15 January 2024

સિસ્ટર્સ

લઘુકથા
સિસ્ટર્સ

બે બહેનો વચ્ચે અકબંધ રહેતો પ્રેમ..

-



રુચાને દોડતી આવતી જોઈને શિવા હસી પડી.

પણ ત્યારે? ત્યારે એ ડઘાઈ ગઈ હતી. બે દિવસ પહેલા એણે સાંભળ્યું હતું.
"આજકાલ રુચા રોજ વહેલી સવારે ઊઠીને તરત ફૂલ-ઝાડને પાણી નાખવા બગીચામાં પહોંચી જાય છે."
"હા... જલ્દી તૈયાર થઈ ભણવા પણ બેસી જાય છે. બહુ ડાહ્યી છે મારી પરી!" હિંચકે ચા માણતાં માતા-પિતાના શબ્દો સાંભળેલા ત્યારે શિવા ફરી ડઘાઈ ગઈ હતી.

"જ્યારે જુઓ રુચા... રુચા... રુચા.... હું તો કોઈને દેખાતી જ નથી." મનોમન બબડી હતી.

"દીદી... દીદી..."કરતી રુચા દોડતી શિવા પાસે મોબાઇલ લઇને આવેલી ને વોટ્સએપ ખોલીને બતાવેલું: "દીદી જો મારા બધા વિષયમાં A ગ્રેડ આવ્યો છે. પણ ડ્રોઈંગ્સ બાકી છે અને એને માટે બે દિવસનો લાસ્ટ ચાન્સ આપ્યો છે. મને દોરી આપને ચિત્રો!"

"કેમ? પપ્પા કહે છે ને કે તું ભણવામાં ખૂબ હોશિયાર છે! દોરી લે જાતે જ."

રુચા બોલી હતી, "દીદી તું પણ કેટલી હોશિયાર છો! તારે દરેક વિષયમાં A ગ્રેડ આવે છે ને ચિત્રમાં A+ હોય છે. મને દોરી આપને વળી! સોમવારે સબમિટ નહીં કરું તો રિઝલ્ટ બગડશે."

શિવાએ તરત પરખાવ્યું હતું. "ના ભઈ ના. ટાઈમ નથી મારી પાસે!"

"પણ દીદી સોમવાર સુધીમાં જળદિવસ, ચકલી દિવસ અને પૃથ્વી દિવસ એમ બીજા બધા ચિત્રો દોરી તું દોરી દે ને પછી હું સબમિટ કરું તો 'બેસ્ટ ડ્રોઈંગ ઈન સેકન્ડરી'નું ઈનામ મને મળે."

શિવા કંઈ બોલી નહોતી એટલે રુચાએ ફરીથી કહેલું "દીદી...પ્લીઝ...મારી વ્હાલી દીદી...શું તું મારું રિઝલ્ટ બગડવા દઇશ?" આટલું કહીને પોતાની ડ્રોઈંગ બૂક અને કલર શિવા પાસે મૂકી દોડી ગઈ હતી બાહર રમવા.

"વાહ! રિઝલ્ટની તો હવે મજા આવશે! જોઈએ હવે! કોને વખાણે છે બધા!" વિચારતી શિવા પોતાનું કલર-કલેક્શન કાઢી વિવિધ કલર અને શેડ તપાસવા લાગી હતી.

બે દિવસ પછી રુચા દોડતી આવી હતી. મોટે મોટેથી બોલતી હતી "યુ આર માય બેસ્ટ સિસ્ટર!".

અખંડઆનંદ જાન્યુઆરી '22 અંકમાં પ્રકાશિત મારી લઘુકથા 'સિસ્ટર્સ'
©️પલ્લવી ગુપ્તા🌷

No comments: