05 January 2024

સ્વતંત્રતા



સ્કૂલ યુનિફોર્મ પહેરેલા બે છોકરાઓ દોડતા-દોડતા ચાની કીટલી પર આવ્યા. “આઝાદ! ચાલ નેહાળમા બેન બોલાવે.” હાફતાં હાંફતાં બોલ્યા.

“માલિક મારશે! ફાલતૂ પ્રોગ્રામમાં જવાની ના પાડી છે.” ગ્રાહકને ચા-ખારી આપતાં એણે કહ્યું. “અલ્યા હેંડ ક....તારો નંબર આયો શ..”

પાડોશમાં જ હતી સ્કૂલ, કપ-કીટલી ફેંકી દોડીને શાળાએ પહોંચી જવું હતું. પળવાર માટે એનું મન શાળાના પ્રાંગણમાં વિહાર કરી આવ્યું. જીવતાં માતા-પિતા સાથે ગાળેલી ક્ષણોની લહેર એને વિચલિત કરી ગઈ.

“એક કટિંગ ચા....” ફરી એક ગ્રાહકે બૂમ પાડી. એની મુગ્ધાવસ્થા તૂટી. ઉજ્જવળ ભાવિની પાંખો વર્તમાનની વાસ્તવિકતાથી ભારે થઈ ખરી પડી.

“ના રે ના. હમણાં ક્યાંય જઈશ તો માલિક આ કપડાં પાછાં લઈ લેશે. સાંજે જમવા નહિ આપે, કાઢી મૂકશે તો ઊંઘીશ ક્યાં?” વિલાયેલા વદને આઝાદ બોલ્યો.

નિર્દોષ રસાકસી વચ્ચે શાળામાંથી માઈકનો મોટો અને સ્પષ્ટ અવાજ તેમના કાન પર અથડાયો, સ્વતંત્રતા અને મૂળભૂત હક્કો નિબંધ-લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવે છે, ધોરણ આઠનો વિદ્યાર્થી “આઝાદ‘!”
------------------------
©️ પલ્લવી ગુપ્તા 🌷


No comments: