ભૂખ
જમણવારની ફરતે બંધાયેલ મંડપમાંથી બહાર આવતી સુગંધે રોશનને ત્યાં જ રોકી લીધો.
સાયકલ આજે ઘણી નવી સોસાયટીઓમાં ફરી આવી હતી. પરંતુ લગ્ન સિઝનમાં કોને સમય છે પસ્તી અને ભંગાર કાઢવાનો?
ભૂખ અને ભોજન વચ્ચે માત્ર મંડપનું આ આવરણ હતું. કેમેય કરીને ઝટ અંદર પહોંચી સુવાસનો ધરાવો સ્વાદમાં લઈ લેવો હતો.
વિચારોની થનગનાટ વચ્ચે લગભગ એની ઉંમરનો એક છોકરો અંદરથી દોડતો બહાર આવ્યો અને સીધો ભૂસકો માર્યો સામે પડેલા રેતીના ઢગલા પર. જાણે સોનાના પાંજરામાં પુરાયેલ પંખીને પાંજરાની બારી ખુલ્લી મળી ગઇ હોય!
અંદરથી એક મેડમ એની પાછળ બૂમો પાડતી બહાર આવી. મોંઘા કપડા. બાજુમાં લટકાવેલ મોટું પર્સ અને એક હાથમાં નાનું બાળક. બીજા હાથમાં વાનગીઓથી સજ્જ મોટી ડિશ. એ બોલાવતી હતી, 'કમ બેબી કમ! ટેક યોર મીલ ફર્સ્ટ.'
એકને માત્ર રમવું હતું. એકને માત્ર જમવું હતું.
અચાનક પટ્ટો તૂટવાથી પર્સ નીચે પડી ગયો. વસ્તુઓ રેતીમાં વેરાઈ ગઈ. પર્સની ચેન કદાચ ખુલી રહી ગઈ હતી. બંને હાથ વ્યસ્ત હોવાથી વસ્તુ ભેગી કરવી મેડમ માટે કાઠું હતું. રોશન તરત એની પાસે પહોંચી ગયો. પરવાનગી લઇ એક-એક વસ્તુ ભેગી કરવા લાગ્યો. એના હાથમાં ઘણી કિમતી વસ્તુઓ આવી. સાથે પૈસા પણ. એણે નજર ત્રાસી કરીને જોયું. મેડમનું ધ્યાન પેલા છોકરાને રેતીમાંથી બહાર કાઢવા તરફ હતું.
તેને થયું થોડી વસ્તુઓ અને પૈસા પોતાના ખિસ્સામાં સરકાવી લે. પણ અંતરઆત્માએ તેમ કરવાની ના પાડી.
એક-એક કરીને તમામ વસ્તુ દેખાડતો ગયો તથા પર્સમાં નાખતો ગયો. પછી તેમની તરફ ભોજનની લાલસાએ તાકતો ઊભો રહ્યો. તેને વિશ્વાસ હતો કે બાળકની માતા તેના ચહેરા પર ભૂખને વાંચી લેશે અને ડીશમાંથી થોડું જમવાનું પણ આપશે.
થોડી ક્ષણો ઈંતેજારીમાં વીતી.
ના તો રેતીમાંથી નીકળી બાળકે જમવાનું શરૂ કર્યું,
ના તો માતાની દ્રષ્ટિ રોશનના ચહેરા પર પડી.
ખાનારની રાહ જોતી બેબાકળી ડીશે તેની વ્યાકુળતા પરાકાષ્ટાએ પહોંચાડી અને તે ત્યાંથી તરત જ નીકળી ગયો.
--------------
નવચેતન જાન્યુઆરી '24 અંકમાં પ્રકાશિત લઘુકથા
©️ પલ્લવી ગુપ્તા 🌷