દ્વિતીય ક્રમ મેળવી 'ન્યુઝ ઓફ ગાંધીનગર' માં સ્થાન મળ્યાનો વિશેષ આનંદ છે.
ગણેશોત્સવની સ્થાપના
ભારત એ ઉત્સવપ્રિય દેશ છે. અહીંના તહેવારો અને ઉત્સવો, એ ભારતીય સંસ્કૃતિની આગવી, ગરિમામયી વિશેષતા છે. આજે વાત કરીએ ગણેશોત્સવની.
ઈલોરાની ગુફાઓમાં પાંચમીથી આઠમી સદીની બૌદ્ધ અને જૈન મૂર્તિઓની સાથે શક્તિમાતાના કૂખે ગણેશજીની પ્રતિમા પણ જોવા મળે છે. અર્થાત્, ગજાનન ભગવન્ પૌરાણિક કાળથી જ લોકપ્રિય દેવ રહ્યા છે. ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં પુણેમાં શિવાજીના શાસનકાળ દરમિયાન જ્યારે એમણે મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અર્થાત્ ઈ.સ. 1630 થી 1680ની વચ્ચે ગણેશોત્સવની પારંપરિક શરૂઆત થઈ. પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન આ પર્વે પોતાની મહિમા ગુમાવી દીધી.
ઈ.સ. 1857ના વિપ્લવ પછી ભારતીય પ્રજાના ક્રાંતિકારી વલણથી ગભરાયેલા અંગ્રેજી શાસકોએ ભારતીયો વચ્ચે ધાર્મિક મતભેદ પેદા કરવાના ષડયંત્રો શરૂ કર્યા. એવા અનેક ષડ્યંત્રો વચ્ચે લોર્ડ કર્ઝને ઈ.સ. 1905માં બંગાળના ધર્મનુસાર વિભાજન કરવાનું નક્કી કર્યું. આદેશ કર્યો. પરંતુ આ યોજનાને તત્કાલીન વિફળતા મળી. તે સમયે ભારતીય પ્રજામાં હિંદુ-મુસ્લિમ રોષ ઉભો કરવો, એ કંઈ એટલું સહેલું નહોતું. વર્ષાંતે વિભાજન પાછું ખેંચી લેવું પડ્યું. કાળક્રમે ઈ.સ.1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઇ. અને આ તરફ બે દાયકાઓથી અંગ્રેજો તરફ નરમવલણ ધરાવતી કોંગ્રેસ પાર્ટીમાં ઉગ્રતા પ્રવર્તવાની શરૂઆત થઈ. કોંગ્રેસ પાર્ટીના ત્રણ પ્રવૃત્તિશીલ નેતાઓ લાલ-બાલ-પાલમાંના એક બાલ ગંગાધર તિલક ભારતીય પ્રજામાં ફરીથી સંપ અને એકતાનો પ્રચાર-પ્રસાર કરવા સતત ચિંતિત હતા. ભારત ની ભોળી અને ધાર્મિક પ્રજાને સંગઠિત કરવાના નેક ઇરાદા માટે એક એવા દેવ કે જે દરેક જ્ઞાતિમાં વિશેષ પૂજનીય હતા એવા શ્રી ગણેશ ભગવાનની ઉપાસનાથી ઉત્તમ પ્રસંગ શું હોઈ શકે? અંગ્રેજો દ્વારા દિશા-ભ્રમિત પ્રજાને ફરીથી સંગઠિત કરવાના દીર્ઘ દ્રષ્ટિકોણથી ગણેશોત્સવની પુનઃ શરૂઆત થઈ.
જોકે આ પર્વનો હેતુ રાજનૈતિક પણ હતો. તિલકની પોતાની પાર્ટી-કોંગ્રેસ પાર્ટીના અનુયાયીઓની સંખ્યા વધારી આઝાદીની અવાજ બુલંદ કરવાનું પણ હતું અને એ પણ સતત દસ દિવસ સુધી રોજેરોજ લોકો સંગઠિત થાય, તો એકતાની ભાવના કેટલી બળવાન બને!
અંગ્રેજી શાસન પછી રાજનૈતિક હેતુ ગાયબ થઈ ગયો. પછી સામાજિક અને સાંસ્કૃતિક આયોજન હેઠળ આ ઉત્સવ ઉજવાતો રહ્યો. પરંતુ સમકાલીન સ્થિતિ થોડી દયનીય થઇ છે. હવે ક્યારેક વૈયકતિક ધ્યેય માટે ગણેશ ઉત્સવ ઊજવાતો જોવા મળે છે. જ્યાં પર્વની શરૂઆત, ધર્મના માધ્યમથી લોકોને ભેગા કરીને એમની અંદર એકતાની-સંગઠનની ભાવના વિકસાવવાના ઇરાદાથી થઈ, ત્યાં આજે આ પર્વનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે વિભિન્ન રાજનૈતિક પાર્ટીઓ ધર્મની વિભાવના પેદા કરી લોકોને અસંગઠિત કરતી જોવા મળે છે.
'ન્યુઝ ઓફ ગાંધીનગર' 4 સપ્ટેમ્બર '2020 અંકમાં પ્રકાશિત
©️ પલ્લવી ગુપ્તા 🌷
No comments:
Post a Comment