02 June 2024

ચોરી (લઘુકથા)

ચોરી 

         ચોરી થતા એ જોઈ રહી.
         ચોરી તો એ બંને કાયમ કરતા જ. નાના હતા ત્યારે. પહેલા મોટું ટેબલ કિચનમાં લઇ જતા. એની ઉપર નાનું ટેબલ ગોઠવતા. પછી ભાઈ ઉપર ચઢી માળિયામાં સંતાડેલા ડબ્બા શોધી કાઢતો. મુઠ્ઠીઓ ભરી-ભરીને પહેલા પોતે ગરકાવતો.      ધરાઈ ગયા પછી ચાતક નજરે તેની કૃપાદ્રષ્ટિની રાહ જોતી નાની બહેનને પણ આપતો.
          નોકરી પર ગયેલી માતા દર બપોરે થતી બેકરી, બિસ્કીટ, નમકીન, ચોકલેટ, ખાખરા વગેરેની થતી ચોરીના પદ્ધતિથી વાકેફ હતી. પણ ક્યારેય એ ડબ્બઓને બીજી જગ્યાએ ના સંતાડ્યો. બાળલીલા માણવી કોને ન ગમે? 
          એવી જ એક ચોરી આજે પણ થયા કરે છે, દરરોજ, સવાર-સાંજ. 
          ભાઈ વાટકો લઇ આવ્યો, "ચાલ મમ્મી! તને ભાવતો શીરો ખવડાવું આજે. કાજુ-બાદામ પણ છે એમાં હં, જોજે!"
          ભાઈ- બહેનને ખાતરી હતી કે શીરાની મિઠાશ દવાની કટુતાને આજે પણ છુપાવી લેશે.
            માતાની માંદગી માતાને જણાવી શકાય તેમ નહોતી. એટલે....

કલાવિમર્શ એપ્રિલ '24 અંકમાં પ્રકાશિત
©️ પલ્લવી ગુપ્તા 🌷 


1 comment:

Sahityasanchay said...

ખૂબ સુંદર નાની વાત પણ ઉંમરના એક પડાવ પર વ્યક્તિની બચપણમાં પડી ગયેલી આદતો કોઈના માટે આશ્વાસન રૂપ થઈ જાય છે. ખૂબ સુંદર લઘુકથા..