07 February 2024

મુક્તક મણિકા

મુક્તક મણિકા

અણસાર

કોરું કાગળ, ગ્રંથના અણસાર જાગે;

ધુન  સુરીલી, ગીતના  રણકાર  જાગે;

બાગમાં  ઉડતાં પતંગીયા, જેમ ઉડવું;

મુક્ત પાંખો છે બદન, ભણકાર જાગે.


ધ્યેય

જો મુસાફર પંથથી જોડાય ના,

તો પછી મંજિલ સુધી એ જાય ના.

ચાલજો રસ્તા ઉપર અવિરત તમે

ઘેર બેઠા ધ્યેય સુધી પહોંચાય ના.


તો શું થશે?

ખોટું બોલી, જંગ છો ને જીતશો, તો શું થશે ?

સાચું ભૂલી, જૂઠ ને બસ પૂજશો, તો શું થશે?

છો કઠિન હો માર્ગ સત્ નો! હો ખુમારી ઉર મહીં,

જીવવા ખાતર, ડરી કાયર થશો,  તો શું થશે?


સખા

ચીર પૂરી સાચવી મુજ લાજ છે.

મેળવ્યો તારા થકી સુખ-તાજ છે.

કૃષ્ણની કૃષ્ણા બની હું શોભતી,

તું સખા, તારી સખાવત, નાજ છે.


આશ

શૂન્ય નહિ આ જીંદગી, શૂન્યતા અંકાય ના.

મન મગજ ખાલીપણાથી કદી ભરમાય ના.

શ્વાસ સાથે આશની ગૂંથણી મજબૂત છે,

અરિ બની નિષ્ક્રિયતા, લક્ષ્યને વિસરાય ના.

'સમન્વિત' જાન્યુઆરી'24 અંકમાં પ્રકાશિત

©️ પલ્લવી ગુપ્તા 🌷

No comments: