ખુલ્લું આકાશ (મારી પ્રથમ લઘુકથા)
મૃદુલા વેકેશનમાં બંને દીકરીઓ સાથે ગામમાં પિયરે મળવા આવી. બસમાંથી ઊતરીને ગામના રસ્તે ચાલતી જતી હતી. રસ્તામાં શાંતાબાએ એને તેની દીકરીઓ સાથે જોઈ દૂરથી હાક મારી, "કેમ મૃદુલા! હવે તો એક છોરો આવવા દે?"
સાંભળતા જ એના ચહેરા પરના આનંદમાં ઓટ આવી. એના કાનમાં સાસરીના મ્હેણાં ગુંજવા લાગ્યાં. વિચારવા લાગી, "જો દીકરો હોત, તો પોતે અત્યારે સાસરીમાં જ રીબાતી હોત." પ્રોફેસર ના બની શકી હોત. આખો દિવસ સાસુના મહેણાં. રાત્રે પતિની જોહુકમી. પોતે એક હરતા-ફરતા હાડપિંજરમાં અનેક દાયકાઓ સુધી કેદ રહી હોત."
અચાનક, આનંદના કિલ્લોલથી મૃદુલાના હોઠ પર સ્મિત ફરી રેલાઈ ગયું. દૂર ખેતરમાં નાચતાં મોરને જોઈ બંને દીકરીઓ કૂદતી, તાળીઓ વગાડી રહી હતી.
ખુલ્લા આકાશ નીચે હર્યાભર્યા ખેતર વચ્ચે ઊભી મુક્ત મૃદુલા ફરી વિચારોમાં ધસી ગઈ. દીકરીઓ સાથે સન્માનપૂર્વક જીવવા માટે સાસરીરૂપી જેલની બારસાખ ઓળંગવા માટે ખૂબ હિંમતની જરૂર હતી. એ સમયે એના ટૂટતા શ્વાસમાં પ્રાણ પૂરનાર એ બંને ચહેરા પર એની દૃષ્ટિ પડતાં, મૃદુલા હરખાતી, ફરી આગળ ડગલાં માંડવા લાગી.
______________________________
સમણું જૂન સપ્ટેમ્બર 2020માં પ્રકાશિત મારી પ્રથમ લઘુકથા
©️ પલ્લવી ગુપ્તા 🌷
©️ પલ્લવી ગુપ્તા 🌷
1 comment:
ખુબજ સરસ પ્રસ્તુત જમાના ની બેવડા ધોરણ નું નિરૂપણ આ લઘુકથા થી પ્રતીત થાય છે. હજુ પણ આપણા ભારત ના સમાજ માં દીકરી માટે પ્રેમ અને માન સર્વેત્રે જોવા ઓછું મળે છે. જન્મ વખતે લક્ષ્મી ની પધરામણી સિવાય વિશેષ કઈ બોલાતું નથી ,અને ઘર માં જાણે ગ્રહાં લાગ્યું હોય એવા નિસાસા નાખતા સંભળાય છે. અંગ્રજી માં jene' male chauvanism' કહે છે એ સારા સારા શિક્ષિત અને કેહવતા સંસ્કારી ઘરો માં પણ જોવા અને આચરતા જોવા મળે છે.
હજુ આપણે કદાચ સદીઓ લાગશે આ માનસિકતા માંથી બહાર નીકળતા. જ્યાં સુધી માં બાપ અને વડીલો આ માટે સક્રિય રીતે માનસિકતા નહિ બદલે ત્યાં સુધી હજારો સ્ત્રી ઓ આ ત્રાસ માંથી પસાર થવું જ પડશે અને કોઈ પણ વાંક વગર પીસાતા રેહવું પડશે.
ભગવાન સૌને જલ્દી સન્મતિ આપે એજ પ્રાર્થના કરવાની રહેશે.
Post a Comment