27 June 2023

ઓનલાઈન જીંદગી

અનુવાદ

લઘુકથા     :  ઓનલાઈન જીંદગી.
મૂળ લેખક  :  मार्टिन जॉन
મૂળ ભાષા  :  હિન્દી
મૂળ કૃતિ    : ओनलाईन जिंदगी l
અનુવાદક  : પલ્લવી ગુપ્તા
પ્રકાશન     : પરિવેશ અનુવાદ અંક


ઓનલાઈન જીંદગી ---શ્રી માર્ટીન જ્હોન

(લઘુકથા)

     મેટ્રોસિટીમાં જોબ કરનાર પુત્રે માતા-પિતાના મુસાફરી -કાર્યક્રમ મુજબ ઓનલાઇન -ટિકિટ બુક કરાવી પિતાના મોબાઈલ પર ફોરવર્ડ કરી આપી.

     નિશ્ચિત સમયે માતા-પિતા મેટ્રોસિટી પહોંચી ગયા. મેટ્રોસિટીના એક અપાર્ટમેન્ટના પાંચમા માળે પુત્રે એક ફ્લેટ લઈ રાખ્યો હતો.

      ફ્રેશ થયા પછી પિતાને ચા પીવાની ખૂબ ઈચ્છા થવા લાગી. એમણે પત્ની તરફ જોયું. પત્ની સમજી ગઈ. તરત રસોડામાં પ્રવેશ કર્યો. ચારેબાજુ નજર ફેરવી જોયું, તો ગેસ -સિલેન્ડર, ઓવન અને બે-ચાર વાસણ સિવાય કંઈ નહોતું. 

      "શું શોધે છે, મમ્મી?"

      "બેટા તારા પપ્પાને અત્યારે ચા પીવાની ટેવ છે, ને! પણ, અહીં તો કંઈ નથી!"

       પુત્રે તત્કાલ ફોન કર્યો. દસ મિનિટમાં ડોરબેલ વાગી. ત્રણ કપ ચા હાજર!

       "જમવાનું શું કરીશું, બેટા? ઘરમાં દાણા-પાણી તો છે નહીં, રાંધવાનું શું?"

       "ચિંતા નહીં કર, મમ્મી! હમણાં ઓર્ડર કરી દઉં છું."

      એક કલાકમાં લંચનું પેકેટ લઇ ડિલીવરી બૉય બારણે હાજર થઈ ગયો.

       બીજી સવારે પિતાએ પુત્રને કહ્યું, "બેટા! અહીં નજીકમાં કોઈ બુક-સ્ટોલ છે?"

       "કેમ?"

        "અખબાર લઈ આવ્યો હોત.... બહાને થોડું મોર્નિંગ વૉક પણ થઈ ગયું હોત..."

        " એપાર્ટમેન્ટનું ધાબું ખૂબ મોટું છે, પાપા. ત્યાં જઈને વૉક કરી લો.... અને લ્યો આજનું ન્યૂઝ-પેપર." પુત્રે પોતાના લૅપટોપમાં -પેપર કાઢી પિતાની સામે મૂકી દીધું.

         સમયે મમ્મીએ પોતાની ઇચ્છા જાહેર કરતાં કહ્યું,  "બેટા! રેસ્ટોરન્ટનું ખાવાનું આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. ચાલ ને, બજાર જઈએ! કરિયાણું અને થોડાં વાસણ લેતા આવીએ. હું રોજ જમવાનું બનાવીશ."

         "બજાર જવાની શું જરૂર છે, મમ્મી? બજારને અહીં બોલાવી લઇએ."

         તેણે પોતાના સ્માર્ટફોન પર આંગળીઓ ફેરવી. થોડીજ વારમાં શાક અને કરિયાણાના પેકેટ લઇ ડિલીવરી બૉય બારણે સ્મિત આપી રહ્યો હતો. બીજો એક ડિલીવરી બૉય ઘરવખરી આપી ગયો.

         ચાર દિવસ થઈ ગયા. ઓનલાઇન જિંદગીએ તેમને ફ્લેટની અંદર બંધ પડી રહેવા મજબૂર કરી રાખ્યાં હતાં. તેમને ખૂબ અકળામણ થવા લાગી હતી. ખરીદી કરવાના બહાને થોડું ફરવાની ઇચ્છા વ્યક્ત કરતા મમ્મીએ કહ્યું, "બેટા! ચાલને બજાર જઈએ. મોટાભાઈના છોકરાઓ માટે થોડા કપડાં લઇ લઉં."

         પુત્ર તરત લૅપટોપ લઇ માતાની પાસે બેસી ગયો તથા ગારમેન્ટનું આખું બજાર ખોલી બતાવ્યું.

         "લે, મમ્મી! જો અને પસંદ કરી લે! તાત્કાલિક ઓર્ડર આપી દઉં. બે-ત્રણ દિવસમાં ડિલિવરી થઈ જશે."

         તે રાત્રે ફ્લેટના એક રૂમમાં પુત્ર પોતાનું -મેઈલ બોક્સ ખંખેરવામાં વ્યસ્ત હતો. ત્યારે બીજા રૂમમાં માતા-પિતા પથારી પર પડ્યા-પડ્યા કોઈપણ સંવાદ વગર સફેદ છતની પેલે પાર ચાંદ-તારાથી ભરેલાં આકાશની કલ્પનામાં ખોવાયેલા હતાં. તેમની ઢળતી કાયામાં કોઇ અજાણી-ડિવાઇસ સમાતી હોય એવો આભાસ થતાં ગભરાઈને એકબીજામાં ખોવાઈ ગયાં.

         બીજી સવારે પૂર્વાયોજિત કાર્યક્રમથી વિપરીત બંને ત્યાંથી નીકળી જવાની તૈયારીમાં લાગી ગયાં.

                                            ---   ---   ---

'પરિવેશ' એપ્રીલ 22- ડીસેમ્બર 22, અનુવાદ અંકમાં પ્રકાશિત 

©️પલ્લવી ગુપ્તા🌷