28 June 2023

કરેલું પાછું આવે છે.

અનુવાદ


મૂળ સ્રોત : એક અંગ્રેજી વિડીઓ 

અનુવાદક : પલ્લવી ગુપ્તા


 "કરેલું પાછું આવે છે."

(લઘુકથા)

     એક વખત બીલી નામનો એક બેઘર માણસ હતો, જેને માંડ કંઈ ખાવાનું મળતું. રાત્રે ફુટપાથ પર ના ઊંઘવું પડે એમ વિચારીને તે રોજ ભીખ માગતો. એક દિવસ તેને એક એવી સ્ત્રી મળી જેણે તેનું જીવન બદલી નાખ્યું. એ સ્ત્રીએ તેને એક સાથે વીસ ડોલર આપ્યા. તે સ્ત્રીનું આભાર વ્યક્ત કરતા બીલીએ કહ્યું , "હવે મારે આજે આ ફુટપાથ પર ઊંઘવું નહિ પડે, પણ આટલા બધા પૈસા મને એક સાથે કેમ આપ્યા?"
સ્ત્રીએ જવાબ આપતાં કહ્યું, "કરેલું પાછું આવે છે, એમ હું માનું છું."
     બીલીએ એ સ્ત્રીનું નામ પૂછતા તેણીએ કહ્યું, "મારું નામ સરાહ ડાર્લિંગ છે. હું સડકની પેલી બાજુ કામ કરું છું, આવો કયારેક." કહીને તે જતી રહી.
     તેના ગયા પછી ભીખમાં મળેલાં કુલ પૈસા ગણવા માટે બીલી જયારે પાત્રને ખંખેરતો હતો, તેને હીરાજડિત અતિ મૂલ્યવાન એક વીંટી મળી. તે સમજી ગયો કે પૈસા નાખતી વખતે સરાહની આ વીંટી ભૂલથી પાત્રમાં પડી ગઈ હશે.
     તે તરત દોડયો. આમતેમ શોધી જોયું પણ સરાહ તેને કયાંય ન મળી. સરાહ હવે નહિ જ મળે, એમ વિચારતો જ હતો કે તેની નજર સોનાની દુકાન પર પડી. ત્યાં દુકાનદારે વીંટીની કીંમત ચાર હજાર ડોલર કહી. સાંભળતાં જ બીલી ખુશ થઈ ગયો કે હવે ઘણાં મહિનાઓ સુધી તેને ફુટપાથ પર નહિ ઊંઘવું પડે. પણ અચાનક તેને સરાહની વાત યાદ આવી, "કરેલું પાછું આવે છે."
     તે દુકાનથી બહાર નીકળી ગયો. સરાહને શોધી વીંટી પાછી આપી જ દેવાનું તેણે નક્કી કર્યું. સરાહે બતાવેલ સડક પર આવેલી ઓફીસોની અંદર જઈ-જઈને તે તેની તપાસ કરતો રહ્યો. ત્યાં એક ઓફિસમાં સરાહ મળી. તેણે સરાહને વીંટી પાછી આપી. એ વીંટી તેના લગ્નની વીંટી હતી. વીંટી જોઈને સરાહની આંખો આનંદથી છલકાઈ ગઈ. આભાર વ્યક્ત કરતાં તેણે કહ્યું,
    "આ વીંટી મારા માટે ખૂબ મૂલ્યવાન છે. મેં આને દરેક જગ્યાએ શોધી. પણ બીલી! આને વેચીને તમે ઘણા પૈસા મેળવી શકતા હતા. તો કેમ પાછી આપી?"
     બીલીએ કહ્યું, હા, તમે મારી મદદ કરી હતી, તો મારે પણ કરવું જોઈએ. બીજું એ કે એક વિદ્વ સ્ત્રીએ મને કહ્યું હતું કે ‘કરેલું પાછું આવે છે’ .
સરાહ: "ખૂબ ખૂબ આભાર તમારો. તમે નથી જાણતા કે આ વીંટી મારા માટે શું છે? હું આ વાત કયારેય નહિ ભૂલું હવે."
    આ ઘટના સરાહના ઓફિસમાં એની એક સહકર્મચારી જોઈ રહી. એણે સરાહને ઈન્ટરનેટ પર આ વાર્તા મૂકી ‘મને દાન આપો’ની સેવા બીલી માટે શરૂ કરવાની સલાહ આપી. તેને આ વિચાર ખૂબ ગમ્યો.
     સરાહે એમ કર્યું. આ વાર્તા એની કલ્પનાથી વધારે પ્રખ્યાત થઇ. આખી દુનિયાના લોકોએ બીલીને દાન કરવાનું શરૂ કરી દીધું. ટૂંક સમયમાં જ 190 હજારથી વધારે ડોલર ભેગા થઈ ગયા. બધા પૈસા એક બેગમાં ભરી સરાહ બીલી પાસે ગઈ. તેને એ બેગ આપતાં કહ્યું ,
     "મારી પાસે તમારા માટે એક ભેંટ છે. 19, 726 ડોલરની ભેંટ છે."
     બીલીના આશ્ચર્યનો પાર ના રહ્યો. એને માનવામાં નહોતું આવતું કે એ બધું જ એનું અને માત્ર એનું જ હતું. સરાહે તેને બધી જ ઘટના વિગતવાર કહી સંભળાવી. પછી કહ્યું, "હવે તમારે ફુટપાથ પર નહિ ઊંઘવું પડે. તમે તમારું પોતાનું ઘર બનાવી શકો છો." બન્નેએ એકબીજાના સુખી જીવનની પ્રાર્થના કરી.
સરાહના ગયા પછી બીલીને બેગમાંથી એક ચિઠ્ઠી મળી. જેમાં લખ્યું હતું, કરેલું પાછું મળે છે’.
        

ડૉ. મોતીભાઈ પટેલ (તંત્રી: સમણું )ની  પ્રેરણાથી અનુવાદિત, પરિવેશ અનુવાદ અંક એપ્રીલ 22 - ડીસેમ્બર 22 અંકમાં પ્રકાશિત લઘુકથાનો ભાવાનુવાદ

 ©️પલ્લવી ગુપ્તા🌷

2 comments:

Phoolchand said...

Well done

Anonymous said...

સરસ વાત..
ઉત્તમ અનુવાદ..
ધન્યવાદ!
ડૉ. પ્રકાશ દવે
બાબરા, જિ. અમરેલી