મહાકાવ્યો કદી મરતા નથી.
Living Legend શ્રી મોતીભાઈ પટેલને મારી શબ્દ શ્રદ્ધાંજલી
દરેક વસ્તુ કે વ્યક્તિનું એક ઉદગમ સ્થાન હોય છે. એક આરંભ બિંદુ દરેકને મળે છે. જેનું પણ અસ્તિત્વ છે એ સજીવ હોય કે નિર્જીવ આ વિશ્વમાં એક નિશ્ચિત સ્થાન પ્રત્યેકને મળેલ છે. હવે એ ઉદગમ સ્થાનને વળગી રહેવું કે એક એક ડગલું આગળ વધતા પોતાના અસ્તિત્વનો વ્યાપ વધારવો એ જે તે વ્યક્તિના દૃઢ મનોબળ, મહત્ત્વકાંક્ષાઓ અને ક્ષમતા ઉપર આધારિત છે. માનવીય ઇતિહાસમાં એવા અનેક પાત્રો જોવા મળ્યા છે કે જેમણે પોતાની સકારાત્મકતા, ઉચ્ચાકાંક્ષા, અસાધારણ સાહસો, શોર્યપૂર્ણ પ્રવાસો, અસીમ સાહસ બળ, પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઉમદા મૂલ્યો દ્વારા મહાકાવ્ય બની સદૈવ સમાજને એક ઉત્તમ વ્યક્તિત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રામ અયોધ્યાની નજીકના કોઈ જંગલમાં સ્થાયી થઈ
શક્યા હોત; કૃષ્ણ કંસ-હનન,
કે જે એમના અવતરણનો મુખ્ય
ઉદ્દેશ્ય હતો, પછી મથુરા કે
વૃંદાવનમાં સ્થાયી થઈ શક્યા હોત; સિદ્ધાર્થ
કપિલવસ્તુ પર શાસન કરી એક સમ્રાટ તરીકેની પ્રતિષ્ઠા મેળવી શક્યા હોત અને ગાંધીજી
સ્વયં બેરિસ્ટર થયા પછી પોતાનું વૈભવશાળી જીવન વિતાવી શક્યા હોત. પરંતુ જો આ
પાત્રો પોતાના ઉદગમ સ્થાનને વળગી રહ્યા હોત, તો ક્યારેય શ્રીરામ કે દ્વારકેશ કે ભગવાન બુદ્ધ
કે મહાત્મા ના બની શક્યા હોત. સમાજ કલ્યાણ અર્થે વધાવેલા તેમના પ્રત્યેક ડગલાએ આ
મહાન પાત્રોને મહાકાવ્ય બનાવી દીધા.
એક એવું જ વિરલ વ્યક્તિત્વ -શ્રી મોતીભાઈ મ.
પટેલ, શિક્ષણના સુચારું સંચાલન
અને સ્થાપન માટેના તેમના અનંત પ્રયાસો દ્વારા એમના જીવનને મહાકાવ્ય સમો વ્યાપ
મળ્યો છે.
અરવલ્લીની ગિરિકંદરાઓની વચ્ચે નાનકડા ગામ
ઈસરીના એક સામાન્ય ખેડૂતપુત્રે ગુજરાતના દરેક ખૂણે પોતાનું નામ ગજવ્યું છે.
પ્રાથમિક શાળાથી અનુસ્નાતક તાલીમી કોલેજો સુધી, રાજસ્થાન બોર્ડરના વાઘપુરથી દ્વારીકા સુધી,
અરવલ્લીથી સુરેન્દ્રનગર
સુધી, આખા ગુજરાતમાં છવાયેલ
કબીરવડ છે. સંપૂર્ણ જીવન શિક્ષણ, શૈક્ષણિક સંસ્થાઓ
અને પ્રવૃત્તિઓ, વહીવટી
જવાબદારીઓમાં વિતાવ્યા ઉપરાંત તેમનું વ્યક્તિત્વ દર્પણની જેમ સ્વચ્છ, નિર્દોષ રહ્યો છે. કેટકેટલી સંસ્થાના
સ્થાપક-ટ્રસ્ટી, કેટકેટલાના
જીવનના ઉદ્ધાર-પ્રોત્સાહક પરિબળ હોવા છતાં સ્વભાવે બાળક જેટલા જ સરળ રહ્યા છે.
રત્તિ જેટલું પણ અહમનો છટકાવ ક્યારેય જોવા મળ્યો નથી. મહાકાવ્ય સમા તેમના જીવનનો એક
ટૂંકો પરિચય મેળવીએ.
ઉદગમ બિંદુ:
અરવલ્લીની ગિરિકંદરાઓના સાનિધ્યમાં મેઘરજ તાલુકાના એક નાનકડા ગામમાં 16-5-1937ના દિવસે શ્રી મનોરભાઈ તથા નાથીબહેનને ત્યાં
શ્રી મોતીભાઇ પટેલનો જન્મ થયો. મહેનતુ ખેડૂત પિતા અને સમૃદ્ધ મોસાળની વારસાઈ વચ્ચે
ખૂબ સુંદર લાડકોડવાળુ અલ્લળ બાળપણ મળ્યું. ગામની સરકારી પ્રાથમિક શાળા કે જ્યાં
સગા સોમાકાકા તે શાળાના આચાર્ય હતા, ઉત્તમ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત બાળપણની નિર્દોષ લીલાઓથી ભરપૂર સમૃદ્ધ સમયકાળ
મળ્યો. પ્રાથમિક શિક્ષણ પછી પિતાના આગ્રહથી ખેતી કામમાં જોડાયેલા તરુણવયના મોતીને
તેમના મામાના કેટલાક શબ્દોએ જીવનને એક નવી દિશા આપી."પિતાજીની વારસાઇની થોડી
જમીનમાં ચાર ભાઈઓ પૈકી તારું કુટુંબ શે જીવશે? મોતી, નળીયાની લાઈનની જેમ તારી જીવનની લાઈન પણ સીધી જ રાખજે", મામાની આ શિખામણે
મોતીને જીવનની જવાબદારીઓ માટે સજાગ કર્યો, પછી શરૂ થઈ જીવનમાં સંઘર્ષ યાત્રા.
સંઘર્ષ કાળ:
મામાની શિખામણથી પુરુષાર્થ માટે તત્પર મોતીભાઈ 'સિદ્ધાર્થ' નવલકથાના સિદ્ધાર્થની જેમ ઘર છોડીને નીકળી
પડ્યા, સાથે હતું તો માત્ર એક
બગલથેલો જેમાં બે જોડ કપડાં અને ફકત 20 રૂપિયા. ઈસરીથી મેશ્વો નદી વટાવી શામળાજી પછી પદયાત્રા
કરી હિંમતનગર પહોંચી ગયા. ત્યાં શહેરની એક કરીયાણાની દુકાનમાં નોકરી કરી. પછી
દરજીની દુકાન, ક્યારેક ખેતીમાં
ગુંથાયા. પરંતુ શિક્ષક થવાને ઝંખતું હૈયું તેમને નવાગામના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા
સુધી લઈ આવ્યું. ત્યાં શિક્ષક તરીકેની નોકરી મળી. બસ, જીવનપથ પર એક નવી દિશાએ શ્રી મોતીભાઈ પટેલને
આહ્વાન આપ્યો.
જીવન યાત્રા:
શિક્ષક તરીકેની પ્રથમ નોકરી મેળવ્યા બાદ તેમની અંદરનો શિક્ષકત્વ સોળે કળાએ
ખીલવા લાગ્યો. પછીથી જીવનકાળ દરમિયાન ઘણી જગ્યાએ શિક્ષક અને તદુપરાંત અધ્યાપક
તરીકેની નોકરી કરી તથા ઘણી શૈક્ષણિક સંસ્થાઓનું સ્થાપન કર્યું.
નવાગામના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા પછી રાજસ્થાન-ગુજરાતની સરહદે
વાઘપુર-ગોધાવાડા પ્રાથમિક શાળામાં બદલી થઈ. સ્વયં આચાર્ય, શિક્ષક, પ્યુન બધી જવાબદારી તેમના જ કાંધે હતી. પછીના
વર્ષોમાં શ્રી નૃસિંહભાઇએ વલ્લભ વિદ્યાલય-બોચાસણમાં ગયા જ્યાં શ્રી રવિશંકર
મહારાજનું સાનિધ્ય મળ્યું. પછી સર્વોદય યોજનાની આંબાબાર પ્રાથમિક શાળા, ભિલોડા, એમ હાલના સાબરકાંઠા અને અરવલ્લી
જિલ્લાના અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની નોકરી કરી.
કાળાંતરે શિક્ષક પછી અધ્યાપક તરીકેની યાત્રા શરૂ થઈ. જેમાં સૌપ્રથમ અમદાવાદની
સી. એન. વિદ્યાલયમાં પીટીસી અને જીબીટીસીના અધ્યાપક તરીકે નિમાયા. તે સમય દરમિયાન
કોલેજથી છુટી દર શની-રવિ મોડાસા કોલેજમાં એમ. એ. ગુજરાતીના વર્ગો પણ ચલાવતાં.
મોડાસામાં જાણીતા બાળ સાહિત્યકાર શ્રી રમણભાઈ સોનીના સંપર્કમાં આવ્યા. શ્રી રમણભાઈ
સોની કે જેમણે 1 થી 100 સુધીની સંખ્યા અંગે સંશોધન કર્યું હતું. વળી
આગળ ચાલીને એ સંશોધનને કશમે એવોર્ડ પણ પ્રાપ્ત થયો, જેમાં મુખ્ય ભૂમિકા શ્રી મોતીભાઇની હતી.
સ્વયં શિલ્પી, શિક્ષણઋષિ:
ડોડીસરાના કાર્યકાળ દરમિયાન ઇસરીથી ભિલોડા સુધી પાંચ માધ્યમિક શાળાઓ શરૂ કરી.
પછી કોઈ અણબનાવે ડોડીસરા છોડવાનું નક્કી કર્યું, ત્યાં તો ખંભાતના બી. એડ. કૉલેજમાં અધ્યાપકની
પદવી રાહ જોઈ બેઠી હતી.
15 જૂન 1970માં ખંભાતની શ્રીમતી બી.સી.જે કોલેજ ઓફ
એજ્યુકેશનમાં હાજર થયા. અનુસ્નાતક શિક્ષક થયા. 'તુલનાત્મક શિક્ષણ'ની નૂતન ધારા શરૂ કરી. શૈક્ષણિક સામયિક 'નૂતન-શિક્ષણ'ના તંત્રી ડૉ. ગુણવત્તા શાહથી મૈત્રી થઈ જેનો
ડંકો શિક્ષણજગતમાં આજે પણ વાગે છે. ઉત્સાહ
અને નિષ્ઠા ભરેલી પ્રવૃત્તિઓ સાથે કેટલાક વર્ષો પસાર થતા હતાં, ત્યાં તો દ્વારકા
બી.એડ.કોલેજ તેમને બોલાવતી હતી.
દ્વારકામાં કારકિર્દીની 15 વર્ષની લાંબી યાત્રા ખેડી. તે લાંબી યાત્રાને શ્રી મોતીભાઈ સોનેરી વર્ષો
તરીકે સંબોધતા હતા . 15 વર્ષના દીર્ઘ
સમયકાળ દરમિયાન ડો. ગુણવંત શાહ સાથે મૈત્રી ગાઢ થઈ. અનેક કાર્યશિબિરો, યોજનાઓ, પ્રવૃત્તિઓ થકી અધ્યાપન ક્ષેત્રે શ્રી
મોતીભાઈની નામના સતત વધતી રહી છે. મોતીભાઈ પટેલ કહેતા, "હું મારા વતનમાં માત્ર 13 વર્ષ રહ્યો છું.
તેને બદલે દ્વારિકામાં 15 વર્ષ રહ્યો. 15 વર્ષમાં મેં વ્યક્તિગત ઘણી સિદ્ધીઓ પ્રાપ્ત
કરી. શૈક્ષણિક, આધ્યાત્મિક અને
સાહિત્યનું સુંદર વાતાવરણ અમે મિત્રોએ સર્જ્યું.”
દ્વારકા પ્રત્યે આટલું મમત્વ છતાં 1988માં દ્વારકા પશ્ચિમ તરફ મૂકીને ઉપડ્યા
સુરેન્દ્રનગર.
શિક્ષણ જગતમાં શ્રી મોતીભાઇ પટેલ નો
એક્કો જમાવનાર આ કાળ ખૂબ જ ફળદ્રુપ સાબિત થયો. માનવમંદિરમાં આવેલી 'મૈત્રી વિદ્યાપીઠ મહિલા બી.એડ કોલેજ'માં આચાર્ય બન્યા. એમની અંદર બેઠેલો આચાર્ય
સોળે કળાએ ખીલી ઉઠ્યો. એમ. એડ. ના વર્ગો શરૂ કર્યાં. બહેનો માટે છાત્રાલય શરૂ કરી.
ઉપરાંત, કોલેજની બહેનો તથા
અધ્યાપકો માટે ખાદીનો ગણવેશ નક્કી કરી ગણવેશ ધરાવતી ગુજરાતની પ્રથમ બી.એડ. કોલેજ
બની. પી.એચ.ડી.ના ગાઈડ બન્યા. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના
તત્કાલીન વડા ડૉ. ગુણવંત શાહ સાથે વિચારમેળો શરૂ કર્યો. વિચારમેળાની કુલ 25 સફળ શિબિરોના આયોજન થકી શિક્ષણ સહિત સાહિત્ય
ક્ષેત્રે પણ નામના મેળવી. વિદ્વાન મિત્રો બન્યા. આ શિબિરોમાં શ્રી કેશુભાઈ દેસાઈ,
શ્રી યશવંત શુક્લ,
શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક', શ્રી પુરૂષોત્તમ માવલંકર, શ્રી ભદ્રાયુ
વછરાજાની જેવા સર્જકોએ ભાગ લીધો હતો.
ત્યાં તાલીમી શિક્ષણના પાયારૂપ એક
મોટું કાર્ય આરંભ કર્યું અને તે હતું એમ. એડ. ના વર્ગોનું નવું સેન્ટરની શરૂઆત. તે
ઉપરાંત અન્ય અનેક કામગીરી કરતાં રહ્યાં, જેમકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાફ એકેડેમિકમાં તજજ્ઞ સેવાઓ; માધ્યમિક શિક્ષણબોર્ડ શિક્ષણ સમિતિમાં સભ્ય
તરીકે ત્રણ વર્ષની સેવા; પુનઃ સૌરાષ્ટ્ર
યુનિવર્સિટીમાં વહીવટ તથા સિન્ડીકેટ સભ્ય તરીકે; સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિભાગના ડીન
તરીકે; અને.... અને.....
અને..... શિક્ષણ અને વહીવટ ક્ષેત્રે અનેકો અનેક કામગીરી કરી, જેને શબ્દોમાં બાંધવું અશક્ય પૂરવાર થાય છે. કહેવાય
છે ને,
આ મહાકાવ્યના ઉમદા મૂલ્યો:
શ્રી મોતીભાઈ મ. પટેલ એક પારસમણિ હતા. તેઓ જે જે સ્થળ જે જે વ્યક્તિના
સંપર્કમાં આવ્યા તે સુવર્ણ બનીને ઝળહળી ઉઠ્યું. જેનું કારણ હતું તેમની સકારાત્મક
વિચારધારા તથા દીર્ઘદૃષ્ટિ. જેના લીધે સમાંજોદ્ધાર
માટે લીધેલા પગલા ખોટા પડ્યા નોહતા. જન્મથી માંડીને મૃત્યુ સુધી સતત કૈંક ને કૈંક
કરવાની તેમની ખેવના તેમને યુવાન રાખતી. Down to Earth વાળું તેમનું વિનમ્ર
વ્યક્તિત્વ નવા અને ઉમદા સંપર્કોથી તેમને સમૃદ્ધ રાખતું. કેટલાક મહાનુભાવોના શબ્દો
એક અનન્ય છવી ઉભી કરે છે.
શ્રી ભરત જોશી તેમને 'હકારાત્મક ઉર્જાનું પાવર હાઉસ'
ડો. દક્ષેશ ઠાકર એમને 'શિક્ષણ પ્રહરી મોતીભાઈ',
મણિલાલ હ.પટેલ 'શિક્ષકોના આદર્શ શિક્ષક મોતીભાઈ',
હરેશ ધોળકિયા તેમને
'પ્રસન્નમૂર્તિ વ્યક્તિત્વ'
કહે છે.
જ્યારે
ડૉ. કેશુભાઈ દેસાઈ 'કૂણા કાળજાનો
માનવી' તરીકે સંબોધે છે.
જયેન્દ્ર ત્રિવેદી કહે છે 'એક રજકણ રત્ન
બનીને શોભે'.
શિષ્યો એમને 'મિત્ર, માર્ગદર્શક અને ગુરુવર' તરીકે સંબોધે છે.
"વ્યક્તિ પોતાના કર્મો થકી જ પૂજાય છે."
સ્વનો વિકાસ અને સાથો સાથ સમાજ માટે કંઈક કરી ગુજરવાના મનસૂબા સાથે કરેલાં
પુરુષાર્થ લોકોના હૃદયમાં ફોરમ બનીને મલકાય છે. શ્રી મોતીભાઈ મ. પટેલનું જીવનકવન
આખા ગુજરાતમાં પણ કંઈક એવી જ સુવાસ પ્રસરાવે છે કે આ મસ્તક આપોઆપ આ શિક્ષણઋષિને
વંદન કરવા નમી જાય છે.
કવિએ સાચું જ કહ્યું છે,
©️પલ્લવી ગુપ્તા 🌷
No comments:
Post a Comment