સુંદર (લઘુકથા)
ધોળા-ધોળા, બિલકુલ માખણ જેવા કોમળ હાથ!
નાજુક, સુંદર, લાંબી આંગળીઓ!
આછી ગુલાબી નેઈલપોલીશવાળા સુંદર નખ!
સુંદરતાને ચાર ચાંદ લગાવતી ચળકતી બંગડીઓ!
રાધા આજે ફરીથી સુધાના હાથને ખેવનાથી તાકી રહી.
આ તરફ મજૂરી કરી કરીને ખરડાયેલા પોતાના હાથ-કાળા ધબ્બા, આડા અવળા બુઠ્ઠા નખ.
જીવનના બે આયામ વચ્ચે એની નજર હિંચકો ખાવા લાગી.
'રાધા, લે! સુધાનાં કપડાં. બિલકુલ નવા. એને ફિટ પડે છે. તને દિવાળી પર પહેરવા કામ લાગશે, અને આ તારું દિવાળીનું બોનસ. મીઠાઈઓ ખાજે હં.' સુધાની મમ્મીએ આમ કહેતાં એની તરફ થોડા પૈસા સહિત કપડાંનું એક બંડલ આગળ મૂક્યું.
એની ધ્યાનાવસ્થા તૂટી. બોનસના નામે આંખો ચમકી. લાંબા સમયથી ધરબાયેલી ઈચ્છા હવે પૂરી થશે. સુગંધી વેસલીન લાવી હાથ પર લગાવશે. ચળકતી બંગડીઓ લાવશે. આછી ગુલાબી નેઈલપોલીશ પણ.
હાથ લાંબો કર્યો. કપડાં લીધાં. બોનસ પણ. પગાર હાથ પર મૂકતાં જ એને નાના ભઈલાના હાથમાં તારામંડળ દેખાયું. રાજી રાજી ઉછળતો મીઠાઈ ખાતો ભાઈ દેખાયો. મા દેખાઈ- દીવો કરતી.
આંગણમાં મોટી રંગોળી કરતી એને દુનિયાની સૌથી સુંદર પોતાની આંગળીઓ દેખાઈ.
પગારની મુઠ્ઠીવાળી મક્કમતાથી એ ઘર તરફ ચાલી.
--------------------------------------------
વિશ્વા જૂન '24 અંકમાં પ્રકાશિત
©️પલ્લવી ગુપ્તા🌷
No comments:
Post a Comment