13 February 2024

ઉપહાર (લઘુકથા)




ઉપહાર
લઘુકથા

         મમ્મીને બિલકુલ ન ગમ્યું. આખા દિવસના અંતે પણ એ જ...? આટલો બધો ખર્ચો કર્યા પછી પણ કેમ.....?
         રાત્રે બાર વાગતા જ મોબાઈલમાં હેપી બર્થ ડેનું ગીત વગાડયું હતું. ખુશી જાગી ગઈ હતી. જોયું; મમ્મી કેક લઈને હાજર હતી. નાનકડું બર્થ ડે સેલિબ્રેશન કરીને પાછાં બધાં સૂઈ ગયા હતા.
     સવારે જયારે એલાર્મ સાથે તે ઊઠી હતી, ઓશિકાની પાસે એને જોઈતી ગિફ્ટ પડી હતી. નહાવા ગઈ ત્યારે બીજી બર્થ ડે ગિફ્ટ - ફેન્સી ફ્રોક, લોંગ શૂઝ. તૈયાર થઈને સ્કૂલે જવા સ્કૂટી કાઢી, સીટ પર એક ચબરખી ચોટાડેલી હતી, "ડિયર, ડેકીમાં ચોકલેટ-બાર પડ્યાં છે, તેં બર્થડેનો વાયદો કર્યો હતોને મિત્રોને, ખવડાવજે."
           પાછી આવી ત્યારે મમ્મીએ એમની નોકરી પરથી જ વીડિયો કૉલ કર્યો હતો, "બેટા! વન મોર સરપ્રાઈઝ ફોર યુ! મિત્રો સાથે કેનાલ ફ્રન્ટ પર પિત્ઝા પાર્ટી કરવી હતીને! યુ કેન ગો. પૈસા ડ્રોઅરમાંથી લઈ લેજે."
         પાર્ટી કરીને પાછી ફરી ત્યાં સુધી મમ્મી પણ નોકરી પરથી આવી ગઈ હતી. એને ભાવતો ગાજરનો હલવો બનાવી તૈયાર રાખ્યો હતો. 
        બધું જ કામ પૂરું કરી જયારે સૂવાની તૈયારી ચાલતી હતી, મમ્મીના હાથમાં ફરી એક ગિફ્ટ તૈયાર હતી. એણે કહેલી એક એક વસ્તુ યાદ કરીને મમ્મીએ આપી હતી. પણ દીકરીના ચહેરા પર એ ખુશી જોવા મળી નહોતી. મમ્મીને બિલકુલ ના ગમ્યું. ચિડાઈને પૂછ્યું, "હવે બીજું તમને શું જોઈએ? કેમ ખુશ નથી દેખાતી?"
         કરમાયેલા ચહેરે ખુશીએ કહ્યું, "મમ્મી! તું...." બોલતાંની સાથે મમ્મીના ગળે વળગી પડી.
--------------------------------
વિ-વિદ્યાનગર ફેબ્રુઆરી'24 અંકમાં પ્રકાશિત
©️પલ્લવી ગુપ્તા 🌷

                 

2 comments:

Anonymous said...

મને ખૂબ ગમ્યું.

Dinesh Dholakia said...

વાહ નાની પણ બહુ મોટી વાત!