21 June 2024

જીદ છોડો હવે (લઘુકથા)

જીદ છોડો હવે
લઘુકથા:

         "જીદ છોડો, બેટા. ભાવતી કચોરી બનાવી છે, જમી લો,હવે." થાળી અને આસન જમીન પર મુકતાં મમ્મીએ રોશનને કહ્યું.
         "નથી જમવું." ક્રોધથી તગતગતો સ્વર ડાઈનીંગ ટેબલ પર જમવા બેઠેલા સહુના કાને અથડાયો.
         "કાલથી કંઈ ખાધું નથી. વધારે દુખશે તને."મમ્મીના સ્વરમાં ચિંતા અને પીડા છલકાઈ.
         "કેમ? બાએ જ શીખવાડ્યું છે ને 'અન્ન દેવો ભવ.' તો હવે આ અન્ન મારા શરીરમાં જઈને અપવિત્ર નહીં થઈ જાય? હું તો અશુદ્ધ છું, અસ્પૃશ્ય છું આજે!" સ્વમાન ઘવાયાની પીડા લાવારસની જેમ આંખોથી ફાટી નીકળી.
          બાના આવ્યા પછીથી મમ્મીએ કેટલીક વાતોમાં ટકોરવાનું શરૂ કર્યું જ હતું, પપ્પા પણ એના પક્ષમાં બહુ બોલતા નહોતા. 
           બંને ગાલે અશ્રુધારા સહિત એ ફરી ત્રાટકી‌.
           "મને સાયન્સ સ્ટ્રીમમાં ભણાવો છો અને ઘરમાં આવી અંધશ્રદ્ધા? જીન્સ કેમ પહેરાવો છો ? બાને કહો ઘાઘરો-ઓઢણી લઈ આપે." ગુસ્સો અને અશ્રુ તીવ્ર ગતિએ પ્રવાહિત હતા.
           "બે દિવસથી કિચનમાં આવવા નથી દેતા; સોફા પર બધાની સાથે બેસવા નથી દેતા; ડાઈનીંગ ટેબલ પર બેસી જમવા નથી દેતા. બાને કહો રેતીનો ઢગલો કરી આપે એક ખૂણે. એના પર જ બેસી રહીશ. આમેય જુના જમાનામાં લોકો એવું જ કંઈક કરતા ને."
            "જુના જમાનામાં....." શબ્દો બાને પથ્થરની જેમ વાગ્યા.
             યાદ આવ્યું બાળપણ. રાજા રામમોહન રાયની પ્રવૃત્તિઓ વિશે પોતાના શિક્ષકદાદા સાથે કલાકો ચર્ચા કરતી રહેતી. સતીપ્રથા, બાળ વિવાહ, વિધવાપ્રતાડણા જેવા સામાજિક દૂષણોના વિચારો માત્રથી વર્ષો સુધી વિચલિત રહી હતી.
               બા, એ જ હતી કે જેણે નવી આવેલી વહુ માટે પોતાની સાસુને સમજાવી-મનાવીને ડ્રેસ પહેરતી જ નહોતી કરી બલ્કે નજરની શરમ રાખી પાલવ-પ્રથા પણ મરજિયાત કરી દીધી હતી‌.
             રોશનનો વિદ્રોહ અને અકળામણ એમના હૃદયને પશ્ચાતાપ સુધી લઈ ગયો. 
             બા રોશન તરફ વળ્યાં અને પોતાની બાજુમાં આવી બેસવા હાથેથી ઇશારો કર્યો.
-----------
'કુમાર' જૂન'24 અંકમાં પ્રકાશિત લઘુકથા 
©️ પલ્લવી ગુપ્તા 🌷

1 comment:

just a reader said...

some thing is still pending. It is like comma at the end. I am finding fullstop.
otherwise it is uncommetable.