05 January 2024

સ્વતંત્રતા



સ્કૂલ યુનિફોર્મ પહેરેલા બે છોકરાઓ દોડતા-દોડતા ચાની કીટલી પર આવ્યા. “આઝાદ! ચાલ નેહાળમા બેન બોલાવે.” હાફતાં હાંફતાં બોલ્યા.

“માલિક મારશે! ફાલતૂ પ્રોગ્રામમાં જવાની ના પાડી છે.” ગ્રાહકને ચા-ખારી આપતાં એણે કહ્યું. “અલ્યા હેંડ ક....તારો નંબર આયો શ..”

પાડોશમાં જ હતી સ્કૂલ, કપ-કીટલી ફેંકી દોડીને શાળાએ પહોંચી જવું હતું. પળવાર માટે એનું મન શાળાના પ્રાંગણમાં વિહાર કરી આવ્યું. જીવતાં માતા-પિતા સાથે ગાળેલી ક્ષણોની લહેર એને વિચલિત કરી ગઈ.

“એક કટિંગ ચા....” ફરી એક ગ્રાહકે બૂમ પાડી. એની મુગ્ધાવસ્થા તૂટી. ઉજ્જવળ ભાવિની પાંખો વર્તમાનની વાસ્તવિકતાથી ભારે થઈ ખરી પડી.

“ના રે ના. હમણાં ક્યાંય જઈશ તો માલિક આ કપડાં પાછાં લઈ લેશે. સાંજે જમવા નહિ આપે, કાઢી મૂકશે તો ઊંઘીશ ક્યાં?” વિલાયેલા વદને આઝાદ બોલ્યો.

નિર્દોષ રસાકસી વચ્ચે શાળામાંથી માઈકનો મોટો અને સ્પષ્ટ અવાજ તેમના કાન પર અથડાયો, સ્વતંત્રતા અને મૂળભૂત હક્કો નિબંધ-લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવે છે, ધોરણ આઠનો વિદ્યાર્થી “આઝાદ‘!”
------------------------
©️ પલ્લવી ગુપ્તા 🌷


04 January 2024

ભૂખ

ભૂખ
        જમણવારની ફરતે બંધાયેલ મંડપમાંથી બહાર આવતી સુગંધે રોશનને ત્યાં રોકી લીધો.
સાયકલ આજે ઘણી નવી સોસાયટીઓમાં ફરી આવી હતી. પરંતુ લગ્ન સિઝનમાં કોને સમય છે પસ્તી અને ભંગાર કાઢવાનો?
        ભૂખ અને ભોજન વચ્ચે માત્ર મંડપનું આવરણ હતું. કેમેય કરીને ઝટ અંદર પહોંચી સુવાસનો ધરાવો સ્વાદમાં લઈ લેવો હતો.
          વિચારોની થનગનાટ વચ્ચે લગભગ એની ઉંમરનો એક છોકરો અંદરથી દોડતો બહાર આવ્યો અને સીધો ભૂસકો માર્યો સામે પડેલા રેતીના ઢગલા પર. જાણે સોનાના પાંજરામાં પુરાયેલ પંખીને પાંજરાની બારી ખુલ્લી મળી ગઇ હોય!
          અંદરથી એક મેડમ એની પાછળ બૂમો પાડતી બહાર આવી. મોંઘા કપડા. બાજુમાં લટકાવેલ મોટું પર્સ અને એક હાથમાં નાનું બાળક. બીજા હાથમાં વાનગીઓથી સજ્જ મોટી ડિશ. બોલાવતી હતી, 'કમ બેબી કમ! ટેક યોર મીલ ફર્સ્ટ.'
          એકને માત્ર રમવું હતું. એકને માત્ર જમવું હતું.
          અચાનક પટ્ટો તૂટવાથી પર્સ નીચે પડી ગયો. વસ્તુઓ રેતીમાં વેરાઈ ગઈ. પર્સની ચેન કદાચ ખુલી રહી ગઈ હતી. બંને હાથ વ્યસ્ત હોવાથી વસ્તુ ભેગી કરવી મેડમ માટે કાઠું હતું. રોશન તરત એની પાસે પહોંચી ગયો. પરવાનગી લઇ એક-એક વસ્તુ ભેગી કરવા લાગ્યો. એના હાથમાં ઘણી કિમતી વસ્તુઓ આવી. સાથે પૈસા પણ. એણે નજર ત્રાસી કરીને જોયું. મેડમનું ધ્યાન પેલા છોકરાને રેતીમાંથી બહાર કાઢવા તરફ હતું.
          તેને થયું થોડી વસ્તુઓ અને પૈસા પોતાના ખિસ્સામાં સરકાવી લે. પણ અંતરઆત્માએ તેમ કરવાની ના પાડી.
          એક-એક કરીને તમામ વસ્તુ દેખાડતો ગયો તથા પર્સમાં નાખતો ગયો. પછી તેમની તરફ ભોજનની લાલસાએ તાકતો ઊભો રહ્યો. તેને વિશ્વાસ હતો કે બાળકની માતા તેના ચહેરા પર ભૂખને વાંચી લેશે અને ડીશમાંથી થોડું જમવાનું પણ આપશે.
          થોડી ક્ષણો ઈંતેજારીમાં વીતી.
          ના તો રેતીમાંથી નીકળી બાળકે જમવાનું શરૂ કર્યું,
          ના તો માતાની દ્રષ્ટિ રોશનના ચહેરા પર પડી.
          ખાનારની રાહ જોતી બેબાકળી ડીશે તેની વ્યાકુળતા પરાકાષ્ટાએ પહોંચાડી અને તે ત્યાંથી તરત નીકળી ગયો.
--------------

નવચેતન જાન્યુઆરી '24 અંકમાં પ્રકાશિત લઘુકથા

©️ પલ્લવી ગુપ્તા 🌷