામ આખાને પરિચય કરાવ્યો હતો .
એ જોઈ ઓઘડમાં પણ આત્મવિશ્વાસે જન્મ લીધો. જૂનું બધું જ ભૂલીને એ સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવા તત્પર થયો.
વિકાસના પંથે બે વર્ષ પસાર થયા. હવે સમય આવ્યો ગામમાં સરપંચની ચૂંટણીનો.
સરપંચ કોણ બને? એ સૌથી મોટો પ્રશ્ન હતો.
ચૂંટણી આવે એટલે કંઈ કેટલાય મૂરતિયા ઊભાં થઈ જાય.એમ, નહીં પણ..,જાત જાતની વાતો થવાં લાગી.'આપણે જ ચૂંટણી લડવી છે.'એવાં હાંકલા પડકારાં સંભળાવા લાગ્યાં.
જીવીને મનમાં શંકા ઉત્પન્ન થઈ.
'આ ચૂંટણી જ ગામને બધાવે છે.ભાઈ- ભાઈ, કુટુંબ- કુટુંબ અને નાતિ -જાતિને જૂદાં કરાવે છે.
આ ચૂંટણી જ ના આવતી હોય તો..!!?
ના..પણ..! આપણી તો લોકશાહી છે.અને લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય બાબત છે.
પણ..!! કાંઈક તો રસ્તો હશે ને..!!?'
ત્યાં ગામમાંથી આઠ દસ માણસો આવતાં દેખાયાં.સાથે આચાર્ય સાહેબ પણ હતાં.
એકે વાતની શરૂઆત કરી.
"જીવીબેન..! આ વખતની ચૂંટણીમાં તમારે સરપંચનું ફોર્મ ભરવાનું છે.એટલે ગામમાં કોઈ બાઝે જ નહીં.અને આ માટે આજે ગામનાં ચોરે એક મિટિંગ રાખી છે."
જીવીએ હસતાં હસતાં કહ્યું.
"ના ભાઈ ના..! મારું કામ નેતા બનવાનું નથી.
અને ચૂંટણીમાં મને ફાવે પણ નહીં."
"જીવીબેન..! એ બધી વાત આપણે ચોરે જ કરશું."
ચોરો આખેઆખો હકડેઠઠ ભર્યો હતો.ચોરાનુ મેદાન પણ ગામલોકોથી ભરાઈ ગયું હતું.
ઓઘડ સાથે જીવીની એન્ટ્રી થઈ..એટલે સૌએ તાળીઓનો ગડગડાટ કર્યો.
જીવીએ બે હાથ જોડીને નમસ્કાર કરી ,સૌનો આભાર માન્યો.
આચાર્ય સાહેબે માઈક હાથમાં લઈને શરૂઆત કરી.
"ભાઈઓ અને બહેનો..! આપણે આ વખતની સરપંચની ચૂંટણીમાં જીવીબેનને લડાવવાં માંગીએ છીએ.તમે બધાં શું કહો છો..!??"
બધાં કાંઈ બોલે એ પહેલાં જીવીએ ઊભાં થતાં જ કહ્યું.
"હાં પણ..! હું ચૂંટણી લડીને ભાઈ -ભાઈ, કુટુંબ- કુટુંબને અલગ કરવાં નથી માંગતી.
અને એટલે મારે ચૂંટણી લડવી નથી."
ચારેકોર છન્નાટો છવાઈ ગયો.
પાછળની હરોળમાંથી એક સાથે આઠ દસ અવાજો આવ્યાં...
"હાં પણ..!! ચૂંટણી જ કોને કરવી છે!? અમારે તો તમને ગામ સમરસ કરીને સરપંચ બનાવવાં છે."
હજારો તાળીયોનો ગડગડાટ એક સાથે થયો.
અને સૌની છાતી છપ્પન ઈંચની થઈ ગઈ.
10/04/2024 'સંજોગ ન્યુઝ' ના ઉત્સવ પૂર્તિમાં પ્રકાશિત
©️ પલ્લવી ગુપ્તા 🌷
No comments:
Post a Comment