"અંતર અકબંધ છે."--- શ્રી માર્ટીન જ્હોન
(લઘુકથા)
વિદેશમાં રહેતા વહુ-દીકરાની સાથે સ્કાઇપ એપ પર ધરાઈને વાત કરીને શ્રીમાન લોબો સોફામાં આનંદપૂર્વક જડાઈ ગયા. થોડીક ક્ષણોમાં એમની પત્નીએ ગરમ કોફી પીવડાવી એમના આનંદમાં વધારો કરી આપ્યો. કોફી માણતાં-માણતાં પત્ની સાથે ચર્ચા કરવા લાગ્યા.
"વાહ! ટેલિકમ્યુનિકેશને શું ગજ્જબનો વિકાસ કર્યો છે. ગજ્જબની ક્રાંતિ! આહા...અદભુત!"
"હા, સાચું કહો છો! આપણા જમાનામાં રેડીયો અને ટ્રાન્ઝિસ્ટરને નવી ટેકનોલોજી માનવામાં આવતી."
"હવે, જો તો ખરી! હજારો કિલોમીટર દૂર કેમ ન રહેતા હોઈએ, એક જ સેકન્ડમાં જોડાઈ જવાય છે. સામસામે બેઠા હોઈએ એ રીતે વાત થાય છે. દુનિયા આખાની ખબર પળવારમાં મળી જાય છે."
"આ ક્રાંતિકારી વિકાસના પગલે લાગે છે જાણે દુનિયા મુઠ્ઠીમાં હોય." સમર્થન આપતાં પત્નીએ કહ્યું.
"સોશિયલ મીડિયાના લીધે કેટલી ઓળખાણ વધી છે! અંતર બિલકુલ ઘટી ગયું છે."
કોફી પીને શ્રીમાન લોબો બેંક જવા માટે બિલ્ડીંગના ચોથા માળેથી નીચે ઉતર્યા. જોયું, તો મોટી ભીડ ભેગી થઈ હતી. પરંતુ મૌન છવાયેલું હતું. ક્યાંક કોઇના રૂદનનો અવાજ સંભળાતો હતો. લોકોના ભેગા થવાનું કારણ જાણવા ઉતાવળા થયેલા શ્રીમાન લોબોએ સિક્યોરિટી ગાર્ડને પૂછ્યું.
ગાર્ડે કહ્યું, "સાહેબ, હજી તમને ખબર નથી! શ્રીવાસ્તવ સાહેબની માતાનું નિધન થયું છે. એક વરસથી બીમાર હતા ને!"
મગજને ખૂબ કસ્યા પછી પણ કોઈ ચહેરો નજર સમક્ષ ના આવતાં ધીમા સ્વરે ફરીથી પૂછ્યું, "કોણ શ્રીવાસ્તવ?"
"લો હવે, તમને એ પણ ખબર નથી? ત્રીજા ફ્લોર પર પાંચ વર્ષથી રહેતા હતા. થોડા દિવસ પહેલા તેમના પિતાજી બિલ્ડીંગના પગથિયાથી પડી ગયા હતા. અઠવાડિયે હોસ્પિટલમાં રહ્યા પછી મૃત્યુ પામ્યા. કહેવાય છે કે, બ્રેન હેમરેજ હતું."
"ઓહો! અત્યંત દુઃખદ!"
પોતાના પાડોશીઓથી અપરિચિત તથા તેમના સુખદુઃખથી અજાણ રહેવાના કારણે દુઃખ અને શરમ અનુભવતા, એમના મુખમાંથી સરી પડ્યું, "અંતર અકબંધ છે!"
'પરિવેશ' એપ્રિલ 22 - ડીસેમ્બર 22, અનુવાદ અંકમાં પ્રકાશિત
©️ પલ્લવી ગુપ્તા🌷