પ્રતીકને જન્મદિવસ પર કુરિયરમાં એક ભેટ મળી. મોકલનારનું નામ અને સરનામું વાંચી હેબતાઈ ગયો. અનેક શંકા-કુશંકા વચ્ચે ધ્રુજતા હાથે કવર ખોલવા લાગ્યો. અંદરથી કચેરીનું કોઇ ફરમાન નહિ, પરંતુ એક જૂની ડાયરી નીકળી. ભય હળવાશમાં ફેરવાયો.
એની પત્નીને ડાયરી લખવાની કાયમની ટેવ. ડાયરી એની જ હતી અને મોકલનાર એની દીકરી. બાર વર્ષ પહેલાં, હતાશાની એ ક્ષણે પત્ની- દીકરીને શહેરના ઘરમાં સૂતી મૂકીને વતનમાં ચાલ્યો આવ્યો હતો. કાયરતાની સીમા ઓળંગી એમનો સંપર્ક કરવાનો કે એમની ભાળ લેવાની ક્યારે તસ્દી લીધી નહોતી.
ડાયરીના એક-એક પાનાં ફરતાં ગયાં, એમના લગ્ન, દીકરીનો જન્મ, દીકરીનું પહેલીવાર પડખે ફરવું, પહેલીવાર ઊભું થવું, બાબરી, જન્મદિવસની ઉજવણી, જેવી તમામ ક્ષણો પુનર્જીવિત થઇ.
એની આંખો અને હૃદય ભરાઈ આવ્યા. એ તરત ઊભો થયો બેગ પેક કરવા માટે.
-----------------------------------
વિ-વિદ્યાનગર ફેબ્રુઆરીમાં પ્રકાશિત લઘુકથા
©️પલ્લવી ગુપ્તા 🌷
No comments:
Post a Comment