લઘુકથા
વળાંક
રમીને આવ્યો કે સીધુ રીમોટ હાથમાં. રસોઈ કરતા મમ્મી ભડકી. 'અરે હાથ પગ ધોઈ હોમવર્ક કરવા બેસ હવે.'
સાંભળ્યું ના સાંભળ્યું કરીને ચેનલ બદલતો રહ્યો. ફ્રેશ થઈને રૂમમાંથી બહાર નીકળતા પપ્પાએ ઉમેરો કર્યો,
'અર્થ બેટા! જાવ. સ્ટડી કરવા બેસી જાવ.'
'પપ્પા મારે મરજી મુજબ કંઈ કરવાની ઈચ્છા થાય કે નહિ?' કંટાળીને એણે વળતો જવાબ આપ્યો.
'કેમ? રોજ રમવા નથી જતો? જમતી વખતે ગમતી સીરીયલ જુએ છે, ઓછું છે? બોર્ડની પરીક્ષા છે આ વર્ષે. વધુને વધુ સમય ફાળવો પડે સ્ટડી માટે.'
રીમોટ સોફા પર પછાડતાં બબડ્યો, 'સવાર સાંજ લેક્ચર ને લેક્ચર. સ્કૂલમાં પણ, ઘરમાં પણ!' તતડાવીને રૂમમાં જતો રહ્યો.
નિત્યક્રમ પ્રમાણે દાદા આ રામાયણ જોઈ રહ્યા હતા. જમ્યા પછી અર્થના રૂમમાં ગયા. ખભે હાથ મૂકી એને ગમતી થોડી વાતો કરી. પછી ઓચિંતાનું પૂછ્યું, 'તને સવારપાળી ગમે કે બપોરપાળી?'
મસ્તીમાં બોલ્યો, 'સવારપાળી દાદા. સવારમાં એકવાર સ્કૂલ ભરી લ્યો પછી આખા દિવસના આપણે રાજા!'
'હા! પણ સવારે વહેલું ઊઠવું પડે ને?'
'આખો દિવસ મનનું કરવા મળે તો એટલું ચલાવી લેવાય. બપોર પાળીમાં આખો દિવસ ટીચરની કચકચ, સાંજે મમ્મી-પાપા.'
વાતને મનગમતો વળાંક મળતા દાદાએ તરત પગેરું ભર્યું, 'તદ્દન એ જ રીતે, બેટા અર્થ, તમારું બાળપણ જીવનની સવાર છે. બાળપણમાં મહેનત કરી લો પછી આખી જિંદગીના તમે રાજા. રમી રમીને બગાડ્યું તો જીંદગીભર અણગમતા કાર્યોની કચકચ પજવતી રહેશે.'
અર્થને લાગ્યું કે ટાઈમ-ટેબલમાં થોડો ફેરફાર કરવો જરૂરી છે.
---------------------------------------------------------------------
'શબ્દસર' સપ્ટેમ્બર 2023 અંકમાં પ્રકાશિત મારી લઘુકથા 'વળાંક'
©️ પલ્લવી ગુપ્તા 🌷
No comments:
Post a Comment