થરથરાટ
ચહેરા પર અચાનક પાણીનું ટીપું પડ્યું. એ ઝબકીને જાગી. છાપરાની તિરાડમાંથી પાણી આવ્યું હતું.
એ જગ્યા પરથી થોડી ખસી. બાજુ પર સૂતા અઢી વરસના દીકરાની ઊંઘ છાંટાથી બગડે નહીં તે રીતે એના પર પોતાનું શરીર ઢાળી દીધું. માથા નીચે મુકેલો હાથ લાંબો કરતા એસીનું રિમોટ હાથ લાગ્યું. નહી! નહીં. એ તો એનું તૂટેલું ચંપલ હતું.
વરસ પહેલાં પોતાના બેડરૂમમાં રેક્લોનના બેડપર પતિ અને દીકરા સાથે એસીનું રિમોટ હાથમાં પકડીને સુઇ રહેતી.
ત્યાં વળી પગપર કોઈ સુંવાળી વસ્તુનો સ્પર્શ થયો. એ એના મુલાયમ ચંપલ હતાં કે શું?
એ કણસી. ઉંદર કરડ્યો. વાઢિયામાંથી વેદના ઓકાવા લાગી. આખો દિવસ કાળી મજૂરી કરીને પણ ભૂખ્યા પેટે રાત પસાર કરનાર શરીર અકળાવવા લાગ્યું. ભૂખ એટલે શું? એ તો એને ભૂકંપ પછીના મહિનાઓમાં જ ખબર પડી હતી.
હવે એ અનાથ, નિરાધાર હતી પરંતુ પોતે જ દીકરાનો સંપૂર્ણ સંસાર હતી. બાળકના ઉછેરની ચિંતા એને કોરી ખાતી.
પિતા પતિના રાજમાં એના હાથ નીચે કામ કરનાર માણસો હતા પણ હવે આ કપરી લાચારીમાં એને પોતાને કચરા-પોતા કરવા જવું પડતું. એના કરતાં દુઃખ એ વાતનું વધારે હતું કે બાળક માટે જોયેલા શમણાં ડ્હોળાઈ ગયાં હતાં. એનું પાલન પોષણ રાજસી રીતે હવે કયારેય કરી શકવાની નહોતી.
મનની વેદના, તનની પીડાને પાછળ મૂકી, વાદળોના ગડગડાટ કરતાં વધારે તીવ્ર થઈ. એ બેઠી થઈ. ઢીંચણ વચ્ચે માથું રાખી જોરજોરથી રડવા લાગી.
હવે, આભ પણ એની સાથે હરીફાઈમાં ઉતર્યું. વાવાઝોડું તીવ્ર બન્યું. છાપરું ઊડી ગયું. વાદળો ત્રાટકયા. એના અશ્રુઓને પડકારતો વરસાદ બચી રહેલા એના સંસારને છિન્નભિન્ન કરવા ઝૂંપડીની અંદર ધસી આવ્યો.
એ પડકારને ખાળવાના વિચારે એ થથરી ગઈ. થરથરાટ અંદરનો અને બહારનો એકાકાર થવાની ક્ષણો એની સામે ઝળુંબી રહી.
'સાહિત્વાયનો વનવગડો વાર્તાસ્પર્ધા ૨૦૨૧' માં દ્વિતીય ક્રમે પુરસ્કૃત 'વ્યથા' વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ લઘુકથા
©️પલ્લવી ગુપ્તા 🌷
No comments:
Post a Comment